બાયરન, જ્યૉર્જ ગૉર્ડન (જ. 22 જાન્યુઆરી 1788, ઇંગ્લૅન્ડ; અ. 19 એપ્રિલ 1824, મિસૉલૉન્ધી, ગ્રીસ) : ઇંગ્લૅન્ડનો અત્યંત વિખ્યાત રોમૅન્ટિક કવિ. પગે ખોડવાળા, બચપણમાં પિતાની છત્રછાયા ગુમાવનાર, જીવનના આરંભકાળથી જ શ્રીમંત સગાં તરફથી પોતાની વિધવા માની જેમ પોતે પણ ધિક્કારની તીવ્ર લાગણી અનુભવનાર, સ્કૉટિશ આયાની દેખરેખ નીચે કૅલ્વિનિસ્ટ સંસ્કારમાં ઉછેર પામનાર આ મેધાવી બાળકનાં અહમ્ અને સંવેદનાને બચપણથી જ ભારે ચોટ લાગી હતી. તેના જક્કી સ્વભાવે ત્રણ ચીજોમાં શરણું શોધ્યું : પ્રેમ, કવિતા અને સર્જન. 1798માં તેના મોટા કાકાના અવસાન બાદ તેમની જાગીરનો તે વારસદાર બન્યો. 1801થી 1805 સુધી હૅરોમાં અભ્યાસ કર્યા બાદ કેમ્બ્રિજની ટ્રિનિટી  કૉલેજમાં જોડાયો. જીવનના ક્ષુલ્લક અનુભવો અને આદર્શવાદ વચ્ચેના ભેદની ત્યાં તેને સૌપ્રથમ વાર અનુભૂતિ થઈ. નૈતિક અધ:પતનનાં પગથિયાં એક પછી એક ખૂબ સહજતાથી તે ઊતરતો ગયો. ચંચળ યુવતીઓ સાથે અનેક પ્રેમસંબંધોમાંથી પ્રેમના શુદ્ધ સ્વરૂપને પામવાની ભાવના તેના માટે શાશ્વત શોધનો મુદ્દો બની રહ્યો.

જ્યૉર્જ ગૉર્ડન બાયરન

1807માં તેના યૌવનકાળની રોમૅન્ટિક કાવ્યરચનાઓ ‘અવર્સ ઑવ્ આઇડલનેસ’ ગ્રંથમાં પ્રસિદ્ધ થઈ, પણ ‘એડિનબરો રિવ્યૂ’માં તેની કડક આલોચના પ્રકાશિત થઈ. આ ટીકાનો સણસણતો જવાબ તેણે વાળ્યો તેના ‘ઇંગ્લિશ બાર્ડ્ઝ ઍન્ડ સ્કૉચ રિવ્યૂઅર્સ’માં. રોમૅન્ટિક કવિઓમાં અલગ ભાત પાડે તેવી તેની કટાક્ષકલા અને તીખો વિનોદ તેના ભદ્રવર્ગીય ઝોક અને પ્રશિષ્ટ સાહિત્યના પ્રભાવને છતો કરે છે.

બે વર્ષ માટે 1809થી 1811 દરમિયાન તેણે ભૂમધ્યસમુદ્રીય (mediterranean) દેશોનો પ્રવાસ કર્યો અને તેમાં જે અનુભવનું ભાથું  મળ્યું તે તેની યશસ્વી કૃતિ ‘ચાઇલ્ડ હૅરલ્ડ’ના પ્રથમ બે સર્ગો(cantoes)માં પ્રદર્શિત કર્યું છે. 1812માં પ્રસિદ્ધ થયેલ આ કૃતિને કારણે જાણે કે તે રાતોરાત અગ્રણી કવિ તરીકેની ખ્યાતિ પામ્યો. ઇંગ્લૅન્ડના સાહિત્યમાં રોમૅન્ટિસિઝમનાં લક્ષણોનો તેની કવિતામાં આવિર્ભાવ જોવા મળે છે. પ્રકૃતિનું રંગીન વર્ણન, ભૌતિક બાબતોની મિથ્યાચારી પોકળતા અને સ્વતંત્રતા માટેની ઉત્કટ ભાવનાથી સભર આ કૃતિમાં એક નવો નાયક આવિર્ભાવ પામે છે – એકલવાયો, દેખાવડો, રહસ્યમય અને છતાં જીવનની વ્યથાઓ પરત્વે ઉત્કટ આવેગશીલ.

જેમ જેમ કવિ તરીકેની તેની કીર્તિ ફેલાતી ગઈ તેમ તેમ લંડનના ભદ્ર વર્ગને આઘાત પમાડે તેવી ઘટનાઓની હારમાળા તે સર્જતો ગયો. લેડી કૅરોલિન લૅમ્બ અને લેડી ઑક્સફર્ડ સાથેના પ્રેમસંબંધો, તેની સાવકી બહેન ઑગસ્ટા સાથેના કહેવાતા અને અન્ય સગોત્રીય પ્રણયસંબંધો વગેરેની વાતો છડેચોક ચર્ચાવા માંડી. આમાંથી અપરાધભાવનો ફણગો ફૂટ્યો, જેણે સતત તેના વ્યક્તિત્વને ભરડામાં લીધું. તેનાં લખાણોમાં પણ પછી સગોત્રીય સંબંધો અંગેની વાતો પ્રબળ રીતે દેખાયા કરી છે. 1812થી 1816 દરમિયાન પ્રસિદ્ધ થયેલ કૃતિઓ ‘ધ બ્રાઇડ ઑવ્ એબિડૉસ’, ‘ધ કૉરસેર’, ‘લારા’, ‘જાઉઅર’, ‘ધ સીજ ઑવ્ કૉરિન્થ’ અને ‘પૅરિસિના’ આનાં ઉદાહરણો છે.

સાચો અને અદમ્ય, પણ સગોત્રીય પ્રણયસંબંધ ઈશ્વર દ્વારા અભિશપ્ત અને સમાજ દ્વારા તો વર્જ્ય જ લેખાતો હોય, એવા સંબંધમાં ખેંચાતાં જે આત્મનિર્ભર્ત્સના ને અપરાધવૃત્તિની વેદના થાય તેનું એનો કાવ્યનાયક પ્રતીક બની ગયો. તેની કથાઓ બાયરૉનિક નાયકની અંતરતમ ગહરાઈનું એક નવું પરિમાણ ઉમેરે છે. તે નાયક પોતાની તદ્દન વિચ્છિન્ન  ભાવાવસ્થામાં ભાગ્યની કરુણતાનો, અક્ષમ્ય ભાસતી પોતાની પાપવૃત્તિનો અનુભવ કરે છે અને તે આસપાસની દુનિયાથી બહિષ્કૃત થતાં તેની તમામ પરંપરાગત જડ તંત્ર-વ્યવસ્થાઓ સામે બગાવત કરે છે. બાયરન પોતાના વ્યથિત મનનો તાગ પામવાના માનસિક પ્રયાસોમાં ક્યાંક વિશ્રાન્તિ શોધવાનો પ્રયાસ કરે છે અને વધુ સ્થાયી જીવનમાં શાંતિ અને સમાધાન પામવા ઇચ્છે છે. ઍના ઇઝાબેલા મિલબૅંક સાથેનું 1815માં થયેલું તેનું લગ્ન સંપૂર્ણ નિષ્ફળ નીવડે છે અને એક વર્ષમાં જ ઍના ઇઝાબેલા તેનાથી અલગ થાય છે. લંડનના સમાજે બાયરનના અંગત જીવનની વિચિત્રતાઓ તરફ કદાચ આંખ આડા કાન કર્યા હોંત; પણ તેની કૃતિ ‘ધ કૉરસેર’માં ઉમેરેલી કેટલીક પંક્તિઓમાં પ્રિન્સ રીજન્ટ તરફના કટાક્ષોથી ત્યાંના ટોરી પક્ષના સભ્યોનો આક્રોશ તેણે વહોરી લીધો. બાયરનનો લગ્ન-વિચ્છેદ તેની સામે લડવાનું તેમનું એક હાથવગું શસ્ત્ર બની ગયો. અને પરિણામે 25 એપ્રિલ 1816ના દિવસે તેને પોતાના દેશને કાયમને માટે અલવિદા કહેવી પડી.

સ્વિટ્ઝર્લૅન્ડમાં બાયરન થોડાક મહિના કવિ શેલી સાથે રહ્યો. પણ ત્યાં શેલીની સાળી ક્લેર ક્લેરમોન્ટ સાથેના પ્રણય-સંબંધે પાછી ચકચાર જગાવી. શેલીના પ્રભાવ હેઠળ તેણે વર્ડ્ઝવર્થનાં કાવ્યોનો અભ્યાસ કર્યો. તેનો આધ્યાત્મિક પ્રભાવ ‘ચાઇલ્ડ હૅરલ્ડ’ના ત્રીજા સર્ગમાં જોવા મળે છે. તેની કૃતિઓ ‘ધ પ્રિઝનર ઑવ્ શિલૉન’ અને પ્રથમ નાટક ‘મૅન- ફ્રેડ’માં ‘બાયરૉનિક હીરો’ અંતર્મુખતાનાં નવાં સોપાન સર કરે છે : જે વિરોધી પરિબળો તેને પજવે છે તેની સામે ન ઝૂકવાની તિતિક્ષામાં તેની વડાઈ વરતાય છે. સ્વાધિકારની રક્ષા માટે અનિવાર્ય સત્વ   અને સત્વની ખોજ માટે તે પોતાની જાતને હોડમાં મૂકવાની તૈયારી ને હિંમત દાખવે છે.

1816ના ઑક્ટોબરમાં તેણે ઇટાલી ત્યજ્યું અને વેનિસમાં જઈ વસ્યો. ત્યાં પણ તેનું જીવન સતત વ્યભિચારગ્રસ્ત રહ્યું. 1817 પછીની તેની રચનાઓમાં નવા ર્દષ્ટિકોણની ઝાંખી થાય છે. ‘ચાઇલ્ડ હૅરલ્ડ’ના ચોથા સર્ગમાં વૈશ્ર્વિક નૈરાશ્યને તેણે સાવ ત્યજી દીધું નથી, પણ ઉદ્દંડતાનો રણકો સ્વીકારના ભાવથી ગોપાઈને થોડો હળવો બન્યો છે. આ સર્ગની મોટાભાગની પંક્તિઓ રાજકીય સ્વતંત્રતા અને રાષ્ટ્રીય સ્વાધીનતાની ઉત્કટ ભાવના પ્રગટ કરે છે. જગતને ક્રોધથી નહિ, પણ સ્મિતથી ભેટવાનું વલણ તેના ‘બેપ્પો’માં વિકસતાં, જાણે કે તે ‘ડૉન વૉન’ની માનસિક તૈયારી કરતો હોય તેમ જણાય છે. 1819માં તેના છેલ્લા પ્રેમપ્રકરણની શરૂઆત ટેરેસા ગિસિઑલી સાથેના સંબંધમાં થાય છે. તેનાથી તેના હૃદયના ઘા રુઝાતા હોય તેવી લાગણી તે અનુભવે છે. જીવનની કટુતાના ભાવ સાથે, સમાધાન શોધવાના પ્રયાસમાં રહેલા તમામ દંભની તે ‘ડૉન વૉન’માં હાંસી ઉડાવે છે.

પોતાના વિચારોને કાર્યમાં ત્વરિત પરિવર્તિત કરવાનું લક્ષણ ધરાવતો બાયરન ઇંગ્લૅન્ડના વિગ પક્ષના ઉદ્દામવાદીઓનો હાઉસ ઑવ્ લૉર્ડ્ઝમાં 1812–13 દરમિયાન પ્રવક્તા બન્યો હતો. 1820–21માં ઇટાલિયન કાર્બોનરીને ટેકો કરવાનું જોખમ તેણે ખેડ્યું હતું. તેની શરૂઆતની કવિતામાં તુર્ક શાસન દરમિયાન ગ્રીસની જનતાએ જે વેઠ્યું તેને વાચા આપીને સમગ્ર યુરોપને તેણે પ્રતિસંવેદનશીલ બનાવ્યું હતું. ગ્રીસના મુક્તિજંગમાં તે 1824માં જોડાયો અને તે દરમિયાન તેનું નિધન થયું.

પંકજ  જ. સોની