બાયફ્રા ઉપસાગર : પશ્ચિમ આફ્રિકાનો ઍટલાન્ટિક મહાસાગરના કિનારાનો વળાંકવાળો દરિયાઈ ભાગ. ભૌગોલિક સ્થાન : 3°.00´ ઉ. અ. અને 9°.00´ પૂ. રે.ની આજુબાજુનો ઉપસાગર. આ દરિયાઈ ભાગ શરૂઆતમાં પૂર્વ તરફ વિસ્તરીને પછી ત્યાંથી દક્ષિણ તરફ ફંટાય છે. તે નાઇજર નદીના નિર્ગમ માર્ગથી લોપેઝ(ગૅબોન)ની ભૂશિર સુધીના 600 કિમી.ના વિસ્તારમાં પથરાયેલો છે. તે અગ્નિ નાઇજીરિયા, કૅમેરૂન, ઇક્વેટૉરિયલ ગિની, અને વાયવ્ય ગૅબોનથી વીંટળાયેલો છે. મુખ્યત્વે નાઇજર તથા ઓગુવે નદીઓનાં તેમજ ક્રૉસ, સનાગા અને બીજી ઘણી નાની નદીઓનાં જળ તેમાં ઠલવાય છે. આ પહોળા ઉપસાગરમાં ઘણા ટાપુઓ આવેલા છે, તે પૈકી ઇક્વેટૉરિયલ ગિની હસ્તકનો બિયોકો ટાપુ મુખ્ય છે. અહીંનાં મુખ્ય બંદરોમાં બિયોકો નદી પરનું માલાબો, પૉર્ટ હર્કોર્ટ, નાઇજીરિયાનું કાલાબાર, કૅમેરૂનનું દૌઆલા, ઇક્વેટૉરિયલ ગિનીનું બાટા તથા ગૅબોનનાં લીબરવિલ અને પૉર્ટ જેન્ટિલ મુખ્ય છે.
16મી અને 19મી સદીના ગાળા દરમિયાન આ ઉપસાગર મારફતે નાઇજીરિયા મોટા પાયા પર ગુલામોનો વેપાર કરતું હતું. પરંતુ 1830–40ના દાયકામાં પામ ઑઇલના વેપારની ઊપજ ગુલામોના વેપારને વટાવી ગઈ; પામ ઑઇલના વેપારનું મહત્વ હજી આજે પણ જળવાઈ રહેલું છે. વળી 1950–60ના દસકામાં નાઇજરના ત્રિકોણપ્રદેશમાંથી મળી આવેલો તેલભંડાર નાઇજીરિયાના અર્થતંત્રને નિભાવે છે.
ગિરીશભાઈ પંડ્યા