બાયઝ બૅલૉટનો નિયમ (Buys Ballat’s Law) : ભૂમિ અને સમુદ્ર પર હવાના દબાણની જુદી જુદી પરિસ્થિતિ દરમિયાન પવનની દિશા નક્કી કરવા માટેનો નિયમ. ઘણાંબધાં અવલોકનોના પૃથક્કરણ પછી ઈ. સ. 1837માં ડચ હવામાનશાસ્ત્રી બાયઝ બૅલૉટે અનુભવબળે (empirically) આ નિયમ નક્કી કર્યો હતો. આ નિયમ આ પ્રમાણે છે : ‘ઉત્તર ગોળાર્ધમાં પવનની દિશાની વિરુદ્ધ મુખ કરીને ઊભા રહીએ ત્યારે આપણી જમણી બાજુ તરફ ઊંચું દબાણ અને ડાબી બાજુ તરફ નીચું દબાણ હોય છે. દક્ષિણ ગોળાર્ધમાં આનાથી વિરુદ્ધ પરિસ્થિતિ હોય છે.’
દબાણના તફાવતથી પેદા થતા બળ તથા પૃથ્વીની ચક્રગતિ વચ્ચેની પ્રક્રિયા દ્વારા ઉપર્યુક્ત નિયમ સૈદ્ધાંતિક રીતે સમજાવી શકાય છે. પૃથ્વીની ચક્રગતિને કારણે કૉરિયૉલિસ બળ (Coriolis force) નામનું આભાસી બળ ઉત્પન્ન થાય છે. બાયઝ બૅલૉટના નિયમના અર્થઘટન પ્રમાણે પવન અને દબાણના તફાવતથી પેદા થતા બળ વચ્ચેનો ખૂણો 90 અંશ (કાટખૂણો) હોય છે. મુક્ત વાતાવરણ માટે આ લગભગ સાચું હોય છે; પરંતુ પૃથ્વીની સપાટીની નજીક ઘર્ષણની અસરથી આ ખૂણો 90 અંશથી ઓછો હોય છે. વિષવવૃત્તની નજીક કૉરિયૉલિસ બળ ઘણું ઓછું હોય છે (અને વિષુવવૃત્ત ઉપર શૂન્ય થઈ જાય છે). આથી ઉપર્યુક્ત નિયમ વિષુવવૃત્તીય વિસ્તારોમાં લાગુ પડતો નથી. ઉત્તર ગોળાર્ધમાં ચક્રવાતની ચારેય બાજુના પવનની દિશા ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ હોય છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની દિશામાં હોય છે, એ હકીકત આ નિયમના સ્પષ્ટ ઉદાહરણરૂપ છે.
પ્રકાશચંદ્ર ગોવર્ધન જોશી
અનુ. પરંતપ પાઠક