બાબી વંશ : એ નામનો ગુજરાતનો રાજવંશ. અફઘાનિસ્તાનનો વતની બાબી વંશનો આદિલખાન હુમાયૂંની સાથે ભારતમાં આવ્યો હતો. તેના પૌત્ર બહાદુરખાનને અકબરે શિરોહીની જાગીર આપી હતી. તેના પુત્ર જાફરખાનને 1694માં મુઘલ બાદશાહ ઔરંગઝેબે ‘સફદરખાન’નો ઇલકાબ તથા ઉત્તર ગુજરાતના ફોજદારનો હોદ્દો આપ્યો હતો. તેના પુત્ર શેરખાને કેટલોક સમય જૂનાગઢના નાયબ ફોજદારનો હોદ્દો સંભાળ્યો હતો. ત્યારબાદ તે વાડાશિનોર ચાલ્યો ગયો. જૂનાગઢમાં અરાજકતા ફેલાવાથી ત્યાંના આગેવાનોએ શેરખાનને ત્યાં બોલાવ્યો. તેણે 1747માં જૂનાગઢની સર્વસત્તા કબજે કરી. બીજે વર્ષે તેણે દિલ્હીના બાદશાહના નામે, પરંતુ સ્વતંત્રપણે રાજ્ય કરવા માંડ્યું. આમ જૂનાગઢમાં બાબી વંશની સ્થાપના થઈ. જાફરખાનના બીજા પુત્ર જવાંમર્દખાનને 1716માં રાધનપુરનો હાકેમ નીમવામાં આવ્યો હતો. એના અવસાન થયા બાદ તેના જ્યેષ્ઠ પુત્ર કમાલુદ્દીનખાનને ગુજરાતની નાયબ સૂબેદારી મળી. ગુજરાત પર ચડી આવેલા રાઘોબા અને દામાજી ગાયકવાડ સાથે એણે 1757માં સંધિ કરી. તે દ્વારા મરાઠાઓએ તેને સમી, રાધનપુર, મુજપુર, પાટણ વગેરે પરગણાં જાગીર તરીકે આપવાથી એ પ્રદેશોનો તે ખંડિયો રાજવી બન્યો.
જાફરખાનના પુત્રોમાંના સલાબત મુહમ્મદખાનને મુઘલ બાદશાહ તરફથી ખેડા જિલ્લાના વાડાશિનોરમાં જાગીર મળી હતી. એનું 1730માં અવસાન થયું. એના પુત્ર શેરખાને જૂનાગઢમાં તથા બીજા પુત્ર મુહમ્મદખાને વાડાશિનોરમાં સ્વતંત્ર બાબી વંશની સત્તા સ્થાપી. જૂનાગઢમાં રાજ્ય સ્થાપનાર શેરખાન બાબીના ભાઈ દિલેરખાને માણાવદર પરગણામાં અને બીજા ભાઈ શેરજમાનખાને સરદારગઢ (ગીદડ) તથા બાંટવામાં અલગ રાજ્યો સ્થાપ્યાં. આ રીતે ગુજરાતમાં જૂનાગઢ, રાધનપુર, વાડાશિનોર, માણાવદર તથા બાંટવા – સરદારગઢમાં બાબી વંશની સત્તા સ્થપાઈ હતી. ઑગસ્ટ 1947માં ભારત સ્વતંત્ર થયા બાદ આ બધાં રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ થયું.
શિવપ્રસાદ રાજગોર