બાબિઝમ : શીરાઝ(ઈરાન)ના મીરઝા અલી મહંમદે સ્થાપેલ ધાર્મિક જૂથ. 1844માં તેમણે જાહેરાત કરી કે તેમની બાબ તરીકે દૈવી પસંદગી થઈ છે. આ પદવીનો અર્થ ‘જ્ઞાનનું દ્વાર’ એવો થતો હતો. મોટાભાગના લોકોના મનમાં એવી છાપ ઊભી થઈ કે શીરાઝના વતની મહંમદને પયગંબર મહંમદને થયેલા જ્ઞાન કરતાંય ચડિયાતું જ્ઞાન પ્રાપ્ત થયું છે અને દૈવી સાક્ષાત્કારને લગતું તેમનું ‘બાયન’ નામનું પુસ્તક ઇસ્લામના પવિત્ર પુસ્તક કુરાનને પણ ઢાંકી દે તેવું છે.

દેખીતી રીતે જ આના પરિણામે તંગદિલી ઊભી થઈ અને 1850માં બાબનો વધ કરવામાં આવ્યો. શાહનું ખૂન કરવાનો પ્રયત્ન 1852માં નિષ્ફળ નીવડ્યો ત્યારે, બાબીઓની કનડગત વધારે જોશીલી બની ગઈ. બાબના ઉત્તરાધિકારી પોતાના સાવકા ભાઈ હુસાયન અલી સાથે ભાગીને બગદાદ ચાલ્યા ગયા; આ હુસાયન અલીને પાછળથી તેમના અનુયાયીઓએ ‘અલ્લાહના તેજ’ (બહાઉલ્લા) તરીકે નવાજ્યા હતા. આ બહાઉલ્લાના નેતૃત્વ હેઠળની ધાર્મિક ઝુંબેશ બહાઈ તરીકે જાણીતી થઈ.

મહેશ ચોકસી