બાબા રામદેવ (જ. 25 ડિસેમ્બર 1965, મહેન્દ્રગઢ, હરિયાણા) : યોગગુરુ તરીકે વિશ્વભરમાં જાણીતા.
રાજકારણમાં પણ સક્રિય રસ લઈ રહ્યા છે. લોકોમાં દેશદાઝની ભાવના જગાડી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. તેમનું મૂળ નામ તો રામકિશન યાદવ. તેમનાં માતાનું નામ ગુલાબદેવી અને પિતાનું નામ રામનિવાસ યાદવ છે. કહેવાય છે કે નાનપણમાં તેઓ લકવાથી પીડાતા હતા ત્યારે યોગની શ્વાસોચ્છવાસની વિવિધ ક્રિયાઓ દ્વારા તેઓ સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકેલા. આઠમા ધોરણ સુધી શાહબાજપુરમાં અભ્યાસ કર્યા બાદ તેમણે ખાનપુર ગામના એક ગુરુકુળમાં સંસ્કૃત અને યોગનો અભ્યાસ આચાર્યશ્રી પ્રદ્યુમનજી પાસે કરેલો. આ દરમિયાન તેમણે સંન્યાસ લીધો અને બાબા રામદેવ એવું નામ ધારણ કર્યું. ત્યારબાદ તેઓ જિંદ જિલ્લામાં ગયા અને કાલવા ગુરુકુળમાં જોડાયા. જ્યાં તેમણે આચાર્યશ્રી બળદેવજી મહારાજ પાસે વિશેષ અભ્યાસ કર્યો. તેમણે હરિયાણાનાં ગ્રામજનોને મફત યોગશિક્ષણ આપવાનું શરૂ કર્યું. આજે તેમના યોગશિબિરોમાં હજારો લોકો જોડાતા હોય છે. કરોડો લોકો ટીવી અને વીડિયોના માધ્યમ દ્વારા યોગની તાલીમ મેળવી નિરામય સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી રહ્યા છે. તેઓ દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટના સ્થાપકોમાંના એક છે. જેનું મુખ્ય કાર્યાલય હરિદ્વારમાં આવેલું છે. જેનું કાર્ય યોગાસનને લોકપ્રિય બનાવવાનું અને આયુર્વેદની ચિકિત્સા આપવાનું છે. પ્રતિષ્ઠિત ન્યૂયૉર્ક ટાઇમ્સે તેમને ‘ભારતીય – જેણે રચ્યું યોગ સામ્રાજ્ય’ કહી નવાજ્યા છે.
અશ્વિન આણદાણી