બાબા બુધસિંહ (જ. 1878; અ. 1911, લાહોર) : પંજાબી લેખક. ત્રીજા શીખ ગુરુ અમરસિંહના વંશજ અને બાબા બેહમાસિંહના પુત્ર. પ્રાથમિક શિક્ષણ એમણે ફારસીમાં એક મસ્જિદમાં લીધું, અને માધ્યમિક શિક્ષણ મિશનરી શાળામાં લીધું હતું. ત્યાંથી જ મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. મૅટ્રિકની પરીક્ષામાં સારી રીતે ઉત્તીર્ણ થયા પછી તેઓ પી. સી. કૉલેજ, લાહોરમાં દાખલ થયા. ત્યાં એ મહાન સંત સ્વામી રામતીર્થને મળ્યા. અને વારંવાર એમની પાસે જતા થયા. તેમનો એમની પર ઘેરો પ્રભાવ પડ્યો. તે પછી રૂડકીની ઇજનેરી કૉલેજમાં જોડાયા. ત્યાં 3 વર્ષ અભ્યાસ કર્યો અને ઇજનેર તરીકે સરકારી નોકરી લીધી. મોટર-અકસ્માતમાં એમનું મૃત્યુ થયેલું.

સાહિત્યમાં સર્જનક્ષેત્રે એમનું આગવું પ્રદાન છે. એમણે કાવ્યો અને નાટકો લખ્યાં છે. અનુવાદો કર્યા છે અને સંશોધનક્ષેત્રમાં પણ એમણે પ્રશસ્ય પ્રદાન કર્યું છે. એમના કાવ્યસંગ્રહ ‘પ્રીતમછોહ’માં અધ્યાત્મવાદી તથા રહસ્યવાદી કવિતા છે. એમની નવલકથા ‘દાલેર કૌર’ પર પંજાબી લેખક ભાઈ વીરસિંહનો ઘેરો પ્રભાવ છે. એમનાં નાટકો ‘ચંદેર હરિ નાટક’, ‘દમાણી’, અને ‘તાર નવેબી’ એ ત્રણેયમાં પૂર્વની અને પશ્ચિમની સંસ્કૃતિનો ભેદ દર્શાવ્યો છે અને પૂર્વની સંસ્કૃતિની શ્રેષ્ઠતા પુરવાર કરી છે. એમણે ભર્તૃહરિનાં ત્રણ શતકોનું પંજાબીમાં સરળ ભાષાંતર કર્યું છે. ‘રાજા રસાલો’ એમનો વિવેચનગ્રંથ છે જે પંજાબી વિવેચનસાહિત્યમાં નવી ભાત પાડનારો લેખાયો છે.

ચન્દ્રકાન્ત મહેતા