બાપ્ટિસ્ટ્રી : ખ્રિસ્તી ધર્મદીક્ષાના સંસ્કારો (બાપ્ટિઝમ) આપવાની વિધિ માટે વપરાતું મકાન. ઘણી વાર આ મકાન ચર્ચનો અંતર્ગત ભાગ હોય છે.
ધર્મના જે પંથોમાં આખા શરીરને પાણીમાં બોળીને દીક્ષા આપવી જરૂરી હોય છે તે પંથોના ચર્ચમાં નેવને ટ્રાન્સેપ્ટ્સ જ્યાં છેદે ત્યાંથી શરૂ કરીને પૂર્વમાં વેદિ (alter) સુધીના ભૂતળ (chancel floor) નીચે ઉપર્યુક્ત હેતુ માટે રચવામાં આવતા પાણીના ટાંકાને પણ બાપ્ટિસ્ટ્રી કહે છે.
મધ્ય યુગમાં બાપ્ટિઝમની વિધિને એટલું બધું મહત્વ મળેલું હતું કે દશમી સદી પછી આ વિધિ માટેના મકાનની રચના ચર્ચથી અલગ થવા માંડી. ઇટાલીનાં રાવેન્ના, ફ્લૉરેન્સ અને પીસા નગરોમાં બાપ્ટિસ્ટ્રીની ભવ્ય મોટી ઇમારતો આ રીતે અસ્તિત્વમાં આવી.
ઍટ્રિયમ(ચર્ચના પ્રાંગણમાં ત્રણ બાજુએ ફરતી સ્તંભમાળા સાથેનો ખુલ્લો ચોક)માં બાપ્ટિઝમ વિધિ માટે જોઈતા પાણીના લંબચોરસ ટાંકાની રચના થતી.
પ્રાચીન રોમન સ્થાપત્યપરંપરામાં મકાનના પ્રાંગણમાં પાણીના સંગ્રહની આવી પરંપરા પરથી આ પ્રણાલી શરૂ થઈ હોય એવું માનવામાં આવે છે. જોકે આ લંબચોરસ આકારનો હંમેશાં ચુસ્તપણે અમલ થતો નહિ. સમ્રાટ કૉન્સ્ટિન્ટીને ચોથી સદીની શરૂઆતમાં રોમના લૅટરન મહેલ પાસે બંધાવેલ ચર્ચની બાપ્ટિસ્ટ્રીનું ટાંકું અષ્ટકોણીય છે. તેનો વ્યાસ 9 મીટર છે. ટાંકાને ફરતો અષ્ટકોણીય આઈલ (aisle) છે; તેને કારણે મકાનનો કુલ વ્યાસ 18 મીટર થાય છે. 8 થાંભલા ઘુમ્મટને ટેકો આપે છે. આ ઘુમ્મટની રચના ઈસુની આઠમી સદી પહેલાં થઈ ચૂકી હતી. સંભવ છે કે આઈલ ઉપર મૂળ કાષ્ઠનું છાપરું હોય. પાછળથી તેને સ્થાને આડો અર્ધ-નળાકાર ઘુમ્મટ બાંધવામાં આવ્યો હોવાનું જણાય છે. આમ આ મકાનનો દેખાવ તેના મૂળ દેખાવ કરતાં પછી ઘણો બદલાઈ ગયો; પણ તેનો નકશો અકબંધ સચવાયો છે અને તે નકશાવાળી બાપ્ટિસ્ટ્રી પછીની 8 સદીઓ (ચોથીથી બારમી સદીઓ) દરમિયાન અન્ય બાપ્ટિસ્ટ્રીઓની રચના માટે નમૂનારૂપ બની રહી.
બાપ્ટિસ્ટ્રીની બાંધણીની શૈલીઓ બદલાતી રહી છે, પણ બાંધણીનો નકશો વર્તુળાકાર કે અષ્ટકોણાકાર જ રહ્યો છે. નોચેરા ખાતે આવેલ ‘ચર્ચ ઑવ્ સાન્તા મારિયા મૅગ્યોરે’ નામની બાપ્ટિસ્ટ્રીમાં પણ ટાંકાની ફરતે ચોમેર સ્તંભ છે; જે ઘુમ્મટને ટેકો આપે છે. ઘુમ્મટ ફરતે આઈલની ઉપર અર્ધનળાકાર ઘુમ્મટ છે. ઇટાલીના રાવેન્ના નગરના કથીડ્રલ સાથે સંકળાયેલી નાનકડી બાપ્ટિસ્ટ્રી ઈસુની પાંચમી સદીમાં બંધાઈ હતી. ‘ઑર્થોડૉક્સ બાપ્ટિસ્ટ્રી’ નામે ઓળખાતી આ બાપ્ટિસ્ટ્રીનો નકશો અષ્ટકોણાકાર છે અને બાંધકામ ઈંટોમાં થયું છે; વ્યાસ 11 મીટર છે અને બેઠા ઘાટનો (છીછરો) ઘુમ્મટ તેને ઢાંકે છે.
ઇટાલીના પીસા ખાતે આવેલ પીસા કથીડ્રલની સફેદ આરસમાં બનેલી બાપ્ટિસ્ટ્રી વિશ્વની મોટી અને મહત્વની બાપ્ટિસ્ટ્રીઓમાંની એક ગણાય છે. ઈસવી સન 1153માં ડાયૉતિસાલ્વીએ તેનું બાંધકામ શરૂ કર્યું હતું. આશરે 1278માં તેનું બાંધકામ પૂરું થયું. તેમાં ચૌદમી સદીમાં થયેલા ગૉથિક શૈલીના ઉમેરાથી તેની મૂળ લાક્ષણિકતામાં ઘણો ફેરફાર થયો. તેના વર્તુળાકાર નકશાનો વ્યાસ 31 મીટર છે. તેને અર્ધ દડા-આકારનો (hemispherical) ઘુમ્મટ છે. ઘુમ્મટની ટોચમાંથી શંકુ આકારનો નાનકડો બીજો ઘુમ્મટ (cupola) બહાર નીકળે છે. આ નાનકડા ઘુમ્મટની નીચે જે વર્તુળાકારમાં ગોઠવાયેલી સ્તંભમાળા ટેકો આપે છે, તેનો વ્યાસ 18 મી. છે. બાપ્ટિસ્ટ્રીની બાહ્ય દીવાલોને કમાનોવાળી સ્તંભમાળા વડે ટેકો મળે છે. અંદરનું ટાંકું અષ્ટકોણાકાર છે અને નજીકમાં આવેલ વ્યાસપીઠ ષટ્કોણાકાર છે. 1260માં રચાયેલ આ વ્યાસપીઠને નિકોલા પિસાનોની ઉત્તમ કૃતિ ગણવામાં આવે છે.
અમિતાભ મડિયા