બાપટ, સેનાપતિ (જ. 12 નવેમ્બર 1880, પારનેર, મહારાષ્ટ્ર; અ. 27 નવેમ્બર 1967, પુણે) : ભારતના અગ્રણી ક્રાંતિકારી, સ્વાતંત્ર્યસેનાની તથા સાહિત્યકાર. આખું નામ પાંડુરંગ મહાદેવ બાપટ. મૂળ વતન ગુહાગર, જિલ્લો રત્નાગિરિ. કોંકણ-વિસ્તારમાંથી સ્થળાંતર કરી પશ્ચિમ મહારાષ્ટ્રમાં વસેલાં કુટુંબોમાં બાપટના વડવાઓ પણ હતા. પિતા સબરજિસ્ટ્રારની કચેરીમાં કારકુન હતા. નિમ્ન મધ્યમ વર્ગમાં જન્મેલા આ ક્રાંતિકારીએ વિકટ આર્થિક પરિસ્થિતિને લીધે બાળપણમાં ખૂબ કષ્ટ સહન કર્યાં હતાં. 1892માં પુણેની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં 5 વર્ષના શિક્ષણ પછી અહમદનગરની હાઈસ્કૂલમાંથી 1899માં મૅટ્રિકની પરીક્ષા પ્રથમ વર્ગ સાથે પસાર કરી અને શંકરશેટ શિષ્યવૃત્તિ મેળવી. 1900માં પુણેની ડેક્કન કૉલેજમાં દાખલ થયા; ત્યાંથી 1903માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.(ઑનર્સ)ની પરીક્ષા પસાર કરી અને તેમાં મંગળદાસ નાથુભાઈ શિષ્યવૃત્તિ મેળવી. દરમિયાન 1902માં પોતાના ગુરુની હાજરીમાં માતૃભૂમિની મુક્તિ માટે જીવનનું બલિદાન આપવાના સોગંદ લીધા.
જુલાઈ 1904માં સ્કૉટલૅન્ડની ઍડિનબરોની કૉલેજમાં મિકૅનિકલ એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં જોડાયા. સાથોસાથ નિશાનબાજીની તાલીમ લેવા માટે ક્વીન્સ રાઇફલ ક્લબમાં દાખલ થયા. એડિનબરોની બેલ લૉજમાં પ્રવેશ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. ત્યાંના નિવાસ દરમિયાન ઇંગ્લૅન્ડના મજૂર પક્ષના કેટલાક અગ્રણી નેતાઓના સંપર્કમાં આવ્યા. ભારતમાં બ્રિટિશ શાસનની સખત ટીકા કરતા એક ચર્ચાપત્રનું જાહેર સભામાં વાચન કરવા બદલ મુંબઈ યુનિવર્સિટીએ તેમની શિષ્યવૃત્તિ રદ કરી; પરંતુ ભારતના ક્રાંતિકારીઓને સહાય કરનાર ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્માએ તેમને આર્થિક સહાય આપી અને ઇન્ડિયા હાઉસમાં રહેવાની સગવડ કરી આપી. ત્યાંના નિવાસ દરમિયાન તેઓ વીર સાવરકર જેવા ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા. 1906માં કલકત્તા ખાતે ભરાયેલ રાષ્ટ્રીય કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં ‘વૉટ શૅલ અવર કૉંગ્રેસ ડુ’ શીર્ષક હેઠળ તેમણે એક લેખની નકલો વહેંચી હતી. 1907માં ઇંગ્લૅન્ડની એક જાહેર સભામાં તેમણે ‘ઇન્ડિયા ઇન ધી ઇયર 2007’ શીર્ષક હેઠળના લેખમાં સશસ્ત્ર ક્રાંતિની તરફેણ કરતી તેમની વિચારસરણીનું પ્રતિપાદન કર્યું હતું. ઉપર્યુક્ત વાચન દરમિયાન તેમણે પોતાના ખિસ્સામાંથી રિવૉલ્વર કાઢી સભાના પ્રમુખના ટેબલ પર મૂકતાં સભામાં સન્નાટો છવાઈ ગયો હતો. તે જ વર્ષે બૉમ્બ બનાવવાની વિદ્યા શીખવા માટે તેઓ પૅરિસ ગયા. માર્ચ 1908માં સ્વદેશ પાછા આવતી વખતે સાવરકરની સલાહથી તેઓ બૉમ્બ બનાવવાની વિગત આપતી પરિચય-પુસ્તિકા લઈ આવ્યા, જેથી ભારતમાં વસતા ક્રાંતિકારીઓને તેની તાલીમ આપી શકાય. તેમની આવી પ્રવૃત્તિઓ પર સરકારની સતત નજર હતી અને તેથી ધરપકડના ભયથી તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા.
1908થી ડિસેમ્બર 1912 સુધી તેઓ જુદાં જુદાં નામ ધારણ કરીને અલગ અલગ નગરોમાં રહ્યા. તે દરમિયાન તેમણે 1911માં અલાહાબાદ વિશ્વવિદ્યાલયની મૅટ્રિકની પરીક્ષા પ્રથમ વર્ગમાં ડિસ્ટિંક્શન સાથે પસાર કરી. 1912ના માર્ચથી ડિસેમ્બર દરમિયાન કાશીની સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કર્યો. તે અરસામાં ઇન્દોર ગયા ત્યારે ત્યાં તેમની ધરપકડ કરવામાં આવી, પરંતુ પુરાવાના અભાવે તેમને છોડી મૂકવામાં આવ્યા. માર્ચ 1913થી 1915 દરમ્યાન પોતાના વતન પારનેરમાં રહ્યા અને ત્યાં રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરી, જેમાં નગરસફાઈ અભિયાન, અસ્પૃશ્યતા-નિવારણ વગેરે કાર્યક્રમોનું આયોજન કર્યું. 1915થી 1918 દરમિયાન પુણે ખાતે લોકમાન્ય ટિળક દ્વારા સંચાલિત ‘મરાઠા’ અંગ્રેજી વૃત્તપત્રના સહસંપાદકપદે તથા 1918થી 1920 દરમિયાન શ્રીધર વ્યંકટેશ કેતકર દ્વારા સંપાદિત મરાઠી વિશ્વકોશનું કામ કર્યું. 1920માં મુંબઈ નગરપાલિકાના સફાઈ-કામદારોની ચળવળનું સફળ સંચાલન કર્યું. મુળા–મૂઠા નદી પર પુણેથી 40 કિમી. અંતરે ટાટા પાવર સ્ટેશન માટે બંધાતા બંધને કારણે હજારો ખેડૂતોની જમીનો ડૂબમાં જતી બચાવવા પ્રચંડ લોકઆંદોલન ઊભું કર્યું અને તે માટે જુલાઈ 1925થી મે 1931 દરમિયાન કારાવાસની સજા ભોગવી. આ ચળવળના નેતૃત્વ માટે જ તેમને લોકો દ્વારા ‘સેનાપતિ’નું બિરુદ બક્ષવામાં આવ્યું હતું. 1931માં જેલમાંથી મુક્ત થયા પછી મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ ચૂંટાયા. તે જ વર્ષે રત્નાગિરિની એક જાહેર સભામાં સરકારવિરોધી ઉગ્ર ભાષણ કરવા માટે તેમની ધરપકડ કરવામાં આવી અને નવેમ્બર 1931થી જુલાઈ 1937 સુધી તે માટે સખત કેદની સજા ભોગવી. ગાંધીજી દ્વારા ઉપાડવામાં આવેલ કાર્યને નૈતિક ટેકો આપવા માટે જેલવાસ દરમિયાન 17 દિવસના ઉપવાસ કર્યા તથા હિંદુ-મુસ્લિમ એકતા માટે જળસમાધિ લેવાની જાહેરાત કરી. 1939માં નેતાજી સુભાષચંદ્ર બોઝના ફૉર્વર્ડ બ્લૉકની મહારાષ્ટ્ર શાખાના પ્રમુખ બન્યા. 1940માં તેમની જાહેર સભાઓ પરના પ્રતિબંધનો વિરોધ કરવા માટે એક વર્ષ(1940થી 1941)ની સખત કેદની સજા ભોગવી. નવેમ્બર 1941માં નાદુરસ્ત તબિયતના કારણસર તેમને છોડી મૂકવામાં આવ્યા. 8 ઑગસ્ટ 1942ના રોજ મુંબઈ ખાતે યોજવામાં આવેલ ‘ભારત છોડો’ આંદોલન અંગેની જાહેર સભામાં હાજરી આપી. ડિસેમ્બર 1944થી જાન્યુઆરી 1946 દરમિયાન ફરી જેલવાસ ભોગવ્યો. મે 1952માં પ્રજાસમાજવાદી પક્ષે શરૂ કરેલ ભાવ-વધારાવિરોધી આંદોલનમાં સક્રિય ભાગ લીધો. 1955માં ગોવા–મુક્તિ સંગ્રામમાં જોડાયા અને તે દરમિયાન પૉર્ટુગીઝ પોલીસના અત્યાચારનો ભોગ બન્યા. સંયુક્ત મહારાષ્ટ્રની સ્થાપના માટેના જનઆંદોલન દરમિયાન નવેમ્બર 1955માં ફરી ધરપકડ વહોરી. કર્ણાટક રાજ્યના કેટલાક મરાઠી બહુભાષી વિસ્તારોનો મહારાષ્ટ્ર રાજ્યમાં સમાવેશ કરવાના પ્રશ્ન અંગે મે 1966માં તેઓ ઉપવાસ પર ઊતર્યા.
મરાઠી, અંગ્રેજી, સંસ્કૃત અને હિંદી – આ ચારેય ભાષાઓ પર તેમનું પ્રભુત્વ હતું. ભગવદગીતાના શ્લોકો તથા 13 ઉપનિષદોનું ‘અ હૉલી સાગ’ શીર્ષક હેઠળ તેમણે અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. આ ઉપરાંત મહર્ષિ અરવિંદના ‘લાઇફ ડિવાઇન’નું પણ તેમણે મરાઠીમાં ભાષાંતર કર્યું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે