બાપટ, વસંત (જ. 25 જુલાઈ 1922, કરાડ, જિ. સાતારા) : મરાઠી કવિ. પુણેની સર પરશુરામભાઉ (એસ.પી.) કૉલેજમાંથી 1948માં એમ.એ. થયા. ત્યારબાદ પુણેની નૅશનલ કૉલેજ તથા રામનારાયણ રૂઇયા કૉલેજ(મુંબઈ)માં મરાઠી તથા સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે 1948–74 અને 1974થી મુંબઈ યુનિવર્સિટીમાં તુલનાત્મક સાહિત્યની રવીન્દ્રનાથ ઠાકુરની ચૅર પર પ્રોફેસર તરીકે નિયુક્ત થયા. નાનપણથી રાષ્ટ્રીય સેવાદળ તથા સાને ગુરુજીની વિચારસરણીના સંસ્કાર તેમના પર પડેલા.

વસંત બાપટ

તેમણે 1942ના ‘ભારત છોડો’ આંદોલનમાં ભૂગર્ભમાં સક્રિય કામ કરી, મહારાષ્ટ્રમાં સમાજવાદી નેતા એસ. એમ. જોશી જોડે આંદોલનને બળવત્તર બનાવવામાં ફાળો આપ્યો હતો અને અઢી વર્ષ યરવડા જેલવાસ ભોગવ્યો હતો. લડત દરમિયાન એમણે લખેલાં સંગ્રામગીતો અત્યંત લોકપ્રિય થયાં હતાં. તેઓ પોતે સભાઓમાં એ ગીતો ગાતા. એમનું વલણ સમાજવાદ તરફ હતું. એમનાં સંગ્રામગીતો ‘સૈન્ય ચાલલે પૂઢે’ શીર્ષક હેઠળ 1965માં પ્રગટ થયાં. તે પૂર્વે ‘ગાંધીચી જીવનયાત્રા’ (1948) અને ‘નવ્યા યુગાચે પોવાડે’ (ભાગ 1 થી 3) દ્વારા તેમણે તેમની દેશદાઝની ઝંખનાનો કાવ્યરસિકોને ઉમદા પરિચય આપેલો. એમનો પહેલો કાવ્યસંગ્રહ ‘બિજલી’ 1952માં પ્રગટ થયો અને તેનાથી એમને મહારાષ્ટ્રના અગ્રગણ્ય નવોદિત કવિ તરીકે સ્થાન મળ્યું. એમાં સારા પ્રમાણમાં પરંપરાગત કાવ્યસ્વરૂપો પણ છે. એમનાં કાવ્યો સુગેય હોવાથી અને એમને સંગીતનું ઊંડું જ્ઞાન હોવાથી એમની કવિતા સામાન્ય જનમાં તેમજ વિદ્વદ્વર્ગમાં પ્રિય થઈ છે. ‘સેતુ’ (1957), ‘અકરાળ દિશા’ (1962) અને ‘સકીના’ (1975) કાવ્યસંગ્રહોએ પરંપરા અને આધુનિકતાનો સમન્વય કરવાની એમની ઊંડી સૂઝની પ્રતીતિ આપી છે. 1977માં પ્રગટ થયેલો ‘માનસી’ કાવ્યસંગ્રહ – એમની પરિપક્વ કાવ્યપ્રતિભા કેવાં ઊંચાં શિખરો સર કરે છે તેનો ખ્યાલ આપે છે. સંસ્કૃત, બંગાળી અને અંગ્રેજી કવિતાનો પ્રભાવ તેમની કાવ્યરચનાઓમાં વરતાય છે. લાવણી જેવા પ્રાચીન મરાઠી કાવ્યપ્રકારને પુનરુજ્જીવિત કરવામાં તેમનો ફાળો મહત્વનો રહ્યો છે.

‘બારા ગાવચે પાણી’ (1967) એમના પ્રવાસવર્ણનનો ગ્રંથ છે, જ્યારે ‘તૌલનિક સાહિત્યાભ્યાસ’ (1981) તુલનાત્મક સાહિત્યની સંકલ્પનાને સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજાવે છે. ‘બાલગોવિંદ’ એ તેમનું બાળકો માટેનું નાટક 1965માં પ્રકાશિત થયા પછી મહારાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં તેના ઘણા પ્રયોગો થયેલા. રાષ્ટ્ર સેવાદળના નેજા હેઠળ તેમણે ઠેર ઠેર રજૂ કરેલા ‘મહારાષ્ટ્રદર્શન’ અને ‘ભારતદર્શન’ કાર્યક્રમો ખૂબ લોકપ્રિય નીવડ્યા હતા.

1998માં વિશ્વ મરાઠી સાહિત્ય પરિષદના અધ્યક્ષ તરીકે ચૂંટાયા ત્યારે અધ્યક્ષીય ભાષણમાં એમણે પ્રત્યાઘાતી અને સંકીર્ણવૃત્તિ પ્રચારિત કરતાં બળોને નિર્ભીકતાથી આકરા શબ્દોમાં પડકાર્યાં. તેના પરથી જ જણાઈ આવે છે કે સ્વાતંત્ર્યસંગ્રામનો એ સૈનિક આજે પણ વાગ્યુદ્ધ માટે સુસજ્જ છે.

તેમનો કાવ્યસંગ્રહ ‘સેતુ’ તથા બાલનાટક ‘બાલગોવિંદ’ મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા પુરસ્કૃત થયાં છે.

ચન્દ્રકાન્ત મહેતા