બાઝિલ, રફીઅખાન (જ. શાહજહાનાબાદ, દિલ્હી; આશરે 1711; અ.–) : હિન્દમાં મુઘલ કાળના સમાપ્તિસમયના ફારસી કવિ તથા રાજપુરુષ. તેમના પૂર્વજો ઈરાનના મશહદ શહેરના મૂળ વતની હતા. તેમના પૂર્વજોમાં શેખ સ દી શીરાઝીના મુરબ્બી ખ્વાજા શમ્સુદ્દીન સાહિબે દીવાન જેવી નામાંકિત વ્યક્તિઓનો સમાવેશ થાય છે. તેમના પિતા મીરજા મહમૂદ અને કાકા મીરજા તાહિર મુઘલ સમ્રાટ શાહજહાનના સમયમાં હિંદમાં આવ્યા હતા. મીરજા તાહિર ઉર્ફે વઝીરખાન, ઔરંગઝેબના સમયમાં બુરહાનપુર, આગ્રા તથા માળવાના સૂબેદાર રહ્યા હતા.
મીરજા રફીઅખાન બાઝિલનો જન્મ તથા ઉછેર શાહજહાનાબાદ(દિલ્હી)માં થયો હતો. પુખ્તવયે તેઓ ઔરંગઝેબના દરબારમાં જોડાઈને પહેલાં બાંસ-બરેલીના ફોજદાર અને પાછળથી ગ્વાલિયરના કિલ્લેદાર પણ બન્યા હતા. 1707માં ઔરંગઝેબના અવસાન બાદ બાઝિલે નિવૃત્તિ લઈને એકાંતવાસ સ્વીકારી લીધો હતો.
બાઝિલ એક રાજપુરુષ હોવા ઉપરાંત ઉચ્ચકોટિના ફારસી કવિ હતા અને તેમની કવિતાની પ્રશંસા તેમના સમકાલીનોએ પણ કરી છે. તેમણે ગઝલ તથા કસીદા-કાવ્યોનો એક સંગ્રહ (દીવાન) કરેલો; પરંતુ તે હજુ સુધી ઉપલબ્ધ થયો નથી. બાઝિલની ખ્યાતિ તેમના મસ્નવી કાવ્ય ‘હમ્લએ હૈદરી’ ઉપર આધારિત છે. તેમણે ફારસી ભાષાના પ્રખ્યાત પ્રાચીન કવિ ફિરદૌસીના મહાકાવ્ય ‘શાહનામા’ના નમૂના ઉપર આ ઐતિહાસિક કાવ્ય લખવાની યોજના કરી હતી. તદનુસાર આ કાવ્યમાં ઇસ્લામના પયગંબર મુહમ્મદ સાહેબ તથા તેમના પ્રથમ 4 અનુગામીઓ – હ. અબૂબક્ર, હ. ઉમર ફારૂક, હ. ઉસ્માન અને હ. અલીના જીવનપ્રસંગો તથા ઇસ્લામના પ્રસાર સંબંધી તેમના પ્રયાસો અને બલિદાનોનું વિસ્તૃત વર્ણન આવરી લેવાનું હતું. કવિએ 40,000 પંક્તિઓમાં પયગંબર સાહેબથી લઈને ત્રીજા ખલીફા હ. ઉસ્માન સુધીના પ્રસંગો તો વર્ણવ્યા, પરંતુ પછી અજ્ઞાત કારણોસર હ. અલીનું વર્ણન પૂર્ણ કર્યું નથી. તેમના અવસાન બાદ અન્ય કવિઓએ બાઝિલનું આ અધૂરું કામ પૂર્ણ કરવાના પ્રયત્નો કર્યા. નજફ નામના કવિએ 1722માં ‘હમ્લએ હૈદરી’ની પ્રસ્તાવના લખી; બાઝિલના પિત્રાઈ ભાઈ ફખ્રુદ્દીન મુહમ્મદની ફરમાએશથી મુહમ્મદ સાદિક આઝાદ તેહરાનીએ ‘હમ્લએ હૈદરી’ની પુરવણી લખી અને મુહિબ્બઅલીખાન હિકમતે ‘સોલતે સફદરી’ નામથી, કરમ નામના કવિએ ‘હરબએ હૈદરી’ નામથી, મિયાં અહસને ‘મુહારિબએ ગઝનફરી’ નામથી અને પસંદઅલી બિલગ્રામીએ ‘તકમિલએ હમ્લએ હૈદરી’ નામથી બાઝિલના આ કાવ્યની પૂર્ણાહુતિ કરી. આના ઉપરથી બાઝિલના કાવ્યની લોકપ્રિયતાનો અંદાજ કાઢી શકાય છે. બાઝિલની કવિતા ઘણી ચિત્તાકર્ષક અને તેની શૈલી પ્રવાહી તથા સરળ છે. બાઝિલે આ ઐતિહાસિક કાવ્યની રચના માટે અરબ ઇતિહાસકાર મુઇન બિન હાજી મુહમ્મદ અલ-ફરાહી(અવસાન 1414)ના પ્રખ્યાત પુસ્તક ‘મઆરિજ–અલ–નુબુવ્વત વ મદારિજ–અલ–ફુતુવ્વત’નો ઉપયોગ કર્યો હતો, પરંતુ ઇતિહાસની ર્દષ્ટિએ બાઝિલની આ કૃતિ ખાસ નોંધપાત્ર બની નથી.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી