બાઝી (1951) : હિન્દી ચલચિત્ર. શ્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : નવકેતન; દિગ્દર્શન : ગુરુદત્ત; કથા-પટકથા-સંવાદ : ગુરુદત્ત અને બલરાજ સાહની; ગીત : સાહિર લુધિયાનવી; સંગીત : સચિનદેવ બર્મન; છબિકલા : વી. કે. મૂર્તિ; મુખ્ય કલાકારો : દેવ આનંદ, ગીતાબાલી, કલ્પના કાર્તિક, રૂપા વર્મા, કે. એન. સિંઘ, કૃષ્ણ ધવન, શ્રીનાથ, હબીબ.

નવકેતનના નેજા હેઠળ નિર્માણ પામેલા દ્વિતીય અને દિગ્દર્શક તરીકે ગુરુદત્તના આ પ્રથમ ચિત્રે રહસ્યરંગી ચિત્રોમાં એક નવી ભાત પાડી હતી. ચિત્રોમાં બે નાયિકાઓનું ચલન આ ચિત્રથી શરૂ થયું અને  ક્લબમાં ગવાતાં ગીતોને પણ આ ચિત્ર પછી મહત્વ મળવા માંડ્યું.

ચિત્રનો નાયક મદન એક નામીચો જુગારી છે. તેની બહેન મંજુનો ઇલાજ કરાવવા નાણાંની જરૂર પડતાં તેને એક ક્લબ સાથે જોડાવાની ફરજ પડે છે. ક્લબનો માલિક એક રહસ્યમયી વ્યક્તિ છે. ક્લબમાં એક નર્તકી નીના છે, જે મદન પ્રત્યે આકર્ષાય છે, પણ મદન મંજુનો ઇલાજ કરતી ડૉ. રજનીના પ્રેમમાં છે. ક્લબમાં નીનાનું ખૂન થાય છે. તેનો આરોપ મદન પર આવે છે; પણ અંતે પોલીસની જાળમાં અસલી ખૂની ઝડપાઈ જાય છે. અસલી ખૂની ક્લબનો માલિક છે, જે વાસ્તવમાં રજનીનો પિતા હોય છે. પ્રેક્ષકોને અંત સુધી જકડી રાખતી પટકથા, ગીતોનું સુંદર ચિત્રાંકન અને છબિકલાએ આ ચિત્રની સફળતામાં મોટો ભાગ ભજવ્યો. તેનાં ‘તકદીર સે બિગડી હુઈ તદબીર બના લે’, ‘સુનો ગજર ક્યા ગાયે’, ‘આજ કી રાત પિયા દિલ ના તોડો’ વગેરે ગીતો ખૂબ લોકપ્રિય થયાં હતાં.

હરસુખ થાનકી