બાજરીના રોગો : તળછારો (Downy mildew), ગુંદરિયો (ergot), અંગારિયો (smut) અને ગેરુ (rust) જેવા સૂક્ષ્મજીવોના ચેપથી ઉદભવતા બાજરીના રોગો.
1. તળછારો અથવા જોગીડો : બાજરીમાં થતો આ રોગ પીલિયો, તળછારો, બાવા, ખોડિયા જોગીડો, ડાકણની સાવરણી વગેરે નામે ઓળખાય છે. રોગનો ઉપદ્રવ બીજમાં અથવા જમીનમાં રહેલા તળછારોના બીજાણુ મારફત થાય છે. ગરમ તથા ભેજવાળું વાતાવરણ રોગને વધારે અનુકૂળ આવે છે. આ રોગ છોડને ધરુની અવસ્થાથી ડૂંડાની અવસ્થા સુધીમાં ગમે ત્યારે થઈ શકે છે. પાનની નીચે દેખાતી ફૂગની સફેદ છારી ફૂગના બીજાણુ ધરાવે છે. તે પવન, વરસાદ, કીટકો વગેરે મારફત બાજરી તથા તેના પ્રકારનાં અન્ય ધાન્યોમાં આ રોગ પેદા કરે છે.
આ રોગનાં લક્ષણોને બે તબક્કામાં વહેંચી શકાય : (અ) ધરુની અવસ્થાએ રોગનાં લક્ષણો : પાનની નીચેની બાજુએ સફેદ છારી બાઝી જાય છે. રોગગ્રસ્ત છોડ વામણા રહે છે અને પીળા પડી જાય છે. સમય જતાં સફેદ છારી કથ્થાઈ રંગની થાય છે અને પાન સુકાઈ જાય છે; અને નસની બાજુએથી તૂટી જઈ તાંતણા પ્રતાંતણા જેવા થઈ જાય છે. (આ) ડૂંડાંની અવસ્થાએ રોગનાં લક્ષણો : ડૂંડાં સંપૂર્ણપણે નાનાં નાનાં વાંકડિયાં લીલાં પાન જેવી ફૂટથી છવાઈ જાય છે અને દાણા બેસતા નથી. આવી ફૂટને લીધે ડૂંડાં સાવરણી જેવાં દેખાય છે. ઘણી વાર ડૂંડાંના અડધા ભાગમાં દાણા બેસે છે અને અડધો ભાગ લીલી કંટીથી છવાઈ જાય છે અથવા ડૂંડાંની જગ્યાએ લીલી કૂટ થતાં તેમાં સદંતર દાણા બેસતા નથી.
આ રોગના નિયંત્રણ માટે રિડોમિલ, એગ્રોસન, જી. એન., થાયરમ અથવા કેપ્ટાન જેવી દવાઓ દ્વારા બીજને માવજત આપવામાં આવે છે, અને પછી તેની વાવણી કરાય છે. ઉપર્યુક્ત દવાઓ એક કિલો બીજદીઠ 3થી 4 ગ્રામની માત્રામાં લેવાની હોય છે. વળી ઊભા પાકમાં 30, 40 અને 50 દિવસે 0.2 % ઝાયનેબ દવાનો છંટકાવ કરવાથી ઘણે અંશે આ રોગને કાબૂમાં લઈ શકાય છે. મેટાલૅક્ઝિલ ફૉર્મ્યુલેશન્સ જેવી સિસ્ટેમિક દવાઓ એપ્રોન તથા રીડોમીલની બીજમાવજત અને છંટકાવથી રોગ કાબૂમાં રહે છે.
2. ગુંદરિયો, અરગટ : ગુંદરિયો કે મધિયાના નામે ઓળખાતો આ એક ફૂગજન્ય રોગ છે. આ ફૂગ અન્ય 17 જેટલા ધાન્યપાકો તથા ઘાસચારામાં રોગ કરે છે. આ રોગના પરિણામે પાકના ઉત્પાદન ઉપર માઠી અસર થવા ઉપરાંત તેવા પાકનું દાણા અને ચારાનું સઘળું ઉત્પન્ન બિનઉપયોગી થઈ જાય છે. આ રોગપ્રેરક ફૂગની અસરને લીધે ડૂંડાંમાંથી ચીકણો મધ જેવો પદાર્થ ઝરતો હોય છે અને તેને પરિણામે ડૂંડાંમાં દાણાની જગ્યાએ પેશીઓ ઉત્પન્ન થાય છે. ડૂંડાંની આ પેશીઓ તથા છોડનાં પાન અને થડ પર પડેલ ગુંદર જેવા પદાર્થમાં કેટલાક ઝેરી પદાર્થો (આલ્કલૉઇડ) રહેલા હોય છે. આવી પેશીઓ દાણાની સાથે ભળી જતી હોય છે. એવા દાણા ખાતાં મનુષ્યોને તથા એવા દાણાવાળો ઘાસચારો ખાતાં મનુષ્યેતર પ્રાણીઓને ઝેરી અસર થાય છે. તેથી ગુંદરિયાની પેશીઓનું પ્રમાણ વધુ હોય તો દાણા ખાવાના ઉપયોગમાં લેવા જોઈએ નહિ.
આ રોગ ડૂંડાંની અવસ્થામાં જોવા મળે છે. ભેજવાળા વાતાવરણમાં જમીનમાં રહેલી ફૂગની સુષુપ્ત પેશીઓમાંથી નીકળતા બીજકણો પવન મારફત ફેલાઈ ડૂંડાંમાં ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે તેના સંપર્કમાં આવે છે અને આ જગ્યાએથી રોગની શરૂઆત મીઠા એવા ચીકણા પ્રવાહી પદાર્થના વિમોચનથી થાય છે. આ મીઠા રસમાં ફૂગના અસંખ્ય બીજાણુઓ હોય છે, જે રસ ચૂસનાર કીટકો દ્વારા ફેલાય છે. આ રોગને કારણે ડૂંડાંમાં સમય જતાં કાળી લાંબી, કઠણ ફૂગની પેશીઓ જોવા મળે છે.
તળછારોના નિયંત્રણમાં અગાઉ જણાવ્યા પ્રમાણે, મોડી વાવણી કરાતી નથી. પાકની ફેરબદલી કરવી પડે. બિયારણને 20 % મીઠાના દ્રાવણમાં બોળી ઉપર તરતી ફૂગની પેશીઓને અલગ તારવી લઈ, પછી ચોખ્ખા પાણીથી તેને 2થી 3 વાર ધોઈ, પારાયુક્ત દવાનો પટ આપી, વાવવાથી બિયારણ સાથે જમીનમાં જતી રોગની પેશીઓનું પ્રમાણ ઘડાડી શકાય છે.
3. અંગારિયો : ફૂગના ચેપથી થતો આ રોગ પણ ડૂંડાંની અવસ્થાએ આક્રમણ કરે છે. ભેજવાળું વાતાવરણ આ રોગને ઘણું જ અનુકૂળ આવે છે.
રોગપ્રેરક ફૂગના બીજકણો જમીનમાં પ્રસરેલા હોય છે, જે અનુકૂળ વાતાવરણ મળતાં ડૂંડાંને અસર કરે છે. આ રોગને કારણે ડૂંડાંમાં જુવારના અંગારિયાની જેમ કાળી ભૂકીથી ભરેલા દાણા જોવા મળે છે. રોગની ઉગ્રતા વધારે હોય તો ડૂંડાંના બધા દાણાની કાળી ભૂકી થઈ જાય છે. રોગિષ્ઠ દાણા શરૂઆતમાં લીલા અને પછીથી ઘાટા કથ્થાઈ રંગના થઈ જાય છે. તે દાણા બાજરીના દાણા કરતાં મોટા હોય છે અને તેમના તૂટવાની સાથે બીજાણુ હવામાં પ્રસરી જઈ રોગનો ફેલાવો કરે છે.
આ રોગથી છોડને બચાવવા માટે આવા ઉપાયો નિર્દેશવામાં આવે છે : વરસાદની શરૂઆત થયે, જૂનના અંતમાં અથવા જુલાઈની શરૂઆતમાં જ સમયસરની વાવણી કરવાની હોય છે. પાકની ફેરબદલી કરાય છે. ગુંદરિયા તેમજ અંગારિયાના રોગો માટે હાલમાં નિયંત્રણનો કોઈ સચોટ ઉપાય ઉપલબ્ધ નથી. તેથી આ રોગો સામે પ્રતિકારક શક્તિ ધરાવતી સારી બાજરીની જાતોની વાવણી કરવી આવશ્યક છે.
4. ગેરુ : ફૂગથી થતા ગેરુ રોગમાં ઘઉંના ગેરુની માફક પાન ઉપર કથ્થાઈ રંગનાં ગોળ ટપકાં જણાય છે. તેમાંથી કાટ જેવો ભૂકો નીકળે છે, જે રોગપ્રેરક ફૂગના બીજકણો હોય છે અને પવન મારફત દૂર સુધી રોગનો ફેલાવો કરે છે. આ રોગ ઑગસ્ટ-સપ્ટેમ્બરની આસપાસમાં દેખાવા લાગે છે. રોગની શરૂઆત થતાં જ ડાયેથેન ઝેડ-78 દવાના બે-ત્રણ છંટકાવ કરવાથી તેનું પ્રમાણ ઘટાડી શકાય છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ