બાજરો : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pennisetum typhoides (Burm. F.) Stapt Hubbard syn. P. typhoideum Rich (હિં. બં. बाजरा, लाहरा; મ. ગુ. બાજરી; ત. કંબુ; અં. પર્લમિલેટ, કેટેઇલ મિલેટ) છે.

સમગ્ર દુનિયામાં લગભગ 270 લાખ હેક્ટર જમીનમાં બાજરાના પાકનું વાવેતર થાય છે. તે છઠ્ઠા ક્રમનો અગત્યનો ધાન્ય પાક છે. ભારતમાં બાજરાના પાકના દાણા અને ચારાનો મુખ્ય ઉપયોગ અનુક્રમે ખોરાક અને નીરણ તરીકે થાય છે. ભારતમાં આ પાકનું વાવેતર આશરે 110થી 120 લાખ હેક્ટર જમીનમાં થાય છે; જે બાજરાના વાવેતરમાં દુનિયાનો 43 % જેટલો વિસ્તાર થવા જાય છે. વિસ્તારની ર્દષ્ટિએ ડાંગર, જુવાર અને ઘઉં પછીના ક્રમમાં બાજરો ચોથા ક્રમનો ધાન્ય પાક છે, જ્યારે ઉત્પાદનની ર્દષ્ટિએ ડાંગર, ઘઉં, જુવાર અને મકાઈ પછી પાંચમા ક્રમે આવે છે. ગુજરાતમાં 11થી 12 લાખ હેક્ટર જમીનમાં ચોમાસુ પાક તરીકે અને 1.5થી 2 લાખ હેક્ટર જમીનમાં ઉનાળુ પાક તરીકે બાજરાના પાકનું વાવેતર થાય છે. ભારતમાં રાજસ્થાન પછી વાવેતર- વિસ્તાર તરીકે ગુજરાત બીજા ક્રમે આવે છે.

તે 1.0થી 3.0 મીટર જેટલું ઊંચું, શાકીય, અશાખિત અથવા શાખિત તૃણ છે અને નાજુક કે મજબૂત સાંઠો (culm) ધરાવે છે. સાંઠો સુંવાળો કે રોમિલ હોય છે. તેના વિવિધ ભાગો લીલા, લાલ, જાંબલી કે પીળાશ પડતા રંગવાળા હોય છે. પર્ણો 30.0થી 100.0 સેમી. લાંબાં અને 0.5થી 5.0 સેમી. પહોળાં, ભાલાકાર અને સુંવાળાં કે રોમિલ હોય છે. પુષ્પવિન્યાસ (ડૂંડું) કૂટશૂકી (false spike), સઘન, નળાકાર લીલાશ પડતો પીળો અથવા ગુલાબી છાંટવાળો હોય છે. ડૂંડાની લંબાઈ 6.0થી 35.0 સેમી. અને વ્યાસ 0.5થી 4.25 સેમી. જેટલો હોય છે. ડૂંડાના અક્ષ પર શૂકિકાઓ (spikelets) અને કેશ (bristles) ખીચોખીચ રીતે ગોઠવાયેલાં હોય છે. પ્રત્યેક શૂકિકામાં એક નરપુષ્પ અને એક દ્વિલિંગી પુષ્પ હોય છે. દ્વિલિંગી પુષ્પમાં બીજાશય દ્વિશાખિત પરાગવાહિની (style) ધરાવે છે. તે બાહ્ય પુષ્પકવચ (lemma) અને અંત:પર્ણ (palea) વડે ઢંકાયેલું હોય છે. આ પુષ્પમાં સ્ત્રીકેસરચક્ર પુંકેસરો કરતાં 2થી 4 દિવસ વહેલું પરિપક્વ થાય છે. તેને પૂર્વસ્ત્રીપક્વતા (protogyny) કહે છે, જેના કારણે બાજરામાં પરપરાગનયનનું પ્રમાણ 80 %થી વધારે હોય છે.

બાજરાની જાતોનું વર્ગીકરણ મુખ્યત્વે છોડની ઊંચાઈ; ડૂંડાની લંબાઈ, જાડાઈ અને સખ્તાઈ; ડૂંડામાં મૂછોની હાજરી, દાણાનો રંગ અને આકાર તથા પરિપક્વતા વગેરે ગુણોના આધારે કરી શકાય છે. બાજરાની રૂપગત (morphological) વિભિન્ન અને જંગલી જાતો મુખ્યત્વે પશ્ચિમ આફ્રિકા તેમજ સહરાના રણનાં દક્ષિણ અને ઉત્તરનાં જંગલોમાં જોવા મળે છે. દક્ષિણ સુદાનથી સેનેગલ સુધીનો સહેલ વિભાગનો વિસ્તાર આ પાકનું ઉદભવસ્થાન ગણાય છે. આ ઉપરાંત ઈથિયોપિયા, સીએરા લીઓન અને સેન્ટ્રલ સહરાની નાઇજર નદીના મથાળાનો ભાગ પણ બીજા ઉદભવસ્થાન તરીકે ગણવામાં આવે છે. બાજરાના ઉદભવ અને વર્ગીકરણ વિશે ઘણાં વિરોધાભાસી મંતવ્યો આપવામાં આવ્યાં છે. કેટલાક વર્ગીકરણવિજ્ઞાનીઓ તેનો બહુજાતિવિકાસી (polyphyletic) ઉદભવ માને છે. કેટલાંક સ્વરૂપો કેટલીક વન્ય જાતિઓની એક અથવા બીજી જાતિમાંથી મૂળભૂત રીતે ઉત્પન્ન થયાં છે; તે પૈકીમાંની થોડીક જાતિઓ તો ખેતરોમાં અપતૃણ તરીકે થાય છે. બીજાં કેટલાંક સ્વરૂપો સંકરણ દ્વારા ઉત્પન્ન થયાં છે. ભારતમાં ઉગાડાતો બાજરો ઊંચી જાતનાં સુધરેલાં સ્વરૂપો ધરાવે છે. કેટલાકના મત પ્રમાણે બાજરો મધ્યોદભિદ (mesophytic) જાતિ P. purpureum(નેપિયર ઘાસ)માંથી અને Penicillaria પ્રજાતિની શુષ્કોદભિદ (xerophytic) સમૂહની નાની જાતિઓમાંથી ઉદભવ્યો છે. જોકે P. typhoides અને P. purpureumના સંકરોનો કોષજનીન વિદ્યાકીય (cytogenetical) અભ્યાસ દર્શાવે છે કે P. purpureum P. typhoidesની પૂર્વજ જાતિ નથી. બાજરાના કોષમાં 14 રંગસૂત્રો આવેલાં હોય છે.

બાજરામાં પાક-સુધારણા કરી વધુ ઉત્પાદન આપતી ઘણી સુધારેલી જાતો અને સંકર (હાઇબ્રિડ, hybrid) જાતો વિકસાવવામાં આવી છે, જેમાં રોગ અને જીવાત સામે રક્ષણ મળે છે. બાજરાની દુનિયાભરમાં આવી 3,000 જેટલી જાતો વિકસાવવામાં આવી છે. તેના પાકનું વધુ ને વધુ ઉત્પાદન મેળવવા માટે વૈજ્ઞાનિક ખેતી-પદ્ધતિઓ પણ વિકસાવવામાં આવેલ છે. તે અંગેનાં સંશોધનો ગુજરાતમાં જામનગર-સ્થિત બાજરા સંશોધન કેન્દ્ર, ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં થાય છે. આ કેન્દ્ર પરથી 1966થી 1998 સુધીમાં ઉત્તરોત્તર સુધરેલ બાજરાની કુલ 12 સંકર (હાઇબ્રિડ) જાતો અને 22 જેટલી વૈજ્ઞાનિક રીતની ખેતી-પદ્ધતિઓની ભલામણ થયેલ છે. બાજરાની સંકર જાતનો વાવેતરમાં ઉપયોગ કરવાથી દેશી સ્થાયી જાત કરતાં 2.5થી 3 ગણું વધુ ઉત્પાદન મળે છે. બાજરાનું સરેરાશ ઉત્પાદન જે 1965માં હેક્ટરદીઠ 376 કિગ્રા. હતું તે વધીને 1997માં 1,313 કિગ્રા. સુધી પહોંચ્યું છે.

બાજરો પ્રમાણસરની શુષ્ક આબોહવા અને નીચા વરસાદવાળા પ્રદેશોમાં થાય છે; છતાં ધાન્ય પાકવા માટે ઊંચું તાપમાન જરૂરી છે. તે 18 સેમી.થી 100 સેમી. વરસાદવાળા પ્રદેશોમાં થાય છે. જ્યાં 25.0 સેમી. કરતાં ઓછો વરસાદ થતો હોય ત્યાં તેની વૃદ્ધિ દરમિયાન એક-સરખા પ્રમાણમાં વરસાદ મળવો જરૂરી છે. અંકુરણ, પુષ્પોદભવ અને લણણી સમયે વરસાદ નુકસાનકારક છે. તે આંધ્રપ્રદેશ, મૈસૂર અને મદ્રાસની ભારે કાળી ભૂમિમાં, ગુજરાતની કાંપયુક્ત હલકી રેતાળ ગોરાડુ ભૂમિમાં અને દક્ષિણમાં મધ્યમસરથી માંડી હલકી ભૂમિમાં થાય છે. વાવણી પહેલાં શુષ્ક ભૂમિ હોય તો 13 ગાડાં પ્રતિ હેક્ટર અને પિયત ભૂમિ હોય તો 25 ગાડાં પ્રતિ હેક્ટર ફાર્મયાર્ડ ખાતર આપવામાં આવે છે. જો પિયત ભૂમિ હોય તો વાવણી પહેલાં અને તે પછી 3થી 4 અઠવાડિયાં બાદ 100 કિગ્રા. એમોનિયમ સલ્ફેટનું ખાતર પ્રતિ હેક્ટરે આપવામાં આવે છે.

Sclerospora graminicola (Sacc.) Schroet નામની રોગજનક ફૂગ દ્વારા બાજરાને લીલા ડૂંડા(green ear)નો કે તળ છારા(downy mildew)નો  રોગ થાય છે અને પાકને ઘણું નુકસાન થાય છે. રોગગ્રસ્ત પર્ણોની આખી સપાટી સફેદ રંગની બીજાણુધાનીઓ દ્વારા છવાઈ જાય છે. શૂકિકાનાં તુષનિપત્રો (glumes) અને પ્રજનનાંગો લીલાં પર્ણો જેવા પ્રરોહો(shoots)માં પરિણમે છે અને આખા કે ડૂંડાના અમુક ભાગનાં શિથિલ રીતે ગોઠવાયેલાં પર્ણો ઉત્પન્ન થાય છે. બાજરાની રોગઅવરોધક જાતો પૈકી પંજાબમાં T-55 અને રાજસ્થાનમાં RSK, RSJ અને ‘સુધારેલી ઘાના’નું વાવેતર કરવામાં આવે છે; જે આ રોગનો પ્રતિકાર કરે છે.

Tolyposporium penicillariae Bref. નામની અંગારિયા(smut)ની જાતિ પુષ્પોદભવ સમયે ચેપ લગાડે છે. ભેજવાળી આબોહવામાં ચેપ વધારે તીવ્ર હોય છે. ચેપ પવન દ્વારા લાગતો હોવાથી બીજની ચિકિત્સાનો કોઈ અર્થ રહેતો નથી. રોગનિયંત્રણ માટે ચેપગ્રસ્ત ડૂંડાંઓને બાળી નાખવામાં આવે છે. રોગઅવરોધક જાતોનું વાવેતર સૌથી શ્રેષ્ઠ ઉપાય ગણાય છે.

Puccinia penniseti Zimm. નામની રોગજનક ફૂગ દ્વારા પર્ણનો ગેરુ લાગુ પડે છે. આ રોગના પ્રતિકાર માટે મદ્રાસમાં P.T. 814/3 નામની જાતિનું વાવેતર કરવામાં આવે છે. Claviceps micro- cephala (Waller) Tul. મોડા વાવવામાં આવેલા બાજરા પર અર્ગટનો રોગ લાગુ પાડે છે. રોગગ્રસ્ત દાણા ખાવાથી ઊબકા-ઊલટી અને અતિસાર થાય છે અને ચક્કર (giddiness) આવે છે. જોકે દર્દીને 4થી 6 કલાક પછી મટી જાય છે.

બાજરાના પાકને Colemania sphenariodes Bol. નામનો તીતીઘોડો, Amsacta albistriga WlK. નામનો વાળ ધરાવતો લાલ કીડો, Lutta sp. નામની ભમરાની જાત વગેરે કીટકો આક્રમણ કરી ખૂબ નુકસાન પહોંચાડે છે. તીતીઘોડાના નિયંત્રણ માટે 22.4 કિગ્રા. પ્રતિ હેક્ટરે 10 % BHCના પાઉડરનો છંટકાવ કરવામાં આવે છે. લાલ કીડા માટે 5 % BHC અથવા DDTનો છંટકાવ કરવામાં આવે છે.

સફેદ આગિયા(striga)ની મૂળ પરોપજીવી જાત દ્વારા કેટલીક વાર 40 % જેટલું નુકસાન થાય છે. સોડિયમ ક્લોરાઇડ અને પોટૅશિયમ નાઇટ્રેટનો છંટકાવ અને 2, 4–Dની ચિકિત્સા આગિયાના નિયંત્રણ માટેના ઉપાયો છે. આ રોગના નિયંત્રણ માટે આગિયાના છોડ બાળી નાખવામાં આવે છે.

પૌષ્ટિક ગુણવત્તાની ર્દષ્ટિએ બાજરાના દાણામાં ઘઉં જેટલા – 11 %થી 12 %ની વચ્ચે પ્રોટીન હોય છે; જે બાકીના બીજા ધાન્ય પાકો કરતાં ઘણું વધારે છે. તૈલી પદાર્થો અને ધાતુતત્ત્વ અન્ય કોઈ પણ ધાન્ય પાક કરતાં સૌથી ઊંચાં એટલે કે અનુક્રમે 5.0 % અને 2.7 % જોવા મળે છે. આ ઉપરાંત ખોરાકના અગત્યના ઘટકો જેવા કે ફૉસ્ફરસ અને લોહતત્વ અનુક્રમે 350 મિગ્રા. તથા 8.8 મિગ્રા./100 ગ્રામ, થાયેમીન 282.3–450 માઇક્રોગ્રામ, રાઇબોફ્લૅવિન 188.2 માઇક્રોગ્રામ અને કેરોટીન 220 આઈ.યુ./100 ગ્રામ હોય છે. આમ બાજરો એ એક ઉત્તમ પ્રકારનો સાત્વિક ધાન્ય પાક છે.

આયુર્વેદ અનુસાર તે હૃદ્ય, બલકર, કાંતિકારક, અગ્નિદીપક, ઉષ્ણ, પિત્તને કોપાવનાર, રુક્ષ, સ્ત્રીઓને કામ ઉત્પન્ન કરનાર અને દુર્જર છે; અને પુંસ્ત્વ તથા પુષ્ટિનો ઉતાર કરનાર છે.

કનુભાઈ પેથાણી