બાઘની ગુફાઓ (ઈ. સ.ની છઠ્ઠી-સાતમી સદી) : મધ્ય પ્રદેશમાં દાહોદથી 128 કિમી. દૂર અમઝેરા જિલ્લાના બાઘ ગામ પાસે આવેલી બૌદ્ધ ગુફાઓ. વિન્ધ્યની ગિરિમાળાના દક્ષિણ ઢાળમાં બાઘ નદીથી લગભગ 48 મીટર ઊંચે હલકા રેતિયા ખડકોમાંથી કોરી કાઢેલી આ ગુફાઓ ગુપ્તકાલના અંતભાગની અને અનુગુપ્તકાલની અજંટા ગુફાઓની સમકાલીન છે. કુલ 9 ગુફાઓ પૈકીની 3 બિલકુલ નાશ પામી છે, જ્યારે બીજી ગુફાઓનો પણ કેટલોક ભાગ તેમની ઉપરના ભારે પડના દબાણથી અને તેમાંથી ઝમતા પાણીને લઈને નાશ પામ્યો છે. આ ગુફાઓ સર્વપ્રથમ લેફ્ટેનન્ટ ડેંજરફીલ્ડે 1818માં શોધી કાઢી, તે પછી વિદેશી અને ભારતીય વિદ્વાનોએ બાઘનાં સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રકલા પરત્વે પોતાનાં સંશોધનો – વિવેચનો પ્રગટ કર્યાં. નંદલાલ બોઝ અને અસિતકુમાર હલધર જેવા નામાંકિત અર્વાચીન ચિત્રકલા-વિશારદોએ બાઘનાં ચિત્રોની કરેલી અનુકૃતિઓ આજે પણ ગ્વાલિયર મ્યુઝિયમની શોભારૂપ ગણાય છે.

રચના પરત્વે આ ગુફાઓ મુખ્યત્વે બૌદ્ધ સાધુઓને રહેવાના વિહારો છે. ગુફા નં. 1(ગૃહ ગુફા)નો આગળનો રવેશ નાશ પામ્યો છે. અંદરથી 7.5 × 4.5 મીટરના સાદા ખંડ જેવી આ ગુફાની છતને ટેકવવા માટે 4 સ્તંભો કોરેલા છે. ગુફા નં. 2 (પાંડવ ગુફા) બધી ગુફાઓમાં વધારે સુરક્ષિત સંપૂર્ણ વિહાર સ્વરૂપની છે. તેની બંને બાજુએ કુટિરો છે. પાછળના ભાગમાં નાનું સમચોરસ ગર્ભગૃહ છે અને આગળના ભાગમાં સ્તંભયુક્ત રવેશ છે. ગર્ભગૃહ, મંડપ અને રવેશ સહિતની ગુફાની લંબાઈ 48 મીટર જેટલી છે. આ ગુફાવિહારમાં બે બાજુએ સાત સાત, પાછળના ભાગમાં બબ્બે અને આગળના ભાગમાં એકેક મળીને કુલ 20 કુટિરો છે. દરેક કુટિર લગભગ 2.5 મીટર લાંબી, પહોળી અને ઊંચી છે. ઉત્તરના ખૂણાની એક કુટિરની સાથે બે અડધી કોરાયેલી કુટિરો પણ છે. મંડપના પાછળના ભાગમાં ગર્ભગૃહની સામે એક નાનો મંડપ કોરેલો છે, જેના બે સ્તંભ મોટા મંડપ તરફ કોરેલા છે. આ નાના મંડપની દીવાલો અને ગર્ભગૃહના દ્વાર પર શિલ્પ-સજાવટ છે. ગર્ભગૃહમાં બુદ્ધની પ્રતિમાને સ્થાને કરેલો સ્તૂપ ભોંયથી છત સુધી ખડકમાંથી આખો કોતરી કાઢેલો છે. એમાં અષ્ટકોણ પીઠિકા પર જુદા જુદા આકારના થર કોરેલા છે. તેના પર મૃદંગ ઘાટની બેસણી છે અને તેના પર અર્ધગોળાકાર અંડ, તેના પર હર્મિકા અને તેની મધ્યમાં છત્ર કંડારેલાં છે.

ગુફા નં. 2 : તલદર્શન (આલેખના રૂપમાં)

ગર્ભગૃહના દ્વારની બંને બાજુની દીવાલો પર ત્રણ ત્રણ વિશાળકાય પ્રતિમાઓ કોરેલી છે. આ બંને બાજુની ત્રિપુટીઓમાં વચ્ચે ભગવાન બુદ્ધની મોટા કદની અને તેની આસપાસ એક એક બોધિસત્વની સહેજ નીચી પ્રતિમાઓ કોરેલી છે. બધી જ પ્રતિમાઓ પદ્માસનની મુદ્રામાં છે. બંને બાજુના બુદ્ધ એકસરખું સ્વરૂપ ધરાવે છે. પદ્માસનસ્થ બુદ્ધનો જમણો હાથ વરદ મુદ્રામાં છે, જ્યારે ડાબા હાથ વડે ખભા પાસે વસ્ત્રનો છેડો પકડ્યો છે. બુદ્ધના મસ્તક પર ઉષ્ણીષ (વાંકડિયા વાળ) છે. બોધિસત્વની પ્રતિમાઓમાં બુદ્ધની જમણી બાજુના બોધિસત્વ મૈત્રેયે જમણા હાથ વડે ખભા પર ચામર ધારણ કર્યું છે, જ્યારે ડાબી બાજુના બોધિસત્વ અવલોકિતેશ્વરે (પદ્મપાણિએ) પદ્મકલિકા-ગુચ્છ ધારણ કર્યો છે. તેમનો ડાબો હાથ અધોવસ્ત્રની ગાંઠ પર રાખેલો છે. ગર્ભગૃહના પ્રવેશદ્વારની બંને બાજુએ દ્વારપાળની જેમ એક એક બોધિસત્વ ઊભેલા છે. આમાં ડાબી બાજુ વધુ અલંકારયુક્ત બોધિસત્વ અવલોકિતેશ્વર અને જમણી બાજુના ઓછા અલંકાર ધારણ કરેલા બોધિસત્વ મૈત્રેય છે.

ગુફા નં. 3 (હાથીખાના) રચના પરત્વે વિલક્ષણ છે. એમાં પ્રવેશમંડપની સામે 8 અષ્ટકોણ સ્તંભયુક્ત લાંબો મંડપ છે અને તેની પછી એક બીજો પણ 8 સ્તંભયુક્ત મંડપ કોરેલો છે. સન્મુખ પ્રવેશમંડપ અને તેની સાથે જોડાયેલા મંડપની બંને બાજુએ કુટિરો હતી, જેનો નાશ થયો છે. આ ગુફાનાં શિલ્પો પણ નષ્ટ થયાં છે. ગુફા નં. 4 રંગમહાલ તરીકે ઓળખાય છે. બધી ગુફાઓમાં આ ગુફા સર્વોત્તમ છે. આ ગુફા ગુફા નં. 5 સાથે સંકળાયેલી છે અને એ બંને ગુફાઓની આગળના ભાગમાં એક સંયુક્ત રવેશ હતો. એ રવેશને 22 સ્તંભો હતા, પરંતુ સ્તંભો અને રવેશનો ઘણોખરો ભાગ નાશ પામ્યો છે. ગુફા નં. 4 રચના પરત્વે ગુફા નં. 2નો વિકાસ સૂચવે છે. અહીં 3 પ્રવેશદ્વાર અને 2 બારીઓ છે. સ્તંભયુક્ત વિશાળ મંડપ અને તેને ફરતી ત્રણ બાજુએ કુટિરો છે. ગુફાનો 38 સ્તંભો ધરાવતો મુખ્ય મંડપ 31 મીટર લાંબો છે. મંડપ અને કુટિરોની વચ્ચેની સ્તંભાવલીમાં 28 ચોરસ સ્તંભ કોરેલા છે. મંડપમાં બંને બાજુએ 9–9, પાછલા ભાગમાં 3–3, આગલા ભાગમાં ડાબી બાજુએ એક અને ગર્ભગૃહની દક્ષિણે 3 કુટિરો કોરેલી છે. સ્તંભો, છજાં, ગવાક્ષો અને દીવાલો પરનાં શિલ્પસુશોભનો તેમજ દીવાલો પરનાં ચિત્રાંકનોને લીધે આ ગુફા આકર્ષક બની છે. અહીં રવેશના મધ્ય દ્વારની ઉપર બુદ્ધની પ્રતિમાઓની એક હરોળ કરેલી છે અને તેની નીચે માનવમુખયુક્ત ગવાક્ષોની પંક્તિ છે. આ દીવાલ પર એક સ્થળે મૃગવનમાં ધર્મચક્ર-પ્રવર્તન કરતા બુદ્ધનું મનોહર શિલ્પ જોવામાં આવે છે. રવેશની બહારના ખુલ્લા ભાગના એક ગવાક્ષ(રથિકા)માં અર્ધપર્યંકાસનમાં બેઠેલા 7 ફણાવાળા નાગરાજનું શિલ્પ છે. નાગરાજની પત્ની બાજુમાં લલિતાસનમાં બેઠેલી છે. ગુફાના પ્રવેશદ્વારના ઉપલા ભાગમાં બે બાજુએ બે મકરવાહિની યક્ષીઓનાં સરસ શિલ્પ કંડારેલાં છે. અહીં મુખ્ય ખંડમાં કાઢેલાં છજાંઓ પર કરેલા ચૈત્ય-ગવાક્ષોમાંથી સ્ત્રીપુરુષોનાં યુગલો ઉત્તમાંગ બહાર કાઢીને ડોકિયાં કરતાં હોવાનાં મનોહર શિલ્પો ર્દષ્ટિગોચર થાય છે.

ગુફા નં. 5 31 મીટર લાંબો અને 14 મીટર પહોળો વિશાળ મધ્યસ્થ સભાખંડ હોવાનું જણાય છે. આમાં મધ્યમાં 8–8 સ્તંભોની 2 હરોળ કરેલી છે. ગુફામાં એક પ્રવેશદ્વાર અને 3 બારીઓ છે; પણ તે શિલ્પસજાવટરહિત છે. જોકે અહીં થોડી ચિત્ર-સજાવટ જોવામાં આવે છે. આ ગુફામાં થઈને ગુફા નં. 6માં જવાય છે. આ ગુફા 15 મીટરના ચોરસ મંડપ સ્વરૂપની છે. એમાં એક પ્રવેશદ્વાર અને તેની બંને બાજુ એક એક બારી છે. મંડપની વચ્ચે 4 અષ્ટકોણ સ્તંભો છે. પાછળના ભાગમાં 3 અને એક બાજુએ 2 મળીને કુલ 5 કુટિરો છે. ગુફામાં કોઈ સુશોભન જોવા મળતું નથી. સાતમી, આઠમી અને નવમી ગુફાઓનો ઘણો ભાગ નષ્ટ થયો છે.

બાઘમાં અજંટાની જેમ દીવાલો, છતો અને સ્તંભો ચિત્રિત હતાં, પરંતુ તેમાંથી કેવળ થોડાં જ ચિત્રોના અંશ ગુફા નં. 4 અને 5ના સળંગ રવેશની દીવાલના ઉપરના ભાગમાં બચેલા છે. આ ચિત્રો મહાયાન બૌદ્ધ ધર્મને લગતાં છે અને તેમાં મુખ્યત્વે જાતકો અને અવદાન–કથાઓના પ્રસંગો આલેખાયા છે. આ ચિત્રો અજંટાની ગુફા નં. 1 અને 2નાં ચિત્રો સાથે સામ્ય ધરાવે છે; એટલું જ નહિ, બાઘમાં તેનું સાતત્ય અને તેનો વિકાસ પણ થયેલો જોવામાં આવે છે. બાઘ અજંટાથી લગભગ 240 કિમી. દૂર આવેલું હોવાથી આ બંને સ્થાનોમાં રહેતા મહાયાન બૌદ્ધ ભિક્ષુઓ બંને સ્થળોએ આવેલા સંઘારામોમાં આવ-જા કરતા હોઈને આમ બનવું સંભવિત છે. બાઘમાં ભિત્તિ પર ચિત્ર આલેખવાની પદ્ધતિ અજંટાના જેવી જ જણાય છે.

કાળા, સફેદ, આસમાની, જાંબુડિયા, પીળા અને લાલ રંગનો સરસ રીતે પ્રયોગ થયો છે. પરસ્પરવિરોધી રંગોનો પ્રયોગ કરવાની બાબતમાં બાઘના કલાકારોને અજંટાના કલાકારો જેવી જ સફળતા મળી છે. ઉપર કહેલ સળંગ રવેશના પ્રવેશદ્વારની ઉપરના ભાગમાં બે ર્દશ્યો ચીતરેલાં જોવા મળે છે. પહેલા ર્દશ્યમાં એક ઝરૂખામાં બેઠેલી બે સ્ત્રીઓ પૈકીની એક શોકમગ્ન છે અને એને બીજી સ્ત્રી આશ્વાસન આપી રહી છે. ઝરૂખાની છત પર એક કપોતયુગ્મ બેઠેલું છે. આ કોઈ વિરહિણીનું ચિત્ર લાગે છે. બીજા ર્દશ્યમાં કોઈ વનમાં અથવા ઉપવનમાં શ્યામ વર્ણના 4 પુરુષો ગંભીર ગોષ્ઠિ કે શાસ્ત્રાર્થ કરી રહ્યા છે. તેમણે માત્ર અધોવસ્ત્ર જ પહેરેલું છે. જમણી બાજુના ત્રીજા ર્દશ્યમાં ઉપરનીચે બે જનસમૂહ નજરે પડે છે. ઉપલા સમૂહમાં 6 પુરુષ વ્યક્તિઓ વાદળાં વચ્ચે ઊડી રહેલી જણાય છે. નીચલા સમૂહમાં 5 સ્ત્રીઓનાં મસ્તક નજરે પડે છે. એમાં વચલી સ્ત્રીના હાથમાં વીણા હોવાનું જણાય છે. એ ર્દશ્યની જમણી બાજુએ બે વાદકવૃંદોનું શ્ય છે. તે ર્દશ્ય હલ્લીસક નૃત્ય તરીકે પ્રસિદ્ધ છે. આ ચિત્ર બાઘનાં બધાં ચિત્રોમાં આયોજન, લય અને મનોહરતાને લઈને સર્વોત્તમ મનાયું છે. ડાબી બાજુના વૃંદમાં 7 વાદક સ્ત્રીઓ એક પુરુષ નર્તકને ઘેરીને ઊભી છે. નર્તકની ડાબી બાજુએ મોખરે ઊભેલી સ્ત્રી મૃદંગ બજાવે છે; તેની જમણી બાજુની 3 સ્ત્રીઓ દાંડિયાથી તાલ આપે છે. નર્તકની જમણી બાજુની 3 સ્ત્રીઓ મંજીરાં વગાડે છે. એની લગોલગ જ બીજા ગાયકવૃંદનું ચિત્ર દોર્યું છે.

આ જમણી બાજુના ગાયકવૃંદમાં એક નર્તકની આસપાસ 6 સ્ત્રીઓ ઊભેલી જોવા મળે છે. નર્તકની જમણી અને ડાબી બાજુની બંને સ્ત્રીઓના હાથમાં મંજીરાં છે. તેની ડાબી બાજુની બીજી સ્ત્રી મૃદંગ પર તાલ આપે છે, જ્યારે બાકીની 3 સ્ત્રીઓ દાંડિયાથી તાલ આપી રહી છે. બંને સમૂહની વેશભૂષા લગભગ સરખી જણાય છે.

બાઘની ગુફાઓ : પ્રવેશદ્વાર

હલ્લીસક નૃત્યનું ર્દશ્ય, બાઘ ગુફા

આ બંને ર્દશ્યો હલ્લીસક પ્રકારના લોકનૃત્યનું આબેહૂબ ચિત્ર ખડું કરે છે. પાંચમા ર્દશ્યમાં સત્તરેક ઘોડેસવારોનું દળ ડાબી બાજુએ કતારબદ્ધ થઈને આગળ ધપતું જોવા મળે છે. આ ર્દશ્યની પાછળ રાજસવારીનું સુંદર ર્દશ્ય જોવા મળે છે. આમાં હાથીઓ અને ઘોડેસવારો સામેલ છે. આમાં હાથમાં ધનુષ્ય-બાણ ધારણ કરેલ હયદળ અને પાયદળ, ઓછામાં ઓછી બે મોભાદાર વ્યક્તિઓ પર ધરવામાં આવેલ છત્ર, મોટા દંતશૂળવાળા ગજરાજો પર સવાર થયેલા રાજકુમારો અને હાથણીઓ પર સવાર થયેલ ઉચ્ચ શ્રેણીની મહિલાઓનું રાજમહેલના પ્રવેશદ્વાર પાસે થયેલું આલેખન રાજમહેલનો આ કોઈ અગત્યનો પ્રસંગ હોવાનું સૂચવે છે. ગુફા નં.4માં થયેલું પક્ષી-ચિત્રણ નયનરમ્ય છે. બાઘની પક્ષી-ચિત્રણની પરંપરા લોકકલામાં આજે પણ વસ્ત્રો પરના છાપકામ અને ભરતકામમાં તેમજ રંગોળી, અલ્પના, ચૉક પૂરવાની ક્રિયા વગેરેમાં ચાલી આવતી ર્દષ્ટિગોચર થાય છે. બાઘમાં બોધિસત્વોનું આલેખન થયું છે તેમાં અજંટાની તુલનાએ અલૌકિકતાને સ્થાને લૌકિકતાનો ભાવ વિશેષ મૂર્ત થતો જોવામાં આવે છે. ગુફા નં. 3માં આલેખાયેલ ચામરધારિણીના ર્દશ્યમાં કલ્પના, આકાર, રેખાંકન, રંગ અને ભાવ-અભિવ્યક્તિની ઉચ્ચ કલાષ્ટિ તથા કલાસિદ્ધિનાં દર્શન થાય છે. બાઘનાં ચિત્રોમાં રંગ અને રેખામાં ઘનતા વ્યક્ત થાય છે, છતાં સ્વાભાવિકતાને મુકાબલે આયાસ વિશેષ દેખા દે છે.

પ્રવીણચંદ્ર પરીખ