બાંગ્લાદેશ

ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યની પૂર્વમાં ગંગા-બ્રહ્મપુત્ર નદીઓના મુખત્રિકોણ-પ્રદેશને મહદ્અંશે આવરતો, બંગાળના ઉપસાગરની ઉત્તરમાં આવેલો દક્ષિણ એશિયાઈ દેશ. 1971 અગાઉ તે પાકિસ્તાનનો પ્રાંત હતો અને ત્યારે તે પૂર્વ પાકિસ્તાન નામથી ઓળખાતો હતો. 1971ના અંતમાં આ દેશે દુનિયાના રાજકીય નકશામાં ‘બાંગ્લાદેશ’ નામથી નવોદિત રાષ્ટ્ર તરીકે અલગ સ્થાન મેળવ્યું. કુદરત તરફથી આ દેશને સર્વોત્તમ પ્રકારની કાંપની ફળદ્રૂપ જમીનોની ભેટ મળેલી હોવાથી તે મબલક ખેત-ઉત્પાદન મેળવે છે. તેમાં પણ શણના પાકની ખેતી વધુ મહત્વની છે. સોના જેવા પીળાશ પડતા રંગનો શણનો રેસો દેશના અર્થતંત્રમાં મૂલ્યવાન સાબિત થયો છે. આ દેશને સાભિપ્રાય ‘સોનાર બાંગ્લાદેશ’ કહેવામાં આવે છે.

સ્થાન-સીમા-વિસ્તાર : બાંગ્લાદેશ આશરે 20° 46´થી 26° 30´ ઉ. અ. અને 88°થી 92° 45´ પૂ. રે. વચ્ચેનો કુલ 1,43,998 ચોકિમી. જેટલો (તુલનાત્મક ર્દષ્ટિએ ગુજરાત રાજ્યના 1,96,054 ચોકિમી.થી ઓછો) વિસ્તાર આવરી લે છે. તે ઉત્તર-દક્ષિણ આશરે 630 કિમી. લંબાઈમાં અને પૂર્વ-પશ્ચિમ આશરે 490 કિમી. પહોળાઈમાં વિસ્તરેલો છે. દેશની દક્ષિણે આવેલા બંગાળના ઉપસાગર પરની તેની સમુદ્રતટરેખા આશરે 700 કિમી. જેટલી છે. કર્કવૃત્ત આ દેશની મધ્યમાંથી પસાર થાય છે. તેની ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ તરફ અનુક્રમે ભારતનાં મેઘાલય, અસમ, ત્રિપુરા, મિઝોરમ અને પશ્ચિમ બંગાળનાં રાજ્યો ભારત સાથેની સરહદ રચે છે, અગ્નિકોણમાં મ્યાનમારની સરહદ આવેલી છે તથા દક્ષિણ તરફ બંગાળનો ઉપસાગર પથરાયેલો છે. ભારત-બાંગ્લાદેશ સીમા લંબાઈ લગભગ 3,910 કિમી. જેટલી છે.

ભૂસ્તરીય-પ્રાકૃતિક રચના : ભૂસ્તરીય ર્દષ્ટિએ બાંગ્લાદેશનો લગભગ સમગ્ર સપાટી-વિસ્તાર નદીઓના કાંપથી બનેલો હોવાથી આ પ્રદેશ તદ્દન નૂતન વયનો ગણાય, આમ છતાં તેના ઈશાન ભાગમાં થોડાક જૂની વયના ખડકો મળી આવ્યા છે. તેની પ્લાયસ્ટોસીન સમયની ભૂસ્તરીય રચના અત્યંત વૈવિધ્યસભર છે. સમુદ્ર તરફ ગંગા-બ્રહ્મપુત્ર નદીરચનાએ લાંબા સમયથી રેતી, માટી, કાંપ વગેરે જેવા નૂતન નિક્ષેપો પાથરીને દરિયાઈ ભાગને નવસાધ્ય બનાવ્યો છે, નવા ભૂમિભાગની રચના કરી આપી છે. ફર્ગ્યુસનના મંતવ્ય મુજબ, અહીં માત્ર 5,000 વર્ષ અગાઉ સમુદ્ર રાજમહાલની ટેકરીઓને સ્પર્શતો હતો. સિલ્હટની આજુબાજુનો પ્રદેશ દરિયાઈ ખાડીસરોવર હતો. આજથી આશરે 1,000 વર્ષ અગાઉ અહીંની નવસાધ્ય ભૂમિ સુકાઈને વસવાટયોગ્ય બની ત્યારે દક્ષિણ બંગાળનાં શહેરો-નગરોની સ્થાપના થયેલી છે. વળી થોડાક સૈકાઓ પહેલાં બ્રહ્મપુત્ર નદીનું મધુપુરની પૂર્વમાં સ્થળાંતર થયું તેમજ તે પછી ઓગણીસમી સદીના મધ્યભાગમાં તેણે ફરીથી પશ્ચિમતરફી વળાંક લીધેલો છે. આ રીતે વર્તમાન બાંગ્લાદેશના નિર્માણમાં નદીજન્ય રેતી-માટી-કાંપના નિક્ષેપસંચયનો ઘણો મહત્વનો ફાળો રહેલો છે. તે દુનિયાનો સૌથી વિશાળ કાંપનિર્મિત ત્રિકોણપ્રદેશ ધરાવે છે.

પ્રાકૃતિક રચના મુજબ દેશનું ભૂપૃષ્ઠ મુખ્યત્વે ત્રણ ભાગોમાં વહેંચી શકાય : (1) નવા કાંપનાં મેદાનો : દેશના આશરે B ભાગમાં ગંગા-બ્રહ્મપુત્રનાં મેદાનો પથરાયેલાં છે, તે સમુદ્રસપાટીથી સામાન્ય રીતે માત્ર 9 મીટર કે તેથી ઓછી ઊંચાઈ ધરાવે છે. તેમાં વિશેષે કરીને બ્રહ્મપુત્ર-મેઘનાનાં પૂરનાં મેદાનો, ઈશાનમાંનાં નીચાં મેદાનો તથા મધ્ય અને દક્ષિણનાં મુખત્રિકોણ-પ્રદેશનાં મેદાનોનો સમાવેશ થાય છે. દક્ષિણનાં મેદાનો વિશાળ સુંદરી(mangrove) જંગલો, જળપ્રવાહગૂંથણી તથા અસંખ્ય સરોવરો ધરાવે છે. દરિયાકિનારાનાં મેદાનો રેતાળ છે અને ક્ષારીય જમીનોથી બનેલાં છે. (2) જૂના કાંપનાં મેદાનો : સમુદ્રસપાટીથી આશરે 9થી 18 મીટરની ઊંચાઈ ધરાવતાં આ મેદાનો જૂના કાંપથી રચાયેલાં છે. તેનો વાયવ્ય ભાગ ‘બારિંદ’ તરીકે ઓળખાય છે, જ્યારે દેશના ઉત્તર-મધ્ય ભાગમાં આવેલો જૂના કાંપથી રચાયેલો પ્રદેશ ‘મધુપુર’ તરીકે ઓળખાય છે. તે નાની નાની ટેકરીઓ તથા ખેતીધારક ખીણો ધરાવે છે, વળી અહીં સાલનાં જંગલો પણ છવાયેલાં છે. (3) ડુંગરાળ પ્રદેશો : દેશના ઈશાન ભાગમાં ટેકરીઓવાળો 30થી 335 મીટરની ઊંચાઈ ધરાવતો સિલ્હટનો ડુંગરાળ પ્રદેશ આવેલો છે. સુરમા ખીણ અહીં આવેલી છે. મયમનસિંગના ઉત્તરના વિસ્તારમાં ઘણાં સરોવરો પણ આવેલાં છે. અગ્નિ વિભાગીય બાંગ્લાદેશમાં ફેની નદીથી દક્ષિણમાં ટેકરીઓ અને ખીણોથી યુક્ત તિપેરા અને ચિતાગૉંગનો ડુંગરાળ પ્રદેશ છે. ઉત્તર-દક્ષિણ હારમાળા અહીં સામાન્ય રીતે તો 600 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. 1,230 મીટરની ઊંચાઈ ધરાવતું કેકરાડૉગ અહીંનું સર્વોચ્ચ શિખર છે.

જળપરિવાહ : બાંગ્લાદેશનો જળપરિવાહ સ્થિર નથી. ભૂતકાળમાં નદીઓનાં વહેણ એકાએક બદલાયાં હોવાનાં ઉદાહરણો છે. દર વર્ષે સામાન્ય રીતે જૂન અને ઑક્ટોબર વચ્ચે અહીંની નદીઓમાં પૂર આવે છે. તેમનાં જળ ઊભરાઈને કિનારા બહાર ફેલાઈ જાય છે. મોટેભાગે સપ્ટેમ્બર કે ઑક્ટોબરમાં અને ક્વચિત્ નવેમ્બરમાં પૂરનાં જળ ઊંચી સપાટીએ પહોંચે છે. ભૂમિ પર ફળદ્રૂપ કાંપ પથરાવાના લાભની સામે પશુ અને માનવ-ખુવારી તથા રહેઠાણો અને માલસામાનની ભારે તારાજી થાય છે.

ગંગા નદી એ બંગાળના ત્રિકોણપ્રદેશની ધરીરૂપ છે. નૈર્ઋત્ય બાંગ્લાદેશના મોટાભાગના વિસ્તારો આ નદી તથા તેની ઉપનદીઓ દ્વારા જોડાયેલા છે. તેનો મુખત્રિકોણપ્રદેશ આશરે 51,980 ચોકિમી.ને આવરી લે છે. આ નદી ગંગા અને પદ્મા એમ બે મુખ્ય પ્રવાહોમાં વહેંચાઈ જાય છે, આમ છતાં ગંગાનો સમગ્ર પ્રવાહ તેની બધી જ લંબાઈમાં ‘પદ્મા’ નામે ઓળખાય છે. પદ્મા અગ્નિ તરફ વહે છે. ચાંદપુર પાસે તેને મેઘના નદી મળે છે. પછીથી તે બંગાળના ઉપસાગરમાં પ્રવેશે છે. જોકે ગંગાનો મુખ્ય પ્રવાહ બે કે ત્રણ વર્ષે બદલાતો રહે છે. તેમાં કાંપ પથરાવાને લીધે હંગામી ધોરણે ટાપુઓની રચના થાય છે.

બાંગ્લાદેશ

સિલ્હટ-સુરમા તથા કુસિયારા નદીઓના સંયોજનથી મેઘના નદી બને છે. આ બંને નદીઓ બરાક નદીની ઉપનદીઓ છે. તે ભારતના ‘નગર-મણિપુર’ જળવિભાજકમાંથી ઉદભવે છે. બરાકની મુખ્ય શાખા સુરમા નદી ઈશાન બાંગ્લાદેશના અઝમિરીગંજ નજીક કાલની દ્વારા તથા વધુ દક્ષિણે કુસિયારા શાખા સાથે જોડાય છે.

નદીઓનાં વારંવારનાં પૂરથી બાંગ્લાદેશમાં નિર્માયેલાં કાંપનાં વિશાળ ફળદ્રૂપ મેદાનો – એક ર્દશ્ય

પદ્મા તથા મેઘનાના સંગમથી થોડાક કિમી. ઉપરવાસમાં જમના(બ્રહ્મપુત્ર)ની ઉપનદી ઢાલેશ્વરી મેઘના નદીને મળે છે. આમ દક્ષિણમાં અનેક સર્પાકાર વહેણોનાં જળ મેઘના નદીમાં ભળતાં તે વિશાળ બને છે. તિસ્તા વાયવ્ય બાંગ્લાદેશમાં વધુ જળવહન કરતી નદી છે. તે સિક્કિમ નજીકના હિમાલયમાંથી નીકળીને દક્ષિણ તરફ વહે છે, ત્યાંથી અગ્નિકોણમાં દાર્જિલિંગ નજીક વળાંક લઈને બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે. પછીથી તે જમના(બ્રહ્મપુત્ર)ને મળે છે.

ફેની, કર્ણફૂલી, સન્ગુ અને માતામુહરી – આ ચાર મુખ્ય નદીઓ ચિતાગૉંગની ટેકરીઓ અને તેને સંકલિત મેદાનોમાં જળપરિવાહ રચે છે. સામાન્ય રીતે આ બધી નદીઓ પશ્ચિમ અને નૈર્ઋત્યમાં વહીને કિનારાનાં મેદાનો પસાર કરી, બંગાળના ઉપસાગરને મળે છે. આ પૈકી કર્ણફૂલી સૌથી લાંબી નદી છે. આ નદી પર (નદીમુખના ચિતાગૉંગથી આશરે 30 કિમી. ઉપરવાસમાં) કપ્તાઈ પાસે બંધ બાંધવામાં આવ્યો છે.

નદીકિનારા પરનો અહીંનો કળણ અને  પંકભૂમિવાળો સમગ્ર ભાગ ‘સુંદરવન’ નામથી જાણીતો બનેલો છે. કિનારાની આખીય ધાર ઊંડા-છીછરા અનેક જળફાંટાઓથી અત્યંત ખાંચાખૂંચીવાળી બની રહેલી છે. કિનારાથી ઓછેવત્તે અંતરે દરિયામાં નાના ટાપુઓ પણ છે.

આબોહવા : બાંગ્લાદેશની આબોહવા મોસમી પ્રકારની છે. તે વર્ષાવાદળોવાળા મોસમી પવનો ધરાવે છે તથા તે મધ્યમ ગરમીવાળી અને ભારે આર્દ્રતાવાળી હોય છે. અહીં એપ્રિલ માસ સૌથી વધુ ગરમ રહે છે. એપ્રિલથી સપ્ટેમ્બર સુધી મહત્તમ તાપમાન 33°થી 36° સે. વચ્ચેનું રહે છે. અહીં જાન્યુઆરી માસ સૌથી વધુ ઠંડો રહે છે. ત્યારે સરેરાશ તાપમાન 18° સે. જેટલું રહે છે. નવેમ્બરથી માર્ચ અહીં શિયાળાની ઠંડી ઋતુ પ્રવર્તે છે. પશ્ચિમના કેટલાક વિસ્તારોને બાદ કરતાં દેશના મોટાભાગના પ્રદેશો ભારે વરસાદ મેળવે છે. સામાન્ય રીતે અહીં વરસાદનું પ્રમાણ 1,500 મિમી.થી વધુ હોય છે. દક્ષિણના, અગ્નિકોણ તરફના, ઉત્તરના અને વાયવ્યના મોટાભાગના પ્રદેશો 2,000થી 2,500 મિમી. તેમજ ઉત્તર અને વાયવ્યના સિલ્હટ વિસ્તારના કેટલાક ભાગો 3,750થી 5,000 મિમી. જેટલો વરસાદ મેળવે છે. ચોમાસાની ઋતુ દરમ્યાન સૌથી વધુ વરસાદ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે અથવા ઑક્ટોબરની શરૂઆતમાં પડી જાય છે.

ઉનાળાની શરૂઆત(એપ્રિલ અને મે)માં અને ચોમાસું પૂરું થતાં (સપ્ટેમ્બરથી ઑક્ટોબરમાં) અહીં વાતાવરણમાં ફેરફારો સર્જાય છે. પરિણામે ભારે તોફાનો કે ચક્રવાત ઉદભવે છે. ત્યારે પવનોનો વેગ કલાકે 160 કિમી.થી પણ વધુ હોય છે. દરિયાકિનારા પર મોજાં લગભગ 6 મીટર જેટલાં ઊછળે છે. તે ટાપુઓ પર તથા કિનારાભાગોમાં ભયંકર જોશથી અથડાય છે, જેથી જાનમાલની ભારે ખુવારી થાય છે. છેલ્લાં 32 વર્ષમાં 16 ચક્રવાતોએ આ દેશની આર્થિક સ્થિતિ પર વિપરીત અસર પહોંચાડી છે. મે 1985 અને એપ્રિલ 1991માં ચક્રવાતનાં પ્રચંડ તોફાનો ત્રાટક્યાં હતાં. 1991ના ચક્રવાતે 1,39,000 જેટલા માણસોનો ભોગ લીધો હતો.

વનસ્પતિજીવન-પ્રાણીજીવન : અહીંની મોસમી આબોહવા, વિપુલ પાણી-પુરવઠો તથા ફળદ્રૂપ જમીનોને લીધે વનસ્પતિ-વિકાસ સારો થયો છે. દેશનો આશરે 15 % ભૂમિવિસ્તાર જંગલ-આચ્છાદિત છે. ઈશાનકોણમાં સિલ્હટ અને અગ્નિકોણમાં ચિતાગાગ જિલ્લાના ડુંગરાળ ભાગોમાં સાગ, સાલ, વાંસ તેમજ પહોળાં પાન ધરાવતાં વૃક્ષો આવેલાં છે. આ જંગલો નિત્ય લીલાં રહે છે. ઢાકા, મયમનસિંગ જેવા મધ્યસ્થ જિલ્લાઓમાં વિશાળ સરોવરો અને પંકભૂમિ-કળણભૂમિવાળા ભાગોમાં વનસ્પતિનો સારો વિકાસ થયેલો જોવા મળે છે. નેતર, વાંસ, નાળિયેરી, તાડ જેવાં વૃક્ષોનું પ્રમાણ અહીં વધારે છે. ઉત્તરે બ્રહ્મપુત્ર નદીના વહેણથી વાયવ્ય ભાગમાં આવેલી સપાટ જમીનોમાં બાવળ તથા ફળાઉ વૃક્ષો વધુ જોવા મળે છે.

દક્ષિણના ખુલના અને બારીસાલ જિલ્લાનાં જંગલોમાં સુંદરી(mangrove) વનસ્પતિનું પ્રાધાન્ય છે, તેમાં પણ સુંદરી વૃક્ષોનું પ્રમાણ વિશેષ હોવાથી તે પ્રદેશ ‘સુંદરવન’ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત ગેવા, ગેન્ગવા, ગોરન વગેરે પોચા લાકડાનાં વૃક્ષો પણ છે. તેમનું લાકડું ક્ષારવાળા પાણીમાં કોહવાતું ન હોવાથી નૌકા બનાવવામાં તેનો ઉપયોગ થાય છે.

દેશનું ‘વનિલ ઉદ્યોગ વિકાસ નિગમ’ દેશની જંગલપેદાશોનો પૂરેપૂરો ઉપયોગ થાય તે જોવાનું કાર્ય કરે છે. પ્રથમ પંચવર્ષીય યોજનામાં સરકાર દ્વારા 49,000 હેક્ટર ભૂમિમાં નવાં જંગલો ઉગાડવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. અહીંનાં જંગલોમાંથી ઇમારતી તથા બળતણી લાકડું મેળવાય છે. આ ઉપરાંત તે ખેતીનાં ઓજારો, પેટીઓ, રેલ-સ્લીપર, રાચરચીલું, હોડીઓ, હાર્ડબૉર્ડ, દીવાસળી વગેરેની બનાવટમાં વપરાય છે. વાંસના માવામાંથી કાગળ તથા સુંદરવનનાં જંગલોમાંથી મળતું ગેવાનું લાકડું અખબારના કાગળની બનાવટમાં ઉપયોગમાં લેવાય છે.

બાંગ્લાદેશમાં સાટલા(લિલીના ફૂલની એક જાત)ને રાષ્ટ્રીય પુષ્પ તરીકે માન્યતા મળેલી છે. અન્ય પ્રકારનાં પુષ્પોમાં કમળ, જાસ્મિન, ગંધરાજ (ગુલાબનો પ્રકાર), જાબ (ચીની ગુલાબ), બકુલ, ગલગોટો વગેરેનો સમાવેશ થાય છે. અહીં ઊગતાં આંબો, નાળિયેરી, તાડ, વાંસ, ફણસ, આમલી જેવાં વૃક્ષો ગ્રામજનોની જુદી જુદી જરૂરિયાતો પૂરી પાડે છે.

બાંગ્લાદેશ વિશાળ પાયે ડાંગરની કૃષિ કરતો એશિયા ખંડનો દેશ છે.
ડાંગરનાં વિશાળ ખેતરોનું એક ર્દશ્ય

આ દેશમાં આબોહવાની અનુકૂળતા તેમજ જળ અને વનસ્પતિની વિપુલતાને લીધે લગભગ 200 પ્રકારનાં સસ્તન પ્રાણીઓ, 150 પ્રકારનાં સરિસૃપો અને 750 પ્રકારનાં પક્ષીઓ જોવા મળે છે. સુંદરવનમાં વાઘની વસ્તી વધારે છે. ‘રૉયલ બેંગૉલ ટાયગર’ નામે ઓળખાતા અહીંના ‘વાઘ’ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તે નાનાં નાનાં પ્રાણીઓનો શિકાર કરે છે તો કોઈક વાર તે માનવભક્ષી પણ બને છે. ચિત્તો અહીંનું બીજું શિકારી પ્રાણી છે. સિલ્હટ તથા ચિતાગૉંગના ડુંગરાળ ભાગોમાં ભારતીય હાથીઓ ટોળામાં વિચરતા જોવા મળે છે. જંગલોમાંથી તેમને પકડીને વિવિધ ઉપયોગો માટે કેળવવામાં આવે છે. આ ઉપરાંત અહીં સ્લૉથ, હરણ, બારસિંગા, સાબર, શિયાળ, વાનર, નોળિયા અને સસલાં પણ વસે છે.

પક્ષીઓમાં મુખ્યત્વે બુલબુલ, લક્કડખોદ, ઘુવડ, સુઘરી, ગીધ, બગલાં વગેરે ઉલ્લેખનીય છે. વળી અહીં શિયાળો ગાળવા માટે કેટલાંક યાયાવર પક્ષીઓ પણ આવે છે.

પાલતુ પ્રાણીઓમાં બળદ, ભેંસ, ઘેટાં-બકરાં તેમજ મરઘાં-બતકાંનું પ્રમાણ વધારે છે. ભેંસોને અહીંની આબોહવા અનુકૂળ ન હોવા છતાં દુધાળાં પશુ તરીકે અહીં ભેંસોનું પાલન થાય છે. ગરીબ પ્રજા ઘેટાંબકરાં પાળે છે. તેમના ઉછેર માટે પ્રચુર વનસ્પતિ તથા આબોહવા વધુ માફક આવે છે. ખેતી તથા ભારવહનકાર્યમાં બળદો ઉપયોગી છે, પરંતુ હવે યાંત્રિક સાધનોને કારણે તેમનું મહત્વ ઘટતું જાય છે. તેમના માંસનો ખોરાકમાં ઉપયોગ થવા લાગ્યો છે. અહીં પ્રાણીઓની સંખ્યા વધુ હોવાથી તેમનાં માંસ અને ચામડાંની નિકાસ કરવામાં આવે છે.

આ દેશને મળેલાં આંતરિક જળસ્વરૂપો, નદીતળના વિસ્તારો તથા દરિયાકિનારો મત્સ્યઉછેર અને વિકાસની ઉત્તમ તક પૂરી પાડે છે. અહીં મીઠા તથા ખારા જળનાં માછલાંની 200 કરતાં પણ વધુ જાતો થાય છે. તેથી સરકારે મત્સ્ય-ઉદ્યોગના વિકાસની અનેક સુવિધાઓ ઊભી કરી છે. ચિતાગૉંગ બંદર નજીક એક મત્સ્યબારું વિકસાવ્યું છે, ત્યાં મત્સ્યપ્રક્રમણની અને તેની નિકાસની વ્યવસ્થા કરી છે. આથી મત્સ્યપ્રવૃત્તિને વેગ મળ્યો છે અને તેના ઉત્પાદનમાં વધારો થયો છે.

જમીનો, સિંચાઈ અને ખેતી : બાંગ્લાદેશમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની જમીનો આવેલી છે : બારિન્દ અને મધુપુર વિસ્તારમાં ઘેરા કથ્થાઈ રંગની માટી તથા કાંપયુક્ત જૂના કાંપની જમીનો છે. નવા કાંપની જમીનો પૂરનાં મેદાનોમાં જોવા મળે છે. તે કથ્થાઈ રંગની ચીકણી માટી, રેતી અને કાંપથી બનેલી છે, તેમાં ફૉસ્ફૉરિક ઍસિડ, નાઇટ્રોજન અને ભેજનું પ્રમાણ વિશેષ છે, પરંતુ તેમાં પૉટાશ અને કૅલ્શિયમ તત્વો ઓછાં છે. પહાડી જમીનો ગાઢ જંગલોના વિકાસ માટે ઉપયોગી છે. દેશમાંની નદીઓ દર વર્ષે ત્યાંની કુલ ભૂમિના 20 % ભાગની જમીનોનું ધોવાણ કરે છે. જમીનો પાણી સાથે ઘસડાઈ જાય છે.

બાંગ્લાદેશ ખેતીપ્રધાન હોવા છતાં અહીં ખેતી વરસાદ પર આધારિત છે. ક્યારેક ઓછા વરસાદને લીધે ખેતી પર અસર પહોંચે છે. આથી દુષ્કાળ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા કેટલીક સિંચાઈ-યોજનાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી સિંચાઈ ઉપરાંત પૂરનિયંત્રણ તથા જળવિદ્યુત-ઉત્પાદનના લાભો પણ મેળવી શકાય છે. અગ્નિ ભાગમાં આવેલી કર્ણફૂલી બહુહેતુક યોજના સૌથી મોટી છે. ઉત્તરમાં તિસ્તા બૅરેજ તથા ગંગા-કોબડાક યોજનાઓ છે; જેનાથી કુસ્તિયા, જેસોર અને ખુલના જિલ્લાઓને પાણીનો લાભ મળે છે અને તેથી વર્ષમાં બેથી ત્રણ પાક લઈ શકાય છે.

દેશની કુલ ભૂમિનો આશરે 23 હિસ્સો ખેતી હેઠળ છે. દેશની કુલ વસ્તીના લગભગ 75 % લોકો ખેતી-પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. સદીઓથી આ પ્રદેશની ભૂમિ ફળદ્રૂપ રહી છે. ડાંગર અને શણ અહીંના મુખ્ય કૃષિપાકો છે. ગૌણ પાકોમાં શેરડી, ચા, તમાકુ, કઠોળ, ફળો તથા નાગરવેલનાં પાનનો સમાવેશ થાય છે. દેશની ખેતીયોગ્ય કુલ જમીનો પૈકી 80 % થી 90 % જમીનોમાં ડાંગરની ખેતી થાય છે. ત્રણે ઋતુઓમાં ડાંગરનો પાક લેવાય છે. ભૌગોલિક પરિસ્થિતિ મુજબ શિયાળામાં અમન ચોખા, ઉનાળામાં ઓસ અને વસંતઋતુમાં બોરો જાતના ચોખા થાય છે. ઉત્તમ જાતના અમન ચોખાની પરદેશ ખાતે નિકાસ થાય છે, જ્યારે ઓસ અને બોરોનો ઉપયોગ સ્થાનિક પ્રજા વધુ પ્રમાણમાં કરે છે. આ ઉપરાંત ઘઉં, તુવેર, મગ, ચણા, મસૂર, વટાણા, વાલ વગેરેની ખેતી પણ અહીં મહત્વની ગણાય છે. પહાડી પ્રદેશોમાં મકાઈ અને બાજરીનું થોડા પ્રમાણમાં ઉત્પાદન લેવાય છે.

શણ એ અહીંનો સૌથી વધુ આર્થિક મહત્વ ધરાવતો વ્યાપારી પાક છે. દુનિયાભરમાં બાંગ્લાદેશ 80 % કાચા શણનું ઉત્પાદન કરે છે. દેશને તે સૌથી વધુ હૂંડિયામણ કમાવી આપે છે. દર વર્ષે જ્યાં નવો કાંપ જમા થયા કરતો હોય એવા ભેજવાળી આબોહવા ધરાવતા નદીકાંઠાના પ્રદેશોમાં શણની મબલક ખેતી થાય છે. આ સિવાય મુખત્રિકોણપ્રદેશો અને ઉચ્ચપ્રદેશની ફળદ્રૂપ હોય એવી જમીનોમાં પણ તેનો પાક લેવાય છે; પરંતુ આ પાક દર વર્ષે આ વિસ્તારોની જમીનોની ફળદ્રૂપતામાં ઘટાડો કરે છે. શણના પાકને વાવેતર સમયે સિંચાઈની ખૂબ જરૂર રહે છે. તેની વાવણી માર્ચથી મેના ગાળામાં અને કાપણી ઑક્ટોબરમાં થાય છે. શણના સાંઠા કાપ્યા પછી તેને પાણીમાં કોહવડાવવામાં આવે છે, જેથી તેના રેસા સરળતાથી છૂટા પાડી શકાય છે. તેની ખેતી પુષ્કળ માનવશ્રમ માગી લે છે. રેસાની ધોલાઈ માટે અહીં ગંગા-બ્રહ્મપુત્રનાં સ્વચ્છ-વિપુલ જળ ઉપલબ્ધ છે. નારાયણગંજ, સિરાજગંજ, ઉત્રાયા, દેવરા વગેરે શણ ઉત્પન્ન કરતાં મુખ્ય કેન્દ્રો છે. છેલ્લા દાયકાઓમાં શણનું ઉત્પાદન વધતું ગયું છે; પરંતુ સાથે સાથે પ્લાસ્ટિકનો વપરાશ વધતો ગયો હોવાથી તાજેતરનાં વર્ષોમાં તેનું મહત્વ પણ ઘટ્યું છે.

અહીં ચાની ખેતીને પણ સરકાર દ્વારા પ્રોત્સાહન અપાય છે. પહાડી ક્ષેત્રોમાં, ખાસ કરીને સિલ્હટમાં ચાની બાગાયતોનું પ્રમાણ વધારે છે. તે ઘરઆંગણાની માંગને પૂરી પાડે છે. ઢાકા, દિનાજપુર, રંગપુર, મયમનસિંગ વગેરે જિલ્લાઓમાં શેરડીની ખેતી થાય છે. કેળાં તથા કેરીની બાગાયતી ખેતી પણ એટલી જ મહત્વની છે. અહીંનાં કેળાં જગવિખ્યાત હોવાથી તેની નિકાસ થાય છે; આથી દેશને વિદેશી હૂંડિયામણનો લાભ પણ મળે છે. ઢાકા, ફરીદપુર, નોઆખલી, બારકગંજ વગેરે કેળાંનાં મુખ્ય ઉત્પાદક કેન્દ્રો છે; બાંગ્લાદેશમાં અનેક જાતની કેરી પણ થાય છે. રાજશાહી, બોગરા, દિનાજપુર અને રંગપુર કેરી માટેનાં મુખ્ય કેન્દ્રો છે. વળી અનેનાસ, સંતરાં, દ્રાક્ષ તથા અન્ય સ્થાનિક ફળોનું પણ અહીં ઉત્પાદન થાય છે. અન્ય કૃષિપાકોમાં બટાટા, તમાકુ, કપાસ, તેલીબિયાં, નાળિયેરી, કપૂરી પાન, વિવિધ પ્રકારનાં શાકભાજી વગેરેનો સમાવેશ થાય છે.

ખનિજો, શક્તિસંસાધનો અને ઉદ્યોગો : બાંગ્લાદેશમાં ખનિજોનું પ્રમાણ ખૂબ જ મર્યાદિત છે. અહીં ખાસ કરીને સમુદ્રકિનારેથી તેમજ સિલ્હટના હરિપુર, છાટક, કૈલાસટીંબા, રસીદપુર અને શાહીબજાર વિસ્તારોમાંથી કુદરતી વાયુ મળે છે. રાસાયણિક ખાતરો તથા તાપવિદ્યુત પેદા કરવામાં તેનો ઉપયોગ થાય છે. સિલ્હટ અને જમાલપુરમાં ઓછું ઉત્પાદન આપતી લિગ્નાઇટની ખાણો આવેલી છે. જેસોર નજીકથી ચૂનાખડક તથા દરિયાકાંઠેથી મીઠું મેળવાય છે. અહીંથી મીઠાની પરદેશ ખાતે નિકાસ કરવામાં આવે છે.

આ દેશમાં સંચાલન-સંસાધનો નહિવત્ છે, જેથી દેશને આયાતી કોલસા અને ખનિજ તેલ પર આધાર રાખવો પડે છે. દેશમાં કર્ણફૂલી તથા સિધિરાજ યોજનાઓ દ્વારા જળવિદ્યુત મેળવાય છે; પરંતુ તેનું ઉત્પાદન ઘણું ઓછું છે, તેનો ફાળો કુલ વીજઉત્પાદનના 15% જેટલો થવા જાય છે.

મોટા પાયા પરના ઉદ્યોગોનું પ્રમાણ આ દેશમાં ઓછું છે. તેમના દ્વારા માત્ર 7 % કાર્યશીલ વસ્તી રોજી મેળવે છે, પરંતુ મધ્યમ તથા નાના પાયા પરના ઉદ્યોગોનું પ્રમાણ વધારે છે. ઢાકા, ચિતાગૉંગ, ખુલના, નારાયણગંજ વગેરે મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો છે. દેશના અગત્યના ઉદ્યોગો નીચે પ્રમાણે છે :

(1) શણ-ઉદ્યોગ : ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે શણની મિલો ભારતમાં રહી અને શણ-ઉત્પાદક પ્રદેશો પૂર્વ પાકિસ્તાનમાં ગયા; પરંતુ તે પછીથી નારાયણગંજ, ખુલના, ચિતાગૉંગ, ઢાકા વગેરે કેન્દ્રોમાં શણની મિલોની સ્થાપના થઈ. આજે બાંગ્લાદેશમાં આ ઉદ્યોગના 30 જેટલા એકમો કાર્યરત છે. શણમાંથી બનતા માલની આંતરરાષ્ટ્રીય બજારમાંગ વધતી જાય છે.

આધુનિકતમ ભવ્ય ઇમારતોથી વિકસિત બાંગ્લાદેશનું પાટનગર ઢાકા

(2) સુતરાઉ-કાપડ ઉદ્યોગ : આ ઉદ્યોગ માટે રૂની આયાત કરવામાં આવે  છે. એક સમયે આ પ્રદેશ તેના બારીક અને મુલાયમ મલમલના કાપડ માટે દુનિયાભરમાં જાણીતો હતો. ખુલના, નારાયણગંજ, ઢાકા, તાન્ગાઇલ વિસ્તાર, નરસિંગડી, ચોઉમોહિની વગેરે આ ઉદ્યોગનાં મથકો છે અને આજે તેના 50 જેટલા એકમો છે. વર્તમાન સમયમાં પરદેશથી કૃત્રિમ યાર્ન મંગાવાય છે તેથી તેમજ આયાત થતું સુતરાઉ કાપડ સસ્તું અને ઉત્તમ કક્ષાનું હોવાથી આ ઉદ્યોગનો ઝાઝો વિકાસ થયો નથી. વળી ચિતાગૉંગમાં ગરમ કાપડની એક મિલ છે.

(3) ખાંડ-ઉદ્યોગ : દેશમાં શેરડીની ખેતી માટે જમીન અને આબોહવા બંને અનુકૂળ છે. વધતી જતી વસ્તીની માંગને લીધે ખાંડનું ઉત્પાદન ઉત્તરોત્તર વધતું જાય છે. આજે આશરે 15 જેટલી ખાંડની મિલો છે. રંગપુર, રાજશાહી, નારાયણગંજ, મયમનસિંગ, દિનાજપુર, દીવાનગંજ, ચંદ્રપુર વગેરે આ ઉદ્યોગનાં મુખ્ય મથકો છે.

(4) કાગળ-ઉદ્યોગ : આ ઉદ્યોગને માટે જરૂરી પોચું લાકડું, વાંસ, ડાંગરનાં ફોતરાં, શેરડીના કૂચા જેવો કાચો માલ તેમજ પાણી-પુરવઠો અને સસ્તો માનવશ્રમ અહીં ઉપલબ્ધ છે. અખબારી કાગળની સૌથી મોટી મિલ ચંદ્રઘોના ખાતે આવેલી છે. આ સિવાય છાટક, પાકસી, ખુલના, નારાયણગંજ વગેરે આ ઉદ્યોગનાં મુખ્ય મથકો છે. કાગળની નિકાસ દ્વારા આ ઉદ્યોગ દેશને વિદેશી હૂંડિયામણ કમાવી આપે છે.

(5) સિમેન્ટ-ઉદ્યોગ : સ્થાનિક જરૂરિયાતો પૂરી પાડતા આ ઉદ્યોગનાં બે મોટાં કારખાનાં છાટક ખાતે આવેલાં છે.

આ સિવાય ખેતીનાં સાધનો તથા યંત્રો, રસાયણો અને રાસાયણિક ખાતરો, કાચ, ઍલ્યુમિનિયમ, દીવાસળી, પેન્સિલ, હોઝિયરી, લાકડાં અને પ્લાયવુડ, સિગારેટ, પ્લાસ્ટિક, સિરૅમિક, વિદ્યુત અને ઇજનેરી સરસામાન, દવાઓ, માંસ તથા ચર્મોદ્યોગ, બેકરી અને મીઠાઈ, સાબુ અને ડિટર્જન્ટ, મશીન-ટૂલ્સ વગેરેનું ઉત્પાદન કરતાં કારખાનાં મોટાં નગરોની આસપાસ આવેલાં છે. ખુલનામાં વિશાળ શિપયાર્ડ ઊભું થયું છે તેમજ ચિતાગૉંગમાં પોલાદનું કારખાનું સ્થાપવામાં આવ્યું છે. ગ્રામ વિસ્તારની પ્રજા ગૃહઉદ્યોગો દ્વારા રોજીરોટી મેળવે છે. તેમાં સૂતર, કાથી અને નેતરમાંથી ઉપયોગી ચીજવસ્તુઓ તેમજ બીડી બનાવવાના ગૃહઉદ્યોગો મહત્વના છે.

પરિવહન, વ્યાપાર અને પ્રવાસન : આ દેશમાં સડકમાર્ગો, રેલમાર્ગો, નદીમાર્ગો અને હવાઈ માર્ગોનો વિકાસ સામાન્ય પ્રમાણમાં થયેલો છે. દેશના લગભગ મધ્યમાં ઉત્તરથી દક્ષિણ તરફ વહેતી બ્રહ્મપુત્ર નદીને લીધે પૂર્વ અને પશ્ચિમના જમીનમાર્ગોનું સંકલન થઈ શકતું નથી. નદીને ઓળંગવા માટે ‘ફેરી સર્વિસ’ ઉપયોગી બને છે. પરંતુ નદીઓમાં અવારનવાર આવતાં પૂર સડકમાર્ગોના બાંધકામમાં અવરોધ ઊભા કરે છે; એટલું જ નહિ, પણ તૂટી ગયેલા રસ્તાઓને દુરસ્ત કરાવવા માટે ખર્ચ વેઠવો પડે છે. આમ છતાં વિશ્વબૅંકની તક્નીકી આર્થિક સહાય વડે આ દેશમાં સડકમાર્ગોનો વિકાસ કરવામાં આવ્યો છે. આજે આ દેશ 8,230 કિમી. લાંબી પાકી; 2,332 કિમી. લાંબી અંશત: પાકી તથા 3,937 કિમી. લાંબી કાચી સડકો ધરાવે છે. પૂર્વ ભાગમાં આવેલી સડકો દ્વારા જમાલપુર, મયમનસિંગ, ઢાકા, સિલ્હટ, કોમિલ્લા, ચિતાગૉંગ વગેરે તેમજ પશ્ચિમ ભાગમાં આવેલી સડકો દ્વારા રંગપુર, બોગ્રા, રાજશાહી, ખુલના, જેસોર વગેરે વસાહતો સંકળાયેલી છે.

આ દેશમાં અનેક સ્થળે નદીનાળાં આવેલાં છે અને તેમના પર રેલવે-પુલ બાંધવાનો ખર્ચ આ ગરીબ દેશને પોષાય તેમ નથી. ભૂતકાળમાં અંગ્રેજોના સમયમાં વહીવટી હેતુ માટે મહત્વનાં સ્થળોને સાંકળતા જે રેલમાર્ગોનું બાંધકામ થયું હતું, તેમાં આજે ખાસ કોઈ ફેરફારો થયા નથી. ઈ. સ. 1986માં અહીં પહોળા માપ(બ્રૉડ ગેજ)ના રેલમાર્ગોની લંબાઈ 2,892 કિમી. જેટલી હતી. દેશના પશ્ચિમ ભાગમાં આ માપના રેલમાર્ગોનું પ્રમાણ વધારે છે, જે ખુલના, જેસોર, કુસ્તિયા, ફરીદપુર, રાજશાહી, બોગ્રા, રંગપુર, દિનાજપુર વગેરેને સાંકળે છે. મધ્યમ માપ(મીટર ગેજ)ના રેલમાર્ગો મુખ્યત્વે પૂર્વ ભાગમાં આવેલા છે અને તે લગભગ 1,913 કિમી.ની લંબાઈ ધરાવે છે. તે ઢાકા, મયમનસિંગ, સિલ્હટ, કોમિલ્લા, ચાંદપુર, ચિતાગૉંગ વગેરે સ્થળોને સાંકળે છે. અહીં નદી ઓળંગવા માટેના એક પણ કાયમી પુલનું નિર્માણ થઈ શક્યું નથી.

દેશમાં ડાંગર, ચોખા, શણ, માછલાં, ચામડાં તથા બીજી ચીજોને બંદર સુધી પહોંચાડવા માટે રેલમાર્ગોનો ઉપયોગ થાય છે. સામાન્ય પ્રજાને રેલમાર્ગે મુસાફરી કરવી મોંઘી પડે છે. આથી લોકો અવરજવર કરવા માટે મોટેભાગે જળમાર્ગોનો વધુ ઉપયોગ કરે છે. મુખ્યત્વે પદ્મા, બ્રહ્મપુત્ર અને મેઘના – આ ત્રણ નદીઓ અને તેના શાખાપ્રવાહો અહીં જળમાર્ગો તરીકે ઉપયોગી છે. દેશમાં જળમાર્ગોની લંબાઈ 8,000 કિમી. જેટલી છે. માનવ-અવરજવર તથા ચીજવસ્તુઓની હેરફેર માટે તે સસ્તા પડે છે. તેમાં નાની સ્ટીમરોની સેવાઓ ઉપલબ્ધ છે. તેમાં નારાયણગંજ–ચાંદપુર, ચાંદપુર–ગોવાલંદો, ગોવાલંદો–નારાયણગંજ, ઢાકા–બારીસા તથા બારીસા–લોહગંજ જળમાર્ગો મહત્વના છે. દેશમાં ઢાકા અને ચિતાગૉંગનાં હવાઈ મથકો આંતરરાષ્ટ્રીય સેવાઓ આપે છે. જેસોર, સિલ્હટ, કૉક્સ બજાર, કોમિલ્લા, શમશેરનગર, ઠાકુરગાંવ, ઈશ્વરદી વગેરે આંતરિક હવાઈ મથકો ધરાવે છે.

ચિતાગૉંગ આ દેશનું સૌથી મોટું અને મહત્વનું બંદર છે, તે કર્ણફૂલી નદીના મુખથી આશરે 17 કિમી. ઉપરવાસમાં આવેલું છે. ખુલના જિલ્લામાં ઉઓસર નદી પર સમુદ્રકાંઠાથી આશરે 125 કિમી. આંતરિક ભાગમાં ચાલના બંદર આવેલું છે. આ સિવાય અહીં કૉક્સ બજાર અને નોઆખલી – આ બે નાનાં બંદરો છે.

દેશનું શિપિંગ કૉર્પોરેશન 24 જેટલાં જહાજો ધરાવે છે. દેશનો વેપાર પ્રમાણમાં અસમતોલ છે. આયાત કરતાં નિકાસ-વ્યાપાર ખૂબ જ ઓછો છે. તે શણ, શણની બનાવટો, ચામડાં, ચા, માછલાં, કાગળ વગેરેની નિકાસ કરે છે. મોટેભાગે ચોખા, ઘઉં, ખનિજ તેલ અને તેની બનાવટો, વનસ્પતિ ઘી, રસાયણો, દવાઓ, લોખંડ, યંત્રો, વાહનો વગેરે તેની મુખ્ય આયાતો છે. ભારત, ઈરાની અખાતના દેશો, યુ.કે., યુ.એસ., જાપાન, ફ્રાન્સ, બેલ્જિયમ વગેરે તેના આંતરરાષ્ટ્રીય વ્યાપારના મુખ્ય ભાગીદારો છે.

ઢાકા, કૉક્સ બજાર, ચિતાગૉંગ વગેરે નગરો પ્રવાસીઓ માટેનાં આકર્ષણકેન્દ્રો બની રહ્યાં છે. કૉક્સ બજાર પાસે બંગાળના ઉપસાગરકાંઠે દુનિયાની સૌથી લાંબી (120 કિમી.) રેતાળ દરિયાઈ કંઠાર આવેલી છે. અહીં મોટાભાગના પ્રવાસીઓ ભારત, જાપાન, યુ.કે. અને યુ.એસ.થી આવે છે. ‘વિશ્વપ્રવાસન નિગમ’ના સહયોગથી આ ઉદ્યોગના વિકાસ માટે ‘પ્રવાસન માસ્ટર યોજના’(1990–2000)નું આયોજન કરવામાં આવેલું છે.

વસ્તી-વસાહતો : પ્રાચીન સમયમાં અહીં દ્રવિડો-આર્યન, તિબેટો-મૉંગોલિયન, ઇન્ડો-યુરોપિયન વગેરે જેવી મિશ્ર જાતિઓમાંથી ઊતરી આવેલા લોકો વસતા હતા. આઠમી સદીમાં મુસ્લિમ પ્રજાનો ઉમેરો થતાં શૂદ્ર જાતિના હિન્દુઓને ધર્મપરિવર્તન કરવું પડ્યું. ચિતાગૉંગના ડુંગરાળ ભાગોમાં વસતા કેટલાક આદિવાસીઓ બૌદ્ધ ધર્મ પાળે છે. અહીંની આદિવાસી જાતિઓમાં ચકમા, મારમા, ત્રિપરા, મ્રો, સંથાલ, ખાસી, ગારો, હજંગ, મુરંગ, લુસાઈ, રાજબંશી, કૂકી વગેરેનો સમાવેશ થાય છે. ટૂંકમાં બાંગ્લાદેશને પચરંગી જાતિઓના દેશની ઉપમાથી નવાજી શકાય.

ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે (1947) આ પ્રદેશની (પૂર્વ પાકિસ્તાનની) વસ્તી માત્ર 4 કરોડ જેટલી હતી, તે આજે વધીને 12.20 કરોડના આંકને આંબી ગઈ છે. તેની સરેરાશ વસ્તી-ગીચતા દર ચોકિમી.એ 822 વ્યક્તિઓની છે. પરિસ્થિતિ અનુસાર અહીં સ્થાનભેદે વસ્તી-ગીચતાના તફાવતો જોવા મળે છે. ડુંગરાળ તથા જંગલ-આચ્છાદિત પ્રદેશોમાં આ પ્રમાણ ઓછું છે. આ દેશની વિકટ સમસ્યા તેના વસ્તીવધારા અંગેની છે. તીવ્ર વસ્તીવધારા માટે ધર્મ તેમજ તબીબી સેવાઓને જવાબદાર માનવામાં આવે છે. અહીંના હિન્દુઓ કરતાં મુસ્લિમોમાં જન્મદર વધુ ઊંચો છે. હિન્દુ વિધવા પુનર્લગ્ન કરી શકતી નથી, જ્યારે મુસ્લિમ સ્ત્રી માટે તે અંગેની મનાઈ ન હોવાથી મુસ્લિમ વસ્તી દિનપ્રતિદિન વધતી રહે છે.

દેશમાં આશરે 85 % લોકો ઇસ્લામ ધર્મ, 14 % લોકો હિન્દુ ધર્મ તથા 1% લોકો ખ્રિસ્તી કે બૌદ્ધ ધર્મ પાળે છે. આ ઉપરાંત કૂકી, કૂમી અને મ્રો જાતિઓ પશુત્વવાદી છે.

દેશના 90 % લોકો બંગાળી ભાષાનો ઉપયોગ કરે છે. આદિવાસી લોકો તિબેટિયન-બર્મીઝ સ્થાનિક ભાષાઓ બોલે છે. અન્ય દેશો સાથેના વ્યવહારમાં ઉર્દૂ અને અંગ્રેજી વધુ વપરાય છે, ભારત સાથેના સરહદી ભાગોમાં હિન્દી બોલાય છે.

અંગ્રેજોના શાસન-સમયથી ચાલી આવતી શિક્ષણવ્યવસ્થામાં હજી કોઈ ખાસ ફેરફાર થયો નથી. અહીં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ – એમ ત્રણ તબક્કાઓમાં શિક્ષણ અપાય છે. દેશમાં શિક્ષણનું પ્રમાણ 36.6 % જેટલું છે. મુખ્ય યુનિવર્સિટીઓમાં ઢાકા યુનિવર્સિટી, રાજશાહી યુનિવર્સિટી, જહાંગીરનગર યુનિવર્સિટી, ખુલના ઇજનેરી યુનિવર્સિટી, ઇસ્લામિક યુનિવર્સિટી તથા ઓપન યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેશમાં ઇન્ડિપેન્ડન્ટ, નૉર્થ-સાઉથ, બિઝનેસ, કૃષિ ઍન્ડ ટેક્નૉલોજી-વિષયક આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી, યુનિવર્સિટી ઑવ્ સાયન્સ ટેક્નૉલોજી, ચિતાગૉંગ મહિલા યુનિવર્સિટી, ડુરાલ ઇસ્લામ યુનિવર્સિટી જેવી ખાનગી યુનિવર્સિટીઓ પણ છે.

બાંગ્લાદેશ દક્ષિણ એશિયામાં સૌથી ઓછું શહેરીકરણ પામેલો દેશ ગણાય છે. 80 % લોકો ગામડાંમાં વસે છે. દેશમાં આશરે 8,500 જેટલાં ગામડાં છે. ગીચ વસ્તીને કારણે વસાહતનો પ્રકાર પારખવાનું મુશ્કેલ બને છે. વર્ષાઋતુ દરમિયાન આવાસો ઊંચાઈવાળાં સ્થળો પર ઊભાં કરવામાં આવે છે. શહેરો તરફ જતા માર્ગોની બંને બાજુઓ પર ગામવસાહતો ઊભી થયેલી છે. પહાડી પ્રદેશોમાં વસાહતો છૂટીછવાઈ છે. ગીચ જંગલોમાં આવેલાં ગામડાંમાં વાંસનાં બે માળનાં ઝૂંપડાં જોવા મળે છે.

બાંગ્લાદેશમાં ઢાકા, ચિતાગૉંગ, ખુલના, નારાયણગંજ, મયમનસિંગ અને રાજશાહી મહાનગરો છે. ઢાકા આ દેશનું પાટનગર અને મહત્વનું ઔદ્યોગિક મથક છે. જૂના સમયમાં તે તેની બારીક મલમલ માટે જગવિખ્યાત હતું. આજે તે શણની અને સુતરાઉ કાપડની મિલો તથા ખાંડ, કાગળ અને કાચનાં કારખાનાં ધરાવે છે. વળી તે સોનાચાંદીની કારીગરી માટે પણ જાણીતું બનેલું છે. તે ભૂમિ, જળ અને હવાઈ માર્ગે દેશના આંતરિક ભાગો સાથે સંકળાયેલું છે. બાંગ્લાદેશનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ અહીં છે. ઢાકામાં મુસ્લિમ કલાનાં સ્થાપત્યો તથા યુનિવર્સિટી અને કૉલેજો આવેલાં છે. ચિતાગૉંગ એ દેશનું બીજા ક્રમે આવતું શહેર અને સૌથી મહત્વનું બંદર છે. દેશનો મોટાભાગનો આયાત-નિકાસ વેપાર ચિતાગૉંગ બંદરેથી થાય છે. આ શહેરમાં કાચ, લોખંડ-પોલાદનાં તથા યંત્રો બનાવવાનાં કારખાનાં આવેલાં છે. નારાયણગંજ એ હકીકતમાં તો ઢાકાનું જ બંદર છે. અહીંથી ગોવાલંદો અને સિલ્હટ સુધી સ્ટીમર-વ્યવહાર ચાલે છે. તે શણ, ચોખા અને માછલીઓનું મોટું બજાર ધરાવે છે. આ કેન્દ્ર મારફતે કાચા શણનો મોટો વ્યાપાર ચાલે છે. વળી તે સુતરાઉ કાપડ-ઉદ્યોગનું મુખ્ય મથક પણ છે. સુરમા નદી પર આવેલા સિલ્હટમાં ચાની બાગાયતો આવેલી છે. અહીં ફળફળાદિની ખેતીનું પણ ઘણું મહત્વ છે. આ ઉપરાંત ફરીદપુર, ખુલના, રંગપુર, ચાંદપુર, જેસોર, કોમિલ્લા, નોઆખલી, ચલના, બોગ્રા, દિનાજપુર વગેરે દેશની બીજી અગત્યની શહેરી વસાહતો છે.

ઇતિહાસ : બંગાળીભાષી લોકોનો આ પ્રદેશ સોળમી સદીમાં મુઘલ શહેનશાહ અકબરે જીતીને ત્યાં મુઘલ સત્તા સ્થાપી હતી. 1707 પછી મુઘલ સત્તા નબળી પડી એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ પ્રદેશમાં વેપારના હેતુથી પ્રવેશ કર્યો. 1764માં મુઘલ બાદશાહે અંગ્રેજો સાથે સંધિ કરી. વિધિસર બંગાળ અંગ્રેજોને સુપરત કર્યું. 1905માં લૉર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા અને પૂર્વ બંગાળ તથા અસમનો નવો પ્રાંત બનાવ્યો. હિન્દુ-મુસ્લિમ ઐક્ય પર તેની માઠી અસર થઈ.

1947માં ભારત–પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે ફરી વાર બંગાળનું પણ વિભાજન થયું. મુસ્લિમ વસ્તી ધરાવતા બંગાળના પ્રદેશો પાકિસ્તાનમાં ગયા. બંગાળના પૂર્વ ભાગમાં વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો વિસ્તાર પૂર્વ પાકિસ્તાન રૂપે અસ્તિત્વમાં આવ્યો. જ્યારે પશ્ચિમનો મુસ્લિમ વિસ્તાર પશ્ચિમ પાકિસ્તાન બન્યો. બંને વચ્ચેનું અંતર આશરે 1600 કિમી. જેટલું હતું. માત્ર હવાઈ માર્ગ દ્વારા જ તેમની વચ્ચે સંપર્ક શક્ય હતો.

સમગ્ર પાકિસ્તાનમાં પંજાબી મુસ્લિમોનું વર્ચસ્ પાકિસ્તાનના સર્જન સાથે જ વધતું રહ્યું હતું. તેમણે પૂર્વ પાકિસ્તાન એટલે કે પૂર્વ બંગાળનું શોષણ કરવા માંડ્યું. બંગાળી ભાષાની જગ્યાએ ઉર્દૂ ભાષાને પૂર્વ પાકિસ્તાનની પ્રજા પર લાદવામાં આવી. સરકારી નોકરીઓમાં પણ બંગાળી મુસ્લિમોને ગૌણ કક્ષાના ગણવામાં આવતા હતા. પૂર્વ બંગાળમાં પેદા થતા કાચા માલની કમાણીમાંથી પશ્ચિમ પાકિસ્તાનનું ઔદ્યોગિકીકરણ આરંભાયું. ટૂંકમાં, લશ્કર, સરકારી નોકરીઓ, ઉચ્ચ હોદ્દાઓ, ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓમાં પૂર્વ પાકિસ્તાન પ્રત્યે થતો ખુલ્લો અન્યાય વીસ વર્ષ સુધી ચાલ્યો.

પૂર્વ પાકિસ્તાનની 1970ની ચૂંટણીમાં શેખ મૂજિબુર્રહમાનના નેતૃત્વ હેઠળની અવામી લીગે બહુમતી મેળવી પરંતુ તેને પાકિસ્તાનની નૅશનલ એસેમ્બલીમાં કોઈ જ સ્થાન આપવામાં ન આવ્યું. પરિણામે વર્ષોથી અન્યાયમાં સબડતી પૂર્વ પાકિસ્તાનની પ્રજાએ 26 માર્ચ 1971ના રોજ મુક્તિ આંદોલનનો આરંભ કર્યો. પશ્ચિમ પાકિસ્તાનના લશ્કરી હાકેમોએ આ લડતને કચડી નાંખવા દમનનો કોરડો વીંઝ્યો. પરિણામે લગભગ એક કરોડ જેટલા નિરાશ્રિતો પોતાનો જીવ બચાવવા ભારતમાં આવ્યા. ભારતે પણ પૂર્વ પાકિસ્તાનની આઝાદીની લડતને ટેકો આપ્યો. આથી પાકિસ્તાને 3 ડિસેમ્બર 1971ના રોજ ભારત સામે યુદ્ધ જાહેર કર્યું. ભારતે યુદ્ધનો પડકાર ઝીલી લીધો. 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની દળોએ શરણાગતિ સ્વીકારી અને તે સાથે જ ‘બાંગ્લાદેશ’ નામથી તે સંપૂર્ણ સાર્વભૌમ રાજ્ય બન્યું. જાન્યુઆરી 1972માં શેખ મૂજિબુર્રહમાન તેના પ્રથમ વડાપ્રધાન બન્યા. 1975માં નવા બંધારણનો અમલ થતાં શેખ મૂજિબુર્રહમાન બાંગ્લાદેશના પ્રમુખ બન્યા. ઑગસ્ટ 1975માં ‘બાંગ્લાદેશ’માં લશ્કરી બળવો થયો. રાષ્ટ્રપતિ મૂજિબુર્રહમાન અને તેમનાં ચાર સગાંઓની લશ્કરી અધિકારીઓએ હત્યા કરી. 7 નવેમ્બર 1975ના રોજ મેજર જનરલ ઝિયા-ઉર-રહેમાને બાંગ્લાદેશમાં સત્તા કબજે કરી. 1977થી 1981 સુધી જનરલ ઝિયા-ઉર-રહેમાન બાંગ્લાદેશના પ્રમુખ રહ્યા. પરંતુ રાજ્ય-વહીવટમાં તેઓ નિષ્ફળ ગયા. પરિણામે 30 મે 1981ના રોજ તેમની હત્યા થઈ અને તેમના સ્થાને અબદુસ્સત્તાર પ્રમુખ બન્યા. ત્યારબાદ 1982માં લેફ. જન. એચ. એચ. ઇર્શાદે અબદુસ્સત્તારને પદભ્રષ્ટ કરી બાંગ્લાદેશમાં ફરી વાર લશ્કરી શાસનની સ્થાપના કરી.

ઇર્શાદે સરમુખત્યાર શાસક તરીકે થોડો સમય શાસન કર્યું. એ પછી સત્તા પર આવેલા કામચલાઉ પ્રમુખ શાહબુદ્દીન અહેમદે 1991ના ફેબ્રુઆરીમાં દેશમાં લોકશાહી ઢબે મુક્ત ચૂંટણી યોજી. આ ચૂંટણીમાં શેખ હસીનાનો પક્ષ ‘અવામી લીગ’ બિનસાંપ્રદાયિકતાને વરેલો હતો, જ્યારે બેગમ ખાલિદાનો ‘બાંગ્લાદેશ નૅશનલ પાર્ટી’ નામનો પક્ષ ઇસ્લામતરફી હતો. આ ચૂંટણીમાં બેગમ ખાલિદાએ બહુમતી મેળવી અને 20 માર્ચ 1991ના રોજ ‘બાંગ્લાદેશ’નાં પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં. 1996માં યોજાયેલ ચૂંટણીમાં બહુમતી મળતાં અવામી લીગનાં નેતા અને શેખ મૂજિબુર્રહમાનનાં પુત્રી શેખ હસીના વાઝેદ વડાંપ્રધાન બન્યાં.

‘બાંગ્લાદેશ’ પ્રાદેશિક સંગઠન ‘સાર્ક’નું સભ્યપદ ધરાવે છે.

બીજલ પરમાર

મહેબૂબ દેસાઈ