બાંગુઈ : મધ્ય આફ્રિકામાં આવેલા ‘સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક’ દેશનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 4° 22´ ઉ. અ. અને 18° 35´ પૂ. રે. તે દેશના છેક દક્ષિણ ભાગમાં ઝાયર અને કોંગો દેશો સાથેની તેની સરહદ નજીક આવેલું છે. આ ત્રણ દેશોની સરહદ પર અર્ધગોળાકાર વળાંક લેતી ઉબાંગી નદીના નૈર્ઋત્ય કાંઠે તે વસેલું છે. આ શહેરનું ‘બાંગુઈ’ નામ ઉબાંગી નદી પરથી પડેલું છે. તે દેશનું મહત્વનું વાણિજ્ય-કેન્દ્ર હોવા ઉપરાંત સાબુ, બિયર તેમજ અન્ય પીણાં, સિગારેટ, લાકડાં, ધાતુપેદાશોનું તથા વહીવટી કાર્યાલયો માટે જરૂરી યંત્રસાધનસામગ્રી જેવા નાના ઔદ્યોગિક એકમોનું મથક બની રહેલું છે. લાકડાં, કપાસ, સિસલ અને કૉફી જેવો દેશનો મોટાભાગનો નિકાસી વેપાર આ નદીબંદરેથી થાય છે.

વાણિજ્યિક ગૃહો અને સંકુલોથી વિકસિત બાંગુઈ નગરનો હાર્દભાગ

શહેરના વેપારી તથા ધંધાકીય વિભાગમાં જ અહીંના મોટાભાગના આવાસો તેમજ વ્યાવસાયિક કચેરીઓ આવેલાં છે. અહીંના ઘણાખરા નિવાસીઓ આધુનિક સ્થાપત્યશૈલીનાં મકાનોમાં રહેવાનું પસંદ કરે છે. રેલમાર્ગો અને સડકમાર્ગોની ગૂંથણી આ શહેરને પશ્ચિમ તરફ કેમેરુન, ઉત્તરમાં ચાડ અને ઈશાનમાં સુદાન જેવા પડોશી દેશો સાથે સાંકળી લે છે. આ શહેરને લાંબો જળમાર્ગ પણ મળ્યો છે.

ફ્રેન્ચોએ 1889માં બાંગુઈની સ્થાપના કરેલી. 1894માં તે ‘ઉબાંગી-શારી’ની નવી ફ્રેન્ચ ટેરિટરીનો એક ભાગ બન્યું. 1958માં આ ટેરિટરીને મર્યાદિત સ્વશાસિત સરકાર રચવા મંજૂરી મળી. તેથી ટેરિટરીને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક નામ અપાયું. 1960માં તેને સંપૂર્ણ સ્વાતંત્ર્ય મળ્યું છે. અહીં 1969માં બાંગુઈ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવેલી છે. આ શહેર રાષ્ટ્રીય કલાભવન (1966), સેનેરલ વૈજ્ઞાનિક અને ટૅકનૉલૉજિકલ સંશોધન સંસ્થાન, બોગાન્ડા સંગ્રહાલય તેમજ સેન્ટ પોલ સંગ્રહાલય માટે આજુબાજુના વિસ્તારમાં જાણીતું બનેલું છે. 1988 મુજબ બાંગુઈની વસ્તી 5,97,000 જેટલી છે.

નિયતિ મિસ્ત્રી