બાંકુરા : પશ્ચિમ બંગાળમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 38´થી 23° 38´ ઉ. અ. અને 86° 36´થી 87° 46´ પૂ. રે. વચ્ચેનો 6,882 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ઉત્તરે તથા ઈશાનમાં દામોદર નદી દ્વારા બર્ધમાન જિલ્લાથી અલગ પડે છે. તેના અગ્નિકોણ તરફ હુગલી જિલ્લો, દક્ષિણ અને નૈર્ઋત્ય તરફ મેદિનીપુર જિલ્લો તથા પશ્ચિમ તરફ પુરુલિયા જિલ્લો આવેલા છે. જિલ્લાનો આકાર સમદ્વિભુજ ત્રિકોણ જેવો છે અને તેનો શિખાગ્રભાગ વાયવ્ય તરફ છે.
ભૂપૃષ્ઠ : આ જિલ્લો પશ્ચિમે છોટાનાગપુરના પહાડી પ્રદેશ અને પૂર્વે નીચલી ગંગાના ત્રિકોણપ્રદેશનાં કાંપનાં મેદાનોની વચ્ચે આવેલો છે. આ વિસ્તાર ત્રણ ભૂરચનાત્મક પ્રદેશોમાં વહેંચાયેલો છે :
(1) પશ્ચિમનો પહાડી પ્રદેશ, (2) મધ્યનો અસમતળ પ્રદેશ અને (3) પૂર્વનો સમતળ (કાંપનો) મેદાની પ્રદેશ. પશ્ચિમ વિભાગ છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશનું પૂર્વીય વિસ્તરણ છે. અહીં ભૂપૃષ્ઠની અસમતળતાનું પ્રમાણ વધુ છે. વચ્ચે વચ્ચે છૂટી છૂટી ટેકરીઓ, ખીણો અને ડુંગરધારો પથરાયેલી છે. જિલ્લાના પશ્ચિમ છેડે 427 મીટર ઊંચાઈવાળી બિહારીનાથ અને 440 મીટર ઊંચાઈવાળી સુસુનિયા જેવી ટેકરીઓનું જૂથ આવેલું છે. પૂર્વનાં કાંપનાં મેદાનો ગીચ વસ્તીવાળાં વિષ્ણુપુર તથા સદર ઉપવિભાગોને આવરી લે છે. મધ્યનો અસમતળ વિભાગ આ બે પ્રદેશોના વચગાળાનાં લક્ષણો ધરાવે છે.
જળપરિવાહ : દામોદર, દ્વારકા (દ્વારકેશ્વર) અને કંગ્સાવતી (કંસાઈ) આ જિલ્લાની મુખ્ય નદીઓ છે. દામોદર આ પૈકીની સૌથી મોટી નદી છે, તે રામગઢથી 97 કિમી. પશ્ચિમે છોટાનાગપુરના પહાડી પ્રદેશમાંથી નીકળે છે. તેને બારાકાર, સલી અને બોદાઈ શાખાનદીઓ સહિત ઘણાં નદીનાળાં મળે છે. બીજા ક્રમે આવતી દ્વારકા પુરુલિયા જિલ્લાની તિલબાની ટેકરીઓમાંથી નીકળે છે. તેને શીલાવતી (સિલાઈ), બેરાઈ, ગંધેશ્વરી શાખાઓ મળે છે. કંગ્સાવતી પુરુલિયા જિલ્લાના ઝલ્દાના પહાડી પ્રદેશમાંથી નીકળે છે. આ ઉપરાંત કાના દામોદર, વૈરબબંકી તથા તારાફેની જેવી અન્ય નદીઓ પણ છે.
જંગલો : જિલ્લાનો જંગલ-વિસ્તાર 1,482 ચોકિમી. (કુલ ભૌગોલિક વિસ્તારના આશરે 21.54 %) જેટલો ભાગ આવરી લે છે; તે પૈકી રક્ષિત જંગલો 1,245 ચોકિમી. અને બિનવર્ગીકૃત રાજ્ય-જંગલો 150 ચોકિમી. વિસ્તાર ધરાવે છે.
ખેતી : જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે ગામડાંના લોકોની ખેતી-પ્રવૃત્તિ પર આધારિત છે, જિલ્લાના મોટાભાગના લોકોનો જીવનનિર્વાહ ખેતી પર નભે છે. ખાદ્યાન્ન માટેનો ખેતી-ઉત્પાદન-વિસ્તાર 384 હજાર હેક્ટર જેટલો છે; તે પૈકીના મુખ્ય કૃષિપાકો ડાંગર અને ઘઉં અનુક્રમે 357 હજાર હેક્ટરમાં અને 17.4 હજાર હેક્ટરમાં લેવાય છે. શેરડી અને મકાઈ અહીંના અન્ય કૃષિપાકો છે. દામોદર ખીણયોજના તથા કંગ્સાવતી નહેર યોજનામાંથી જમીનોને સિંચાઈની સુવિધા મળી રહે છે. આ ઉપરાંત, 64 પાતાળકૂવા દ્વારા તેમજ નદીઓના સીધેસીધા જળ દ્વારા 124 સ્થાનોને પણ સિંચાઈ મળી રહે છે. ભેંસો, ઘેટાં અને ડુક્કર અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. જિલ્લામાં કૃષિશિક્ષણસંસ્થાઓ પણ આવેલી છે.
ઉદ્યોગો-વેપાર : આ જિલ્લામાં કોલસા સિવાય વ્યાપારી ધોરણે અગત્યનાં ગણી શકાય એવાં ખનિજો મળતાં નથી. ચિનાઈ માટી, લોહ અને તાંબાનાં અયસ્ક, વુલ્ફ્રેમાઇટ, અબરખ તેમજ ચૂનાખડકો મર્યાદિત પ્રમાણમાં મળે છે. વળી આ જિલ્લો ખેતીપ્રધાન હોવાથી મોટા પાયા પરના ઉદ્યોગોનો વિકાસ થયો નથી. અહીં પરંપરાગત ચાલ્યા આવતા રેશમ-વણાટ, ટસર, રેસાઓ જેવા નાના પાયા પરના ઔદ્યોગિક એકમો આવેલા છે. ધોતી, સાડી વગેરે જેવા જૂના સુતરાઉ કાપડનું વણાટકામ હજી ચાલુ છે. તેનું વેચાણ રાજ્ય હૅન્ડલૂમ વિકાસ નિગમ મારફતે થાય છે. પિત્તળનાં ઘડતર અને ભરતરનાં વાસણોનું, માટીનાં વાસણોનું તથા ટેરાકોટા પેદાશોનું કામ ચાલે છે. લાખ અને શંખલાનું કામ જૂના વખતમાં ધમધોકાર ચાલતું હતું તે હવે મંદ પડી ગયું છે; પરંતુ રાજ્ય સરકાર તેના પુનર્વિકાસ માટે પગલાં લઈ રહી છે. જિલ્લાભરમાં સરકારી દફતરે નોંધાયેલાં એવાં કુલ 73 જેટલાં કારખાનાં આવેલાં છે, તે પૈકી 42 ચોખાની મિલો છે તથા 16 ખાદ્ય તેલો(સરસિયું, સિંગતેલ અને તલતેલ)નાં કારખાનાં છે.
આ જિલ્લામાં ચોખા, ઘઉં, કઠોળ તથા રેસાઓ જેવી પેદાશોની નિકાસ થાય છે; જ્યારે શેરડીની પેદાશોનું જિલ્લામાં વેચાણ થાય છે. સરસિયું, તમાકુનાં પાન, શાકભાજી, લાખની પટ્ટીઓ, રેશમની ચીજવસ્તુઓની, સુતરાઉ કાપડવણાટની પેદાશો અને પિત્તળની ચીજવસ્તુઓનો વેપાર થાય છે.
પરિવહન : આ જિલ્લો ઈશાનમાં દુર્ગાપુર તથા પશ્ચિમમાં જમશેદપુર જેવાં લોહપોલાદ-નગરોની વચ્ચેના ભાગમાં આવેલો છે. હુગલી નગરજૂથ પણ તેના અગ્નિકોણમાં આવેલું છે. આ રીતે તે મોકાનું સ્થાન ધરાવે છે. આ જિલ્લો બર્ધમાન જિલ્લા સાથે તેમજ ગ્રાન્ડ ટ્રન્ક રોડ સાથે સંકળાયેલો છે. અહીંના મુખ્ય ધોરીમાર્ગો પૈકી બાંકુરા–રાણીબંધ માર્ગ (56.3 કિમી.), બાંકુરા–તાલડાંગરા માર્ગ (22.5 કિમી.), તાલડાંગરા–બંસા માર્ગ (37 કિમી.), બાંકુરા–ઇન્ડસ માર્ગ (64.4 કિમી.) અને સિમાલાપાલ–સારંગા–બામન્દીઘાટ માર્ગ (32.2 કિમી.) વિશેષ ઉલ્લેખનીય છે. ભારતમાં રેલમાર્ગો શરૂ થયા પછી લગભગ 50 વર્ષ બાદ ઈ. સ. 1900માં દક્ષિણ-પૂર્વીય રેલવિભાગનો ખડગપુર–પુરુલિયા રેલમાર્ગ શરૂ થયો; 75 કિમી.ની લંબાઈનો આ રેલમાર્ગ જિલ્લાની વાયવ્યમાં આવેલા આમદીહાને છેક દક્ષિણના પિયરદોબા સાથે જોડે છે. દામોદર, સલી, દ્વારકેશ્વર, શીલાવતી અને કંગ્સાવતી જેવી નદીઓ વરસાદની મોસમમાં ત્રણ-ચાર માસ માટે જળમાર્ગો તરીકે ઉપયોગી બની રહે છે.
પ્રવાસન : જિલ્લામાં ઘણાં પ્રવાસયોગ્ય સ્થળો આવેલાં છે. વિષ્ણુપુર વિસ્તારના અવન્તિકા ગામમાં આવેલું ઊંચી પીઠિકા પરનું નવ મજલાવાળું અજોડ ગણાતું ‘નવરત્ન રાસમંચ’ મંદિર ભારતભરમાં માત્ર અહીં જ જોવા મળે છે. આ જ વિસ્તારના ધારાપત ગામમાં ઓરિસા શૈલીનું શિખરમઢ્યું મંદિર તથા દિહાર ગામમાં શૈલેશ્વર અને શદેશ્વરનાં લૅટેરાઇટ પથ્થરમાંથી બાંધેલાં બે શિવમંદિરો પણ આવેલાં છે. ઑન્ડા વિસ્તારના બહુલરા ગામમાં ઈંટોમાંથી બનાવેલું સિદ્ધેશ્વરનું વિશાળ મંદિર તથા બિક્રમપુર ગામમાં વિષ્ણુપુરના મલ્લા રાજાએ 1659માં લૅટેરાઇટમાંથી બનાવેલું ગોપાલમંદિર આવેલાં છે. બરજોરા વિસ્તારના બેલિયાતોરા ગામમાં ધર્મપૂજન પીઠ આવેલી છે. ધર્મરાજ મંદિરમાં કાષ્ઠના સિંહાસન પરની ધર્મરાજની મૂર્તિ જોવાલાયક છે. સાલતોરા વિસ્તારના વાયવ્ય ભાગમાં જંગલ-આચ્છાદિત બિહારીનાથ ટેકરી પરનાં મંદિરોની દીવાલો પર પાર્શ્વનાથનાં દર્શન કરી શકાય છે, વળી અહીં પાષાણનિર્મિત બાર ભુજાવાળી વિષ્ણુ ભગવાનની મૂર્તિ પણ છે. સોનામુખી વિસ્તારના પાંચાલ ગામનું શિવમંદિર તથા બાંકુરા વિસ્તારના એકતેશ્વર ગામનું એકતેશ્વરનું મંદિર આ જિલ્લામાં વિશેષ જાણીતાં છે. અહીં ઘણા શૈવમાર્ગી ભાવિક ભક્તો શિવદર્શન માટે અચૂક આવે છે. બરજોરા વિસ્તારના ગુટગાર્ય ગામમાં ઓરિસા શૈલીનું ભવ્ય પાષાણમંદિર આવેલું છે. તે પુરાતત્ત્વીય મહત્ત્વ ધરાવતું હોવાથી ભારતના પુરાતત્ત્વ ખાતા તરફથી આરક્ષિત છે.
આ ઉપરાંત, અહીંનાં વિવિધ સ્થળોએ શાંતિનાથ શિવમંદિર, ભુવનેશ્વર શિવમંદિર, મલ્લેશ્વર, મદનગોપાલ, મદનમોહન, રાધામહાદેવ, વિષ્ણુપુરનું શ્રીધર મંદિર પણ મહત્વનાં છે. કંગ્સાવતી અને તેની શાખાનદીઓ પરનાં બંધસ્થાન, જયરામવતી ખાતે આવેલું રામકૃષ્ણ પરમહંસનાં પત્ની શારદામણિદેવીનું જન્મસ્થાન તો 439.5 મીટર ઊંચાઈ ધરાવતું સુસુનિયા શિખર અહીંનાં જોવાલાયક સ્થળો ગણાય છે. આ જિલ્લામાં ઘણા મેળા ભરાય છે તેમજ વાર-તહેવારો ઊજવાય છે.
વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 28,05,065 છે, તે પૈકી 14,37,515 પુરુષો અને 13,67,550 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 25,72,587 અને 2,32,478 જેટલું છે. ધર્મના ધોરણે વસ્તીનું વર્ગીકરણ કરીએ તો હિન્દુઓ : 24,44,545; મુસ્લિમ : 1,86,021; ખ્રિસ્તી; 2,824; શીખ : 64; બૌદ્ધ : 42; જૈન : 1,953; અન્યધર્મી : 1,69,432 તેમજ ઇતર 183 છે. જિલ્લામાં બોલાતી મુખ્ય ભાષાઓ બંગાળી અને હિન્દી છે. જિલ્લામાં શિક્ષિતોનું પ્રમાણ 12,16,674 છે; તે પૈકી 8,00,559 પુરુષો અને 4,16,115 સ્ત્રીઓ છે તથા ગ્રામીણ અને શહેરી શિક્ષિતોની સંખ્યા અનુક્રમે 10,68,741 અને 1,47,933 જેટલી છે. જિલ્લાભરમાં એક કે બીજા પ્રકારની તબીબી સેવાઓની વ્યવસ્થા છે. 1902થી અહીં મેથડિસ્ટ દેવળ દ્વારા કુષ્ઠરોગીઓનું ચિકિત્સાલય ચાલે છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 20 પોલીસમથક-વિસ્તારોમાં વહેંચેલો છે. આ જિલ્લામાં 7 નગરો તથા 3,824 (258 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : જિલ્લાનું નામ બાંકુરા નગર પરથી અપાયેલું છે. 1779ના રેનલના નકશા અનુસાર અહીં બાંકુરાહ નામનું નાનકડું ગામ હતું. વિવિધ સત્તાવાર લખાણોમાં તે ‘બાંકુડા’ અથવા ‘બાંકુરાહ’ તરીકે જોવા મળે છે. ઓ’ મલ્લેય તેના માહિતીગ્રંથ(Gazetteer)માં જણાવે છે કે ‘બાંકુરા’ નામ અહીંની સ્થાનિક પરંપરા મુજબ બાંકુરાયના નામ પરથી પડેલું છે. એક લોકવાયકા પ્રમાણે વિષ્ણુપુરના રાજા બીર હમ્બીરના પુત્ર બીર બાંકુરાના નામ પરથી આ નગરને નામ અપાયેલું છે. તેણે તેના 22 પુત્રોને માટે તેના સામ્રાજ્યને 22 મંડળોમાં વહેંચી નાખેલું. ઓ’ મલ્લેય બીજો પણ એક એવો મત દર્શાવે છે કે બાંકુરા નામ પાંચ તળાવો ધરાવતા બનકુંડનું અપભ્રંશ સ્વરૂપ હશે. બાંકુરાના ખ્યાતનામ વિદ્વાન જોગેશચંદ્ર રાય વિદ્યાનિધિના અભિપ્રાય મુજબ આ સ્થળનું નામ આ નગરથી બહાર 3 કિમી. અંતરે આવેલા એકતેશ્વરના પ્રખ્યાત શિવમંદિરના વાંકા લિંગ પરથી પડેલું છે. તેઓ એમ પણ જણાવે છે કે વામ અને કુંડ જેવા બે શબ્દો ભેગા કરીને બનેલા વામકુંડનું તે અપભ્રંશ છે. સુનીતિકુમાર ચૅટરજી એ મતના છે કે ‘બાંકુરા’ એ સંસ્કૃત શબ્દ ‘વક્ર’ (પ્રાકૃત ‘વક્કા’, તેમાંથી ‘વાંકા’) પરથી ઊતરી આવ્યો હોવો જોઈએ અને સમય જતાં ‘બાંકા’ અથવા ‘વાંકા’ અથવા ‘બાંકુ’ થયું હશે. અગાઉના વખતમાં આ પ્રદેશ મલ્લભૂમ નામના સામ્રાજ્યની આણ હેઠળ હતો, ત્યારે વિષ્ણુપુર ખાતે તેની રાજધાની હતી. હિન્દુ સંસ્કૃતિના કેન્દ્ર તરીકે આ પ્રદેશ લાંબો વખત રહેલો.
બાંકુરા (શહેર) : આ શહેર ધાલેશ્વરી (ધાલકિશોર) નદી નજીક ઉત્તર તરફ આવેલું છે. ભૌગોલિક સ્થાન : 23° 17´ ઉ. અ. અને 87° 05´ પૂ. રે. તે સડકમાર્ગ અને રેલમાર્ગના જંક્શન પર આવેલું હોવાથી તેનો વિકાસ થયેલો છે. અહીં ડાંગર અને તેલીબિયાં છડવાની મિલો આવેલી છે. સુતરાઉ કાપડનું વણાટકામ તેમજ ધાતુનાં વાસણો પરનું નકશીકામ પણ થાય છે. તે ખેતીની પેદાશોનું વિતરણમથક પણ છે. આ ઉપરાંત અહીં રેલ-વર્કશૉપ તેમજ બર્દવાન યુનિવર્સિટી-સંલગ્ન પાંચ કૉલેજો આવેલાં છે, તેમાં તબીબી કૉલેજનો પણ સમાવેશ થાય છે. કૃષિ-ઉત્પાદનથી સમૃદ્ધ પીઠપ્રદેશ તેમજ ખ્રિસ્તી મિશનરી સંસ્થા આ શહેરના વિકાસ માટે કારણભૂત ગણાય છે. આ શહેરની વસ્તી 1,14,927 (1991) છે.
નિયતિ મિસ્ત્રી
ગિરીશભાઈ પંડ્યા