બહેલ, હંસરાજ (જ. 19 નવેમ્બર 1916, બ્રિટિશ પંજાબ; અ. 20 મે, 1984) : પોતાની કેડી જાતે જ કંડારનાર સંગીતકાર.
જમીનદાર પિતાના પુત્ર હંસરાજ બહેલે સંગીતનું પ્રાથમિક શિક્ષણ પંડિત ચુનીલાલ પાસેથી લીધું હતું. શાસ્ત્રીય સંગીતની સઘન તાલીમ પંડિત આચાર્ય ચિરંજીવીલાલ (જિજ્ઞાસુ) પાસે લીધી હતી. લાહોરમાં તેમણે સંગીતશાળાની શરૂઆત કરી અને એચ.એમ.વી. માટે કેટલીક બિન-ફિલ્મી ગ્રામોફોન રેકૉર્ડ બહાર પાડી હતી. 1944માં સંગીતકાર તરીકે કારકિર્દી જમાવવા હંસરાજ તેમના ભાઈ ગુલશન બહેલ સાથે મુંબઈ આવ્યા. ચુનીલાલ બહેલે તેમની ઓળખાણ લોકપ્રિય કલાકાર પૃથ્વીરાજ કપૂર સાથે કરાવી. ઘણી મહેનત પછી તેમને 1946માં અરદેશર ઈરાનીની ફિલ્મ ‘પૂજારી’માં સંગીતકાર તરીકે કામ મળ્યું. 1947ની ફિલ્મો ‘લાખો મેં એક’ અને ‘છીન લે આઝાદી’થી શ્રી હંસરાજ સફળ સંગીતકાર તરીકે ઊભરી આવ્યા. ‘છીન લે આઝાદી’ ફિલ્મ ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યની વાર્તા ‘દરિયાલાલ’ પર આધારિત હતી. આ જ ફિલ્મનું ‘મોતી ચુગને ગઈ રે હંસી’ પ્રખ્યાત થયું. પંજાબી ફિલ્મ ‘લચ્છી’માં હંસરાજે લતાજી પાસે ગવડાવેલ પહેલું ગીત ‘નાલે લમ્મી તે નાલે કાલી’ સંગીતપ્રેમીઓને ખૂબ ગમેલું. 1948માં આવેલ ‘ચુનરિયાં’ ફિલ્મના ‘સાવન આયા’ ગીતને આશા ભોસલે પાસે ગવડાવી હંસરાજે હિંદી ફિલ્મ ઉદ્યોગને મધુર ગાયિકાની ભેટ આપી. આ જ ફિલ્મમાં લતાજીએ ગાયેલ ‘દિલ એ નાશાદ કો જીને કી હસરત હો ગઈ’ ગીતે હંસરાજને અગ્રણી સંગીતકારોની હરોળમાં મૂકી દીધા. 1949માં ‘ચકોરી’, ‘રાત કી રાની’, ‘ઝવેરાત’ વગેરે ફિલ્મો આવી. ચકોરીનાં ગીતોમાં ‘હાયે ચંદા ગયે પરદેસ’ ગીતથી હંસરાજને ખૂબ લોકપ્રિયતા મળી. રફીસાહેબે ગાયેલ ‘જિન રાતોં મેં નીંદ ઉડ જાતી હૈ’ ગીત ભારતભરમાં પ્રખ્યાત થયું. 1950-51માં લતાજી, ગીતા દત્ત અને સુરૈયાના અવાજમાં એટલાં કર્ણપ્રિય ગીતો ગવડાવ્યાં કે ફિલ્મ રજૂ થતાંની સાથે જ ખૂબ લોકપ્રિય બની ગયાં. 1952માં તેમણે મધુબાલા ઝવેરી પાસે ‘દિલ મેરે તેરા દિવાના’ (અપની ઇજ્જત) ગવડાવ્યું અને મધુબાલાને ફિલ્મઉદ્યોગમાં સુરીલી ગાયિકા તરીકે ઓળખ અપાવી. તલત મહેમૂદે ફિલ્મ ‘દોસ્ત’(1954)માં ગાયેલ ગીતોમાં બહેલનાં અદભુત સંગીતસર્જનની અસર સ્પષ્ટ વર્તાય છે. ફિલ્મો ‘રાજધાની’ (1956), ‘ચંગીઝખાન’ (1957), ‘મિસ બૉમ્બે’ (1957) વગેરેનાં ગીતો દ્વારા હંસરાજનું નામ દરેક સંગીતપ્રેમીના હોઠ પર રમતું થઈ ગયું. ‘ચંગીઝખાન’નું રાગ સોહની આધારિત ‘મહોબ્બત જિંદા રહતી હૈ’ (ગાયક – રફીસાહેબ) યાદગાર રચના હતી. 1960 સુધી હંસરાજ સફળતાનાં એક પછી એક સોપાન સર કરતા રહ્યા, પણ એ પછી તેમની આવેલ સ્ટંટ ફિલ્મો અને કાલ્પનિક વિષયવસ્તુવાળી ફિલ્મોમાં કર્ણપ્રિય સંગીતસર્જનનો અવકાશ ઓછો રહ્યો. તેમનું છેલ્લું સુપરહિટ ગીત કે જે તેમનું અણમોલ સર્જન રહ્યું તે ‘જહાં ડાલ ડાલપે સોનેકી ચિડિયા કરતી હૈ બસેરા’ (સિંકદરે આઝમ, 1965). હંસરાજે ‘જુગ્ની’, ‘ભંગડા’, ‘શેરની’ જેવી લગભગ 26 પંજાબી ફિલ્મો અને 60 જેટલી હિંદી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.
બીજલ બુટાલા
