બહમની સ્થાપત્યકલા

April, 2023

બહમની સ્થાપત્યકલા : 14મી–16મી સદી દરમિયાન દખ્ખણમાં બહમની સુલતાનોએ કરાવેલાં સ્થાપત્યોમાં પ્રગટ થયેલી ભારત અને વિદેશી કલાનું સમન્વિત રૂપ. બહમની રાજ્યો(ગુલબર્ગ, બિજાપુર, બીડર, દૌલતાબાદ)માં ઇજિપ્ત, ઈરાન તથા પશ્ચિમ એશિયાના દેશોમાંથી અનેક લોકો આવી વસ્યા હતા. તેમાં કેટલાક કારીગરો અને શિલ્પીઓ પણ હતા. તેમની મારફતે ઈરાન, ઇજિપ્ત, તુર્કસ્તાન વગેરે દેશોની કલા-પરંપરાઓ પણ આવી. બીજી બાજુ તેમાં સ્થાનિક હિંદુ કલાનાં તત્વો પણ ભળ્યાં. આથી અહીં એક સમન્વિત કલાશૈલીનો જન્મ થયો.

બહમની શૈલીની ઇમારતોમાં આ સમન્વિત સ્વરૂપ જોવામાં આવે છે. જોકે એમાં ઈરાની તત્વોનું પ્રભુત્વ સ્પષ્ટ વરતાય છે. ભારતના અન્ય પ્રદેશોની ઇમારતોની તુલનામાં અહીંની ઇમારતોના ઘુંમટ વિશાળ છે. ઇમારતો ઊંચી પીઠ પર બનેલી છે. તેની દીવાલો સપાટ છે. તોરણદ્વારો પરના મહેરાબોની સજાવટ મનોહર છે. સજાવટમાં ફૂલ, પાન અને કળીઓનાં રૂપાંકન વિશેષ થયેલાં છે.

14મી–15મી સદી દરમિયાન ગુલબર્ગમાં થયેલા મોટા ભાગના સુલતાનોએ નવાં શહેરો વસાવી તેમને ધાર્મિક અને સાર્વજનિક ઉપયોગની ઇમારતોથી સજાવ્યાં. 15મી સદીના  અંતમાં બહમની રાજ્યનું પાંચ રાજ્યોમાં વિભાજન થયું ત્યારે દરેક રાજ્યે પોતાના વિસ્તારમાં સરસ ઇમારતો કરાવી હતી. બહમની શૈલીની ઇમારતોમાં ગુલબર્ગ અને બીડરની જામે મસ્જિદો આદર્શ નમૂનારૂપ છે. ગુલબર્ગની મસ્જિદમાં ચોક(શાન)નો અભાવ છે છતાં તેનાં બધાં અંગો (મિંબર, મહરાબ, લિવાન, હુજ્ર વગેરે) સપ્રમાણ થયેલાં છે. અહીંના ફિરોજશાહના મકબરા પર હિંદુ કલાનો વિશેષ પ્રભાવ જણાય છે. મુઝાહિદશાહ અને દાઉદશાહના મકબરા પ્રભાવશાળી છે. બિજાપુરમાંનો મોહમ્મદ આદિલશાહનો મકબરો દક્ષિણી સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂનારૂપ ગણાય છે. આ ઇમારત ગોળ ગુંબજ તરીકે પ્રસિદ્ધ છે. તેની રચના અને વિન્યાસમાં તુર્કી તત્વોની પ્રધાનતા જોવા મળે છે. બીડરની ઇમારતોમાં સોલા મસ્જિદ અને અહમદશાહ વલીના મકબરામાં પણ તુર્કી શૈલીનું અનુકરણ થયેલું છે. મહમૂદ ગવાંએ બંધાવેલાં વિદ્યાલયોમાં ઈરાની શૈલી નજરે પડે છે. દૌલતાબાદનો ‘ચાંદ મિનાર’ બહમની શૈલીના મિનારાનો સુંદર નમૂનો છે.

પ્રવીણચંદ્ર પરીખ