બહમની રાજ્ય (1347–1527) : ભારતમાં અલાઉદ્દીન બહમનશાહે દખ્ખણમાં સ્થાપેલું સ્વતંત્ર રાજ્ય. દિલ્હીના સુલતાન મોહમ્મદ તુગલુકની જુલમી નીતિ સામે દખ્ખણના અમીરોએ 1345માં બળવો કરી, શાહી સૈન્યને શિકસ્ત આપી દૌલતાબાદનો કિલ્લો કબજે કર્યો. તેમણે અફઘાન અમીર ઇસ્માઈલ મુખને દખ્ખણનો શાસક નીમ્યો. તેણે વધારે યોગ્યતા ધરાવતા અમીર હસનને સત્તા સોંપી. 1347માં તેને સુલતાન તરીકે અમીરોએ માન્યતા આપી. અમીર હસને ઈરાનમાં થઈ ગયેલા વીર બહમનના વંશજ હોવાનો દાવો કરી, ‘અલાઉદ્દીન બહમનશાહ’નો ખિતાબ ધારણ કરી, પોતાના વંશનું નામ બહમની વંશ રાખ્યું. તેણે ગુલબર્ગમાં પાટનગર રાખ્યું, વિરોધીઓને દબાવી દીધા અને ભવ્ય ઇમારતો બાંધી પાટનગરને શણગાર્યું. તેણે હિંદુ રાજાઓના પ્રદેશો જીતી ગોવા, દાભોળ, કોલ્હાપુર અને તેલંગાણામાં સત્તા સ્થાપી. જીત દરમિયાન મેળવેલ સંપત્તિમાંથી તેણે લશ્કરને શક્તિશાળી બનાવ્યું. શિક્ષણસંસ્થાઓ સ્થાપી. ફારસી ભાષાને દખ્ખણમાં ઉત્તેજન આપ્યું. લશ્કરી સેવાના બદલામાં ગેર-મુસ્લિમો પાસેથી લેવાતો જજિયાવેરો બંધ કરનાર તે પ્રથમ સુલતાન હતો. તેના પુત્ર મોહમ્મદશાહે બહમની રાજ્યનો પાયો મજબૂત કર્યો હતો. સુલતાન મોહમ્મદશાહ ઇસ્લામ પ્રત્યે વધુ આસક્તિ ધરાવતો અને તેથી તેના શાસનકાળમાં પાંચ લાખ જેટલા હિંદુઓની કતલ કરાવી હતી. તેણે વિજયનગરના હિંદુ રાજાઓ સાથે ઘણાં યુદ્ધો કર્યાં હતાં. સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને તેણે વહીવટમાં સુધારો કર્યો. તેનું પાટનગર ઇસ્લામની વિદ્યા અને જ્ઞાનનું કેન્દ્ર બન્યું.
આ વંશના અન્ય સુલતાનોમાં અલાઉદ્દીન મુજાહિદશાહ, મોહમ્મદશાહ બીજો, તાજુદ્દીન ફીરોજશાહ, અહમદશાહ પ્રથમ, અલાઉદ્દીન અહમદશાહ બીજો, હુમાયૂનશાહ નિઝામશાહ, મોહમ્મદશાહ ત્રીજો જેવા નિર્બળ ઉત્તરાધિકારીઓ થઈ ગયા, જેમાં મોહમ્મદશાહ બીજો રચનાત્મક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઊંડો રસ ધરાવનાર પ્રથમ બહમની સુલતાન હતો; જ્યારે તાજુદ્દીન ફીરોજશાહ બ્રાહ્મણોને મહત્વના હોદ્દા આપનાર પ્રથમ સુલતાન હતો. અલાઉદ્દીન અહમદશાહ બીજાએ સંગમેશ્વરના હિંદુ રાજાની રાજકુંવરી સાથે લગ્ન કર્યું હતું. તેના શાસનના અંતમાં આવેલ મહમૂદ ગાવાન મધ્યયુગના ભારતના મુત્સદ્દી પુરુષોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અલાઉદ્દીન અહમદશાહ સહિષ્ણુ હતો. તેણે ધર્માદા દવાખાનું ખોલાવ્યું હતું, જેનો મજહબના ભેદભાવ વિના સર્વ લોકો લાભ લેતા હતા. અહમદશાહ બીજાનો પુત્ર હુમાયૂનશાહ ક્રૂર અને ઘાતકી સ્વભાવનો હોવાથી ‘જાલિમ’ ઉપનામથી જાણીતો થયો હતો. હુમાયૂનશાહના બીજા પુત્ર મોહમ્મદશાહ ત્રીજાએ ગોવા પર આધિપત્ય કર્યું હતું. તે અસહિષ્ણુ રાજવી હતો અને તેણે અનેક હિંદુ મંદિરો તોડ્યાં હતાં અને પૂજારીઓની કતલ કરી ત્યાં મસ્જિદો બંધાવી હતી. તેણે કાંજીવરમનાં હિંદુ મંદિરો પણ તોડ્યાં હતાં. મોહમ્મદશાહ ત્રીજાના મૃત્યુ પછી તેનો પુત્ર મહમૂદશાહ તખ્ત પર બેઠો; પરંતુ તે નિર્બળ પુરવાર થતાં સલ્તનતની પડતીની શરૂઆત થઈ. તે પછીના ચાર સુલતાનોએ એ પડતીને ઝડપી બનાવી. આ વંશનો છેલ્લો સુલતાન કલીમુલ્લાહખાન હતો. 1527માં તેનું અવસાન થયું અને બહમની રાજ્યના ભગ્નાવશેષો ઉપર પાંચ સૂબાના અમીરોએ સ્વતંત્ર રાજ્યોની સ્થાપના કરી; જેમાં વરાડમાં ઇમાદશાહી, બીજાપુરમાં આદિલશાહી, અહમદનગરમાં નિઝામશાહી, ગોવળકોંડામાં કુત્બશાહી અને બીડરમાં બરીદશાહી સ્થપાઈ.
બહમની સુલતાનોએ લગભગ 179 વર્ષ શાસન કર્યું. તેમનો ઇતિહાસ કાવતરાં, પરસ્પર ઈર્ષા, પડોશી રાજ્યો સાથેનાં યુદ્ધો, વિલાસી જીવન, ઘાતકી સ્વભાવ તથા મહેલોમાંની ખટપટોથી ભરપૂર છે. આ વંશમાં અઢાર જેટલા સુલતાનોએ શાસન કર્યું. વહીવટમાં નીચલા વર્ગના કર્મચારી તરીકે મોટેભાગે મરાઠા હિંદુઓને નિયુક્ત કરતા. બહમની સુલતાનો પાસે નૌકાકાફલો પણ હતો, પરંતુ તેને વિકસાવવા ઉપર વિશેષ ધ્યાન આપ્યું ન હતું. વિદેશમાંથી વેપારી તરીકે આવેલા અને વજીર બનેલા મહમૂદ ગાવાને બહમની સલ્તનતનો વિસ્તાર પશ્ચિમમાં કોંકણ કિનારા સુધી, નૈર્ઋત્યમાં ગોવા સુધી, પૂર્વમાં આંધ્ર સુધી અને દક્ષિણમાં તુંગભદ્રા નદી સુધી વધાર્યો હતો.
બહમની સલ્તનતની વહીવટી પદ્ધતિ ઇસ્લામી પ્રકારની હતી. સુલતાન સર્વોપરી સત્તા ભોગવતો હતો. વિવિધ ખાતાંઓ ઉપર વજીરો હતા. પ્રાંતીય વહીવટ માટે ચાર ભાગ હતા, જે ‘તરફ’ તરીકે ઓળખાતા. નાનો એકમ ગામ હતું.
બહમની સલ્તનતમાં ચૌલ, દાભોલ, ગોવા જેવાં બંદરો હતાં. ઈરાન, અરબસ્તાન, આફ્રિકા, મિસર, ગ્રીસ, તુર્કસ્તાન વગેરે દેશો સાથે તેનો વેપાર ચાલતો હતો. અત્યાચારી હોવા છતાં બહમની સુલતાનો વિદ્યાના આશ્રયદાતા હતા. તેમણે ગામો અને શહેરોમાં મસ્જિદો બાંધી શિક્ષણનો પ્રબંધ કર્યો હતો. તેઓ સંગીત અને કલાના શોખીન હતા. એમના શાસનકાળ દરમિયાન બંધાયેલો બીજાપુરનો ‘ગોળ ગુંબજ’ કળાનો ઉત્તમ નમૂનો છે.
મીનળ શેલત