બસુ, રામરામ (જ. –; અ. 1813) : બંગાળી ગદ્યલેખક અને અનુવાદક. મુઘલ અમલમાં સરકારી ભાષા ફારસી હતી. તેથી મહત્વાકાંક્ષી બ્રાહ્મણનેય ફારસી શીખવી પડતી. સંસ્કૃત તરફ ઓછું ધ્યાન અપાવા લાગ્યું. પંડિતોએ પોથીઓ મૂળ સંસ્કૃત કરતાં બંગાળી અનુવાદમાં ગદ્યમાં રાખવાનું અનુકૂળ માન્યું. પત્રવ્યવહાર અને સરકારી દસ્તાવેજોમાં લોકપ્રચલિત ગદ્યશૈલી હતી, જેમાં અપરિચિત શબ્દો ઓછા અને ફારસીમાં બનેલા શબ્દો, લઢણો વધારે હતાં. પંડિતોની શૈલી એ રીતે જુદી પડે છે. લોકપ્રચલિત શૈલી રોજબરોજની બોલચાલની ભાષાની વધારે નજીક હતી. વિલિયમ કેરીના મદદનીશ અને ભાષાશિક્ષક રામરામ બસુ લોકપ્રચલિત (અથવા મુનશી) શૈલીના પહેલા ઉલ્લેખપાત્ર ગદ્યલેખક હતા. મિશનરીઓએ ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે સાહિત્યનો માર્ગ લીધો હતો. કેરી અને સહકાર્યકરોએ બાઇબલના અનુવાદ તરફ લક્ષ આપ્યું. બાઇબલના બંગાળી અનુવાદનો મુસદ્દો કરનાર કેરીના સ્થાનિક મદદનીશોમાં સૌથી મહત્વનું નામ રામરામ બસુનું છે. આ ઉપરાંત અંગ્રેજી કારકુનો(writers)ને ભારતીય ભાષાઓ શીખવવાના હેતુથી 1800માં ફૉર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના થઈ અને કેરીને બંગાળી વિભાગ સોંપાયો. ‘કૃત્તિવાસ’નું રામાયણ અને કાશીરામનું ‘મહાભારત’ આ કૉલેજના વિદ્યાર્થીઓને મુદ્રિત રૂપમાં મળેલાં પ્રથમ બંગાળી કાવ્યો હતાં; પણ કવિતા બોલચાલની ભાષાનું વ્યાવહારિક જ્ઞાન આપવામાં ઉપયોગી નહિ હોવાથી કેરીએ કેટલાક ગદ્યગ્રંથો તૈયાર કરાવવાના હતા અને તેમના મદદનીશો વિદ્યાર્થીઓ માટે ગદ્યગ્રંથો તૈયાર કરવા લાગ્યા. આ લેખકોમાં સૌથી ઉત્તમ હતા રામરામ બસુ અને મૃત્યુંજય વિદ્યાલંકાર. બસુનાં લખાણો સમકાલીન બંગાળી ગદ્યની મુનશી-શૈલીનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની ગદ્યકૃતિઓ પ્રકાશિત થઈ હતી (1801, 1802). પહેલા પુસ્તક ‘પ્રતાપાદિત્ય-ચરિત્ર’માં જેસોરના પ્રતાપાદિત્ય સંબંધી પ્રચલિત કથાઓનો ઉપયોગ થયો છે. મુઘલ દરબારના ફારસી ઇતિહાસમાં પ્રતાપાદિત્યના જે સંદર્ભો મળ્યા તેનો પણ ઉપયોગ થયો છે. શૈલી સરળ અને વર્ણનાત્મક છે. બીજી કૃતિ ‘લિપિમાલા’ વસ્તુત: નિબંધો અને પત્રસ્વરૂપે લખાયેલી લઘુકથાઓનું પુસ્તક છે. શૈલી વધુ સરળ અને બોલચાલની રીતની છે. પ્રસ્તાવનામાં લેખકે કહ્યું છે તે પ્રમાણે, ‘લિપિમાલા’ કંપનીના કર્મચારીઓને બોલચાલની બંગાળી ભાષા શીખવવાના અને સાથે સાથે લોકોના સામાન્ય જીવનવ્યવહારને સમજવામાં સહાય કરવાના હેતુથી લખવામાં આવી હતી.
અનિલા દલાલ