બસુ, રાજશેખર

January, 2000

બસુ, રાજશેખર (જ. 1880; અ. 1960) : બંગાળીમાં હાસ્યકથાઓના ઉત્તમ લેખક. તેમની સરખામણી અંગ્રેજી લેખક જેરોમ કે. જેરોમ સાથે કરી શકાય. તેમનાં હાસ્યકથાઓનાં પુસ્તકો ‘ગડ્ડાલિકા’ (1925) અને ‘કજ્જલી’(1927)નાં પ્રકાશનથી એમની વ્યંગચિત્રોની સૃષ્ટિએ રસગ્રાહી બંગાળી સમાજમાં હલચલ મચાવી હતી. પહેલી વાર્તા ‘વિરંચિબાબા’ જેવી પ્રકટ થઈ કે તેમની સફળતા નક્કી થઈ. તેમના હાસ્યરસમાં સ્વયંસ્ફુરિત પ્રાચુર્ય અને વિશુદ્ધિ છે. તેમની રસિકતાનો પ્રવાહ ઝરણાની જેમ સહજપણે વહે છે. જે પ્રમથ ચૌધુરીમાં છે તે વાગાડંબર અને તાર્કિકતા રાજશેખરમાં નથી તે તેમનું જમા પાસું છે. વળી હાસ્યરસિકતાનું પ્રધાન લક્ષણ મૌલિક પરિકલ્પનાનું પ્રકટીકરણ છે, જે રાજશેખરની રચનાઓમાં જોવા મળે છે. તે બીજાની ભાવભંગિઓનું વિકૃત અનુકરણ – parody – કરી ખ્યાતિ મેળવતા નથી. મધ્યમવર્ગમાં જે છીછરાપણું અને દંભ છે તે તમામની તેઓ મજાક ઉડાવે છે, પણ કોઈને તેઓ આઘાત પહોંચાડતા નથી. તેઓ બધાંનું મનોરંજન કરે છે. દરેક ચરિત્રમાં ચરિત્રને અનુસરતું થોડું થોડું હાસ્ય ધ્વનિત થાય છે. હાસ્યજનક પરિસ્થિતિનું નિર્માણ કરવાના તેમના કૌશલમાંથી તેમનાં પાત્રો – ચરિત્રો સર્જાય છે. ઉત્તરોત્તર લખાતી જતી વાર્તાઓના ‘પરશુરામ’ તખલ્લુસથી જે બે સંગ્રહો પછી પ્રકાશિત થયા તે છે ‘હનુમાનેર સ્વપ્ન’ (1937) અને ‘કૃષ્ણકલિ’ (1953). તેઓ બંગાળી ભાષાના એક શ્રેષ્ઠ લેખક ગણાયા છે. તેમણે કેટલાક ચિંતનપ્રધાન નિબંધો પણ લખ્યા છે, જે ‘લઘુગુરુ’ (1939) અને ‘વિચિન્તા’ (1956) વગેરેમાં સંગૃહીત થયા છે.

તેમની આ હાસ્યરસની સૃષ્ટિના કામમાં ચિત્રની સહાય નોંધપાત્ર છે. જતીન્દ્રકુમાર સેનનાં કલમ અને શાહીનાં રેખાંકનોએ કંઈક અંશે બસુને તેમની વાર્તાઓ લખવા પ્રેરિત કર્યા હતા. પછી તો બસુની વાર્તાઓને સેને જ રેખાંકનોથી સચિત્ર કરી.

અનિલા દલાલ