બસુ, મનોજ (જ. 25 જુલાઈ 1901, ડાગાઘાટ, જિ. જેસોર) : લોકપ્રિય બંગાળી વાર્તાકાર-નવલકથાકાર. માત્ર 8 વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા. પ્રાથમિક શિક્ષણ ડોંગાઘાટમાં, માધ્યમિક શિક્ષણ કલકત્તાની રિપન કૉલેજિએટ સ્કૂલમાં. 1924માં બી.એ. તે પછી કાયદાનો અભ્યાસ શરૂ કર્યો, પરંતુ આર્થિક પરિસ્થિતિને કારણે અધૂરો રહ્યો. વિદ્યાર્થી અવસ્થામાં બંગાળની ચળવળમાં ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા અને અસહકાર તેમજ સ્વદેશીની ચળવળમાં સક્રિય ભાગ લીધો. 20 વર્ષ સુધી શિક્ષક તરીકે કામગીરી કરી. તેમણે ‘બેંગૉલ પબ્લિશર્સ’ નામની પ્રકાશન-સંસ્થા સ્થાપી, તેમાં લેખન તેમજ પ્રકાશનની પ્રવૃત્તિ સંભાળી. તેઓ શરૂમાં સામાજિક નવલકથાકાર તરીકે બહાર આવ્યા હતા, તેમણે સાહિત્યજગતમાં કવિ તરીકેનું સ્થાન પણ પ્રાપ્ત કર્યું.
તેમણે ભારતીય કલા તથા સાહિત્યના પ્રતિનિધિ તરીકે 1952માં ચીન અને 1956માં રશિયાનો પ્રવાસ ખેડ્યો. ભારતભરનો પ્રવાસ પણ ખેડ્યો હતો. તેમના ચીનના પ્રવાસવર્ણનના પુસ્તકને દિલ્હી યુનિવર્સિટીએ નરસિંહદાસ પુરસ્કાર એનાયત કર્યો હતો. 1950માં કલકત્તા યુનિવર્સિટીએ ‘શરદ સ્મૃતિ’ પુરસ્કાર; 1964માં મણિલાલ પુરસ્કાર તથા 1966માં ‘નિશિકુટુંબ’ નવલકથા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમને પ્રાપ્ત થયા હતા. પ્રથમ ટૂંકી વાર્તા ‘પ્રવાસી’ થી જ તેમને તાત્કાલિક પ્રસિદ્ધિ મળી હતી.
‘વનમર્મર’ તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ હતો (1932); ‘દુ:ખનિશાર શેષ’ (1944); ‘પૃથિવી કાદેર’ (1948) ‘ખદ્યોત’ (1950); ‘કુંકુમ’ (1953) વગેરે તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે. ‘ભૂલિ નાઈ’ તેમની પ્રથમ નવલકથા હતી (1946); અન્ય મહત્વની નવલકથાઓમાં ‘જલજંગલ’ (1952); ‘આમાર ફાસિ હોલો’ (1958); ‘બન કેટે બસત’ (1961); ‘માનુષ ગડાર કારિગર’ (1963); ‘નિશિકુટુંબ’ (1963); ‘સ્વર્ણસજ્જા’ (1964); તથા ‘સેતુબંધ’ (1967) વગેરેનો સમાવેશ થાય છે. ‘પ્લાવન’ (1941); ‘નૂતન પ્રભાત’ (1943), ‘રાખિબંધન’ (1949). ‘ડાકબંગલા’ (1969) વગેરે તેમનાં નાટકો છે. તે ઉપરાંત ‘ચીન દેખે એલામ’ (1953) અને ‘સોવિએતેર દેશે દેશે’ (1957) – એ બંને તેમનાં પ્રવાસવર્ણનો છે. તેમની કેટલીક જાણીતી કૃતિઓના અંગ્રેજી, હિંદી તેમજ ગુજરાતીમાં અનુવાદ થયા છે.
બળદેવભાઈ કનીજિયા