બસુ, જ્યોતિ (જ. 8 જુલાઈ 1914, કલકત્તા) : ભારતના અગ્રણી માર્કસવાદી સામ્યવાદી નેતા તેમજ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન. પૂરું નામ જ્યોતિરિન્દ્ર, પણ પ્રાથમિક શાળામાં દાખલ થતાં ‘જ્યોતિ બસુ’ બન્યા. પિતા નિશિકાંત બસુ વ્યવસાયે તબીબ હતા. એમની માતાનું નામ હેમલતા.

જ્યોતિ બસુ

તેમણે કલકત્તાની લૉરેટો સ્કૂલમાં અભ્યાસ કર્યો. આ દરમિયાન માતાની ઉદારતા અને ર્દઢતા તથા પિતાના તાર્કિકતાના ગુણો ઝીલી  પોતાના જીવનમાં વિકસાવતા રહ્યા. કિશોરાવસ્થામાં કુટુંબના વડીલો અને શિક્ષકો સાથે સંઘર્ષમાં ઊતરીને તેઓ ન્યાયને પક્ષે રહેતા હતા. પછી તે કુટુંબ નોકર ‘ફકીરા’ને રસોઈઘરમાં પ્રવેશ મળવાની બાબત હોય, યા ચિતાગોંગના શસ્ત્રાગાર પર રાષ્ટ્રવાદીઓએ પાડેલી રેડને ઉચિત ઠેરવવાની બાબત હોય. શાળાના પાદરી શિક્ષકનો ઠપકો અને અન્ય સહાધ્યાયીઓનો માર ખમીને પણ તેઓ પોતાની વાત પર અડગ રહેલા. આમ, કિશોર અવસ્થામાં જ તેમની ર્દઢ સંકલ્પશક્તિ અને રાષ્ટ્રપ્રેમની ચિનગારીનો પરિચય આસપાસનાંને થયો. અન્યાયના પ્રતિકારની આ ભાવના સામ્યવાદના અભ્યાસ માટે નિમિત્ત બની. સેંટ ઝેવિયર્સ કૉલેજ અને પ્રેસિડન્સી કૉલેજ, કલકત્તામાં શિક્ષણ મેળવી અંગ્રેજી સાહિત્યના સ્નાતક બન્યા બાદ વધુ અભ્યાસાર્થે તેઓ ઇંગ્લૅન્ડ ગયા, જ્યાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરી બાર-ઍટ-લો બન્યા. લંડનના વસવાટ દરમિયાન તેઓ સામ્યવાદી પક્ષના સંપર્કમાં આવ્યા અને માર્કસના વૈજ્ઞાનિક સમાજવાદનો ઊંડો અભ્યાસ કર્યો. માર્ક્સના વિચારોથી તેઓ ખૂબ પ્રભાવિત થયા, જેના પરિણામે ગ્રેટબ્રિટનના સામ્યવાદી પક્ષના સભ્ય બન્યા. જાહેર જીવનમાંની તેમની સક્રિયતાની આ સાથે જ શરૂઆત થઈ. લંડન ખાતેની ઇન્ડિયા લીગ તેમજ લંડન મજલિસના સભ્ય બની ભારત અંગેની પ્રગતિશીલ લડતોમાં ભાગ લેવાની તેમણે શરૂઆત કરી.

લંડનથી 1940માં પરત આવ્યા તે પહેલાં તો તેઓ મનોમન સામ્યવાદને વરી ચૂક્યા હતા, પોતાની સાથે સામ્યવાદનાં પુસ્તકો લઈને તેઓ સ્વદેશ આવ્યા. તેમાંનો ‘ધ હિસ્ટ્રી ઑવ્ ધ બૉલ્શેવિક કૉમ્યુનિસ્ટ પાર્ટી’ ગ્રંથ એક સહપ્રવાસી યુરોપિયન સ્ત્રીને સાચવવા આપેલો. તેથી સરકારી અધિકારીની જપ્તીમાંથી બચી ગયો. ભારત આવ્યા બાદ વકીલાતના વ્યવસાયમાં જોડાવાને બદલે તેમણે ભારતીય સામ્યવાદી પક્ષમાં જોડાઈને સમાજની સેવા કરવાના હેતુથી પક્ષના પૂર્ણસમયના કાર્યકર બનવાનું પસંદ કર્યું. તેમની સેવાની ધગશે તેમને પછીથી રાજકારણની અગ્રિમ હરોળમાં પહોંચાડ્યા.

1940માં તેમનાં પ્રથમ લગ્ન બસંતી (છબિ) ઘોષ સાથે થયાં. પરંતુ 1942માં ટૂંકી માંદગીમાં તેનું અવસાન થતાં 1948માં તેઓ કમલ બસુ સાથે લગ્નગ્રંથિથી જોડાયા.

1941–43 દરમિયાન તેઓ ઈસ્ટ બેંગૉલ રેલરોડ વર્ક્સ કમિટીની કારોબારીના સભ્ય રહ્યા. 1943માં તેઓ સામ્યવાદી પક્ષની વેસ્ટ બેંગૉલ પ્રોવિન્શિયલ કમિટીના સભ્ય અને 1952–57 દરમિયાન તેના સેક્રેટરી રહ્યા. 1951માં પક્ષના મુખપત્ર દૈનિક ‘સ્વાધીનતા’ના સંપાદક મંડળના ચૅરમૅન બન્યા. 1952થી ’71 દરમિયાન તેઓ પશ્ચિમ બંગાળ વિધાનસભાના સભ્યપદે ચૂંટાતા રહ્યા. 1952–1971 દરમિયાન તેમણે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તરીકે અસરકારક ભૂમિકા ભજવી. ત્યારબાદ પક્ષમાં અને પશ્ચિમ બંગાળના રાજકારણમાં તેઓ વિવિધ રાજકીય સિદ્ધિઓનાં સોપાન સર કરતા રહ્યા. 1964થી તેઓ ભારતીય માર્કસવાદી સામ્યવાદી પક્ષની પૉલિટ બ્યુરોના સભ્ય, 1967થી ’68 પશ્ચિમ બંગાળના નાયબ મુખ્યમંત્રી અને નાણાં તથા વાહનવ્યવહાર વિભાગના મંત્રી રહ્યા. 1967થી ’70 દરમિયાન ફરીથી નાયબ મુખ્યમંત્રીની ભૂમિકા ભજવી અને આ કારકિર્દીના પરિપાક રૂપે જ 1977થી આજદિન સુધી (2000) પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના હોદ્દા પર રહી દેશના અને પશ્ચિમ બંગાળના રાજકારણમાં અસાધારણ સિદ્ધિનાં શિખરો સર કરતા રહ્યા છે. તેમણે અત્યાર સુધી આ હોદ્દાની ચાર મુદતો પૂરી કરી છે અને 1997માં પાંચમી મુદત માટે ચૂંટાઈ આવ્યા છે.

પક્ષમાંથી સક્રિય કારકિર્દીની સાથે તેમણે કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે, તેમજ પ્રસંગોપાત્ત વિવિધ પત્રિકાઓ દ્વારા પોતાના વિચારો પણ વ્યક્ત કર્યા છે. ભારતમાં સામ્યવાદી વિચારસરણીના વિકાસ અને ફેલાવામાં તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે.

તેમના વ્યક્તિત્વની ખાસ વાત તો એ છે કે અંબાણી અને ગોયેન્કા જેવાં ઉદ્યોગજૂથો, ક્યૂબાના ડાબેરી સર્વોચ્ચ નેતા ફિડલ કાસ્ટ્રો, વૅટિકનના ધાર્મિક વડા નામદાર પોપ એમ વિવિધ રસ કે રુચિના નેતાઓ સાથેના મૈત્રીસંબંધોમાં આ પ્રખર માર્ક્સવાદીનો સામ્યવાદ ક્યારેય અવરોધક બન્યો નથી. ઔદ્યોગિક વ્યવસ્થાપન ક્ષેત્રના નિષ્ણાત રુસી મોદી જેવા સાંસદ તો તેમને ‘ભારતીય રાજકારણના એકમાત્ર સદગૃહસ્થ’ તરીકે નવાજતા હતા.

ર્દઢ, નમ્ર અને પ્રસન્ન વ્યક્તિત્વ ધરાવતા આ વરિષ્ઠ રાજકારણી, ધોતી-ઝભ્ભાનો ભદ્ર બંગાળી પહેરવેશ પહેરવાનું અને સામાન્ય રીતે બંગાળીમાં જ બોલવાનું પસંદ કરે છે. ભારતમાં દાયકાઓ પહેલાં સંયુક્ત મોરચા સરકારનો પ્રથમ પ્રયોગ પશ્ચિમ બંગાળમાં સફળ રીતે દાખલ કરવાનો જશ તેમને ફાળે જાય છે.

રક્ષા મ. વ્યાસ