બસુ, અમૃતલાલ

January, 2000

બસુ, અમૃતલાલ (જ. 1853; અ. 1929) : બંગાળી નાટકકાર. 1873માં સાર્વજનિક રંગમંચની સ્થાપના થઈ ત્યારથી તેઓ તેની સાથે જોડાયા. તે સંબંધ અંત સુધી ચાલુ રહ્યો. આ મંચ પરનાં નાટકોમાં રાષ્ટ્રીય ચેતના અને ભારતની પરાધીનતા અંગે જાગૃતિ લાવવાની પ્રવૃત્તિ મુખ્ય હતી. બીજો ઉદ્દેશ મનોરંજનનો હતો, જેમાં વિડંબના-નાટકના હાસ્યપરક ‘યાત્રા’(પ્રહસનો)ના પ્રયોગો થતા હતા. તેઓ અભિનય અને લેખન બંનેમાં હાસ્યકાર હતા. તેમણે જ્યોતિરિન્દ્રનાથ ઠાકુરનાં પ્રહસનોમાંથી પ્રેરણા લીધી; વળી અન્ય કટાક્ષિકાઓ અને પ્રહસનોના પ્રભાવથી પણ તેઓ મુક્ત રહી શક્યા નહોતા. તેમણે સાર્વજનિક રંગમંચ પર હાસ્યનું વધુ સારું સ્વરૂપ પ્રગટાવવામાં અને વધુ મનોરંજક વળાંક આપવામાં ઘણું પ્રદાન કર્યું. તેમનાં એકબે પ્રહસનો મૉલિયેરનાં સુખાન્ત નાટકો પર આધારિત છે; જેમ કે, ‘કૃપણેર ધન’ (1900) ‘લે આવાર’ પર. ‘ચોરેર ઉપર બાટપાડી’ (1876) બૉકેશિયોની એક વાર્તા પર આધારિત છે. એમનાં શ્રેષ્ઠ પ્રહસનો સામાજિક અસંગતિઓ તથા વ્યક્તિગત વિચિત્રતાઓના વિરોધમાં લખાયેલાં છે. આમાં સૌથી વિશિષ્ટ રચના ‘વિવાહવિભ્રાટ’ (1884) છે. એમાં અર્ધશિક્ષિત યુવકો અને યુવતીઓ તરફથી વિદેશીઓના અનુકરણમાં કરાતા હાસ્યાસ્પદ પ્રયત્નો વ્યક્ત થયા છે અને એમાંથી ઉદભવતા દંભનું ઘેરા રંગોમાં આલેખન કરવામાં આવ્યું છે. ચિત્રની બીજી બાજુ પણ દર્શાવાઈ છે; પરદેશથી પાછા ફરેલા  વિવાહ-યોગ્ય પુત્રના પિતા દ્વારા વધૂના પિતા પાસેથી ભારે દહેજ લેવાની ઉત્કંઠા ઘેરા રંગથી ચીતરવામાં આવી છે. તેમણે કેટલાંક રોમૅન્ટિક નાટકો પણ લખ્યાં હતાં. એમાં સૌથી પહેલું હતું ‘હીરકચૂર્ણ’ (1875), જે એક રાજનૈતિક બાબત પર આધારિત છે. વડોદરાના ગાયકવાડે બ્રિટિશ ઑફિસરને મદિરાપાત્રમાં હીરાનું ચૂર્ણ ભેળવી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો, તેની અહીં વાત છે; પણ પછીનાં નાટકોમાં – જે રોમૅન્ટિક છે – હાસ્યતત્વનું પ્રાધાન્ય છે. ‘ખાસ દખલ’ (1911) અને ‘નવયૌવન’નો ઉલ્લેખ કરી શકાય.

તેમનાં નાટકોમાં ગિરીશચંદ્ર ઘોષની ગંભીરતાનો અભાવ છે. તેઓ શિક્ષકને બદલે મનોરંજનના સર્જક હતા. તેમનાં સુખાન્ત નાટકોનો પ્રભાવ ધ્યાનપાત્ર છે. ડી. એલ. રાય જેવા નાટકકાર નાટકકાર તરીકે બસુના પગલે પગલે ચાલ્યા છે. તેમણે હાસ્યગીતો સહિતનાં પ્રહસનો આપ્યાં છે. સામાન્ય લોકોની સામાન્ય રુચિને સ્પર્શતાં બસુનાં નાટકો લોકપ્રિય હતાં.

અનિલા દલાલ