બસવેશ્વર (બસવણ્ણા) (જ. 1131, ઇંગાલેશ્વર બાગેવાડી, જિ. બીજાપુર, કર્ણાટક; અ. 1167, સંગમેશ્વર) : કર્ણાટકના એક મહાન આધ્યાત્મિક નેતા, ક્રાંતિકારી સંત, કન્નડ ભાષાના મહાન કવિ, વિખ્યાત રહસ્યવાદી તથા સમાજસુધારક. પિતા મદિરાજ કે મદારસ બાગેવાડી અગ્રહારના પ્રધાન હતા, જે ‘ગ્રામ નિમાની’ કહેવાતા. માતા મદાલંબિ કે મદાંબિ ધર્મનિષ્ઠ મહિલા અને બાગેવાડીના મુખ્ય દેવતા નંદીશ્વેરનાં મહાન ભક્ત હતાં. બસવેશ્વરે 8 વર્ષની ઉંમરે તેમના ઉપનયન સંસ્કારનો સખત વિરોધ કર્યો. માતાપિતાના હઠાગ્રહ સામે પોતે ગૃહત્યાગ કર્યો અને કૃષ્ણા અને મલપ્રભા નદીઓના કૂડલસંગમ નામના સ્થળે ચાલ્યા ગયા, જ્યાં તેમના ગુરુ ઈશાન્યના સાન્નિધ્યમાં 12 વર્ષ સુધી વેદો, ઉપનિષદો, આગમો, પુરાણો અને અન્ય ગ્રંથોનું ઊંડું અધ્યયન કર્યું; જુદા જુદા ધાર્મિક ગ્રંથોનો આલોચનાત્મક અભ્યાસ કર્યો. ત્યાંથી તેમના મનમાં ક્રાંતિકારી વિચારો ને આદર્શોનો પ્રારંભ થયો. શૈવ સંતોનાં ભક્તિગીતો તેમણે કંઠસ્થ કર્યાં. જેમ જેમ તેમણે ધાર્મિક ઉત્સાહને વચનોમાં વ્યક્ત કરવાનું ઇચ્છ્યું, તેમ તેમ તેમનો કવિ-આત્મા વિકાસ પામ્યો. તે તેમના જીવનનો સંક્રાંતિ-કાળ હતો.
પછી તેઓ મહારાષ્ટ્રમાં પંઢરપુર નજીક મંગળવાડ (હાલનું મંગળવેઢ) ચાલ્યા ગયા. ત્યાં તેમના મામા અને કાલચૂર્ય વંશના રાજા બિજ્જલના વિત્તમંત્રી બલદેવની પુત્રી અને રાજા બિજ્જલની ધર્મની બહેન નીલામ્બિકે સાથે લગ્નથી જોડાયા. પોતાની લાયકાતથી રાજ્યના ભંડારી બન્યા. બિજ્જલ રાજા ચાલુક્યના સિંહાસને આરૂઢ થઈને કલ્યાણ-સમ્રાટ બનતાં તેમને રાજ્યના મંત્રીપદે સ્થાપ્યા. તેમનાં બીજાં પત્નીનું નામ ગંગામ્બિકે અથવા માયાદેવી હતું. 1154માં તેઓ કલ્યાણ ગયા અને ભંડારીનો કાર્યભાર સંભાળ્યો. ત્યાં 12–13 વર્ષના ગાળામાં તેમણે અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી. તેમણે ધાર્મિક અને સામાજિક ગતિવિધિઓમાં ઝંપલાવ્યું. જાતિ, ધર્મ, લિંગના ભેદભાવ વિના ધર્મનાં દ્વાર સૌને માટે ખુલ્લાં કર્યાં. ‘અનુભવમંડપ’ નામની સામાજિક–ધાર્મિક–વિદ્વત્પરિષદ સ્થાપી, જેણે દેશભરના સંતો તથા આધ્યાત્મિક જિજ્ઞાસુઓને આકર્ષ્યા. તેમાં કર્ણાટકના અલ્લમ પ્રભુ, સિદ્ધરામ, મડિવાલ માહાપ્પા, અંબીગર, ચૌડપ્પા તથા મહારાષ્ટ્રના ઉરીલિંગદેવ, આંધ્રના બહુરૂપી ચૌડપ્પા અને સકલેસા માદારસ, આદૈપ્પા અને સૌરાષ્ટ્ર(ગુજરાત)ના સોઘાલા બાચરસ તેમજ કાશ્મીરના મૌલિગેય મારપ્પા અને તેમનાં પત્ની મહાદેવમ્માનો સમાવેશ થાય છે. તે સૌમાં બસવેશ્વરને ભક્તિના સજીવ અવતાર માનવામાં આવતા. બસવેશ્વરે મોટો ચમત્કાર એ કર્યો કે સામાન્ય જનતાને અને ત્યજાયેલાંઓને આધ્યાત્મિક સિદ્ધિની વાસ્તવિક ઊંચાઈએ પહોંચાડી દીધાં. તેમણે જાતિગત ભેદભાવ નિર્મૂળ કરવા જીવનભર સંઘર્ષ કર્યો. તેમના ક્રાંતિકારી સંદેશા અને ઉદ્દેશોએ રૂઢિવાદીઓમાં હલચલ મચાવી દીધી; કારણ કે બારમી સદીનો સમાજ અંધવિશ્વાસ અને ઊંચનીચના તથા નાતજાતના ભેદભાવમાં જીવતો હતો. તેમના વિરોધીઓએ તેમની સામે રાજભંડારનો દુરુપયોગ કર્યાનો આક્ષેપ રાજા સમક્ષ કર્યો; જેમાં તેઓ નખશિખ નિર્દોષ અને પ્રામાણિક ઠર્યા.
બસવણ્ણાના જીવનનું વિશ્વેસનીય પ્રમાણ હરિહર-લિખિત કન્નડ કૃતિ ‘બસવ રાજદેવર રગલે’ તથા ભીમ કવિની તેલુગુ કૃતિ ‘બસવપુરાણ’માં ઉપલબ્ધ છે. તેમના વિશેના બે શિલાલેખો પણ મળી આવ્યા છે, જે એક અત્યંત વિચિત્ર મનની આધ્યાત્મિક યાત્રાના અનુભવોનો ભંડાર છે. તેમાં મનની વ્યાકુળ વેદનાથી નૈસર્ગિક શક્તિની સિદ્ધિ દ્વારા પ્રાપ્ત નિર્મળ પ્રશાન્તિ સુધીની સશક્ત અભિવ્યક્તિ જોવા મળે છે. ભક્તિરસથી ભરપૂર એવાં તેમનાં 1,000 વચનો પ્રાપ્ત થયાં છે, જે જિજ્ઞાસુઓ માટે ભક્તિમાર્ગની જીવતીજાગતી નિયમાવલિ છે. તેમનાં આ વચનોમાં સેંકડો ઉપમાઓ – લોકોક્તિઓનો પ્રચુર પ્રયોગ, શબ્દ-ચિત્રોની પ્રભાવી ગૂંથણી અને કાવ્યાલંકાર દ્વારા શબ્દોના થતા અર્થભેદનો સંગીતમય સંગમ છે. તેમાં માનવીય વ્યક્તિત્વની ત્રણેય પાંખ – વિચાર, અનુભૂતિ અને કાર્યનું સુખાન્ત સંશ્લેષણ છે. આ રીતે તેમણે ક્ન્નડ સાહિત્યક્ષેત્રે કરેલ યોગદાનનું ખૂબ જ મહત્વ છે. તેઓ ફક્ત સમાજસુધારક નહિ, પણ દેવદૂત અને મહાન રહસ્યવાદી હતા. તે તેમના સમયથી 800 વર્ષ આગળ હતા.
તેમણે આત્માનંદની સ્થિતિ સંસારનો ત્યાગ કર્યા વિના પ્રાપ્ત કરેલી. તેમણે જાતિ-અભિભૂત સમાજની કઠોર નિંદા કરી અને હિંદુ સમાજના ચાર વર્ણમાં થયેલા વિભાજનનો ર્દઢતાપૂર્વક વિરોધ કર્યો. જે અછૂતોને કુલીન જનો દૂર રાખતા અને જેમના પર ર્દષ્ટિ પડતાંની સાથે સ્નાન કરીને તેઓ શુદ્ધ થવા દોડતા તેમને તથા ભિન્ન ભિન્ન વ્યવસાયમાં પડેલા ચોકીદાર, ચંડાળ, ઘાંચી, મોચી, દરજી, નાઈ, કઠિયારા, ધોબી, નાવિક વગેરેને તેમણે સ્થાપેલા ‘અનુભવમંડપ’ના સભ્યો બનાવ્યા; એટલું જ નહિ, પરંતુ તેમને ધર્મ અને સમાજ બંનેમાં સમાન દરજ્જો આપ્યો. આમ તેમનો પ્રેમ વિશેષ કરીને નિમ્ન અને હારેલા તથા પદદલિત લોકો માટે અસીમ હતો અને તેમનો સમાજસુધારો માનવતા પ્રત્યેનાં અનુકંપા અને સર્વવ્યાપક પ્રેમ પર આધારિત હતો. તેમણે પાખંડ, કપટ, ચોરી, લોભ અને હિંસા, ધૂર્તતા અને દુરાચરણની ભારે નિંદા કરી અને સમાજમાં નિર્દોષ ચરિત્ર, સત્ય આચરણ, વિનમ્રતા અને પ્રસન્નતાભર્યો શિષ્ટાચાર તથા સ્વચ્છ સ્વભાવને સૌથી ઊંચી પ્રાથમિકતા આપી, મહિલાઓનો પુનરુદ્ધાર કર્યો. મહિલાઓ માટે આધ્યાત્મિક વિકાસનાં દ્વાર ખુલ્લાં કર્યાં, જેના પરિણામરૂપે અક્કા મહાદેવી, નીલામ્બિકે, ગંગામ્બિકે, લક્કમ્મા અને મહાદેવમ્મા વગેરે જેવાં મહિલા-સંતોનાં નામ ઉન્નત આધ્યાત્મિક સિદ્ધિ સાથે જોડાયેલાં છે.
તેમણે અપનાવેલ ષટ્સ્થલ માર્ગના આઠ સહાયક છે, જેમને અષ્ટવર્ણ કહેવામાં આવે છે : ગુરુ, લિંગ, જંગમ, પ્રસાદ, પાદોદક, વિભૂતિ, રુદ્રાક્ષ અને મંત્ર; તેમણે તેમનું તન, મન અને ધન અનુક્રમે ગુરુ, લિંગ અને જંગમને સમર્પિત કરી દીધાં; જે ત્રિપક્ષી પૂજા તરીકે પ્રસિદ્ધ છે. તેમનો નૈસર્ગિક પ્રેમ ઊંડો છે, જે પૂર્ણત: પરિપ્લાવિત થતો પ્રવાહિત થાય છે, જે તેમને પ્રસાદી અને પ્રાણલિંગી ચરણોમાં આગળ ધપાવતાં શરણસ્થળ સુધી પહોંચાડે છે. તેમને સંગમેશ્વર સાથેનું એકતત્વીય સંમિલન ઈ. સ. 1167માં પ્રાપ્ત. તેમની ભક્તિ ભગવાન કૂડલસંગમમાં વિલીન થઈને સ્વયં ભગવદ્રૂપ બની જાય છે. તેઓ તેને પરમ નીરવતાની સ્થિતિ કહે છે.
‘ૐ નમ: શિવાય’ – એ છ અક્ષરોનો મંત્ર તેમણે પ્રિય બનાવ્યો. દયા, અહિંસા, સત્ય, સદાચાર, નીતિ, શીલ ઇત્યાદિનો તથા એક દેવની ભક્તિનો તેમણે પ્રચાર કર્યો. તેમણે યજ્ઞમાં પશુના બલિદાનની પ્રથાનો સખત વિરોધ કર્યો. શોષણનું સાધન અને સદન બની બેઠેલાં મંદિરોમાં અનેક ભગવાનની પૂજા, ઈશ્વેરવાદ, અનુષ્ઠાન અને પંડાગીરીની વિરુદ્ધ તેમણે વિદ્રોહ જગાવ્યો અને તે દૂર કરવામાં તેઓ સફળ પણ થયા. તેમણે શારીરિક શ્રમને ધનવાન કે નિર્ધન માટે અનિવાર્ય ગણ્યો. ગાંધીજીના ‘રોટીશ્રમ’ અને બસવણ્ણાની ‘કાયક’ ધારણામાં વિલક્ષણ સમાનતા રહેલી છે. તેમનો મુખ્ય સંદેશ છે : (1) સૌની ભલાઈમાં વ્યક્તિની ભલાઈ રહેલી છે; (2) દરેકને પોતાના કાર્ય દ્વારા પોતાની આજીવિકા રળવાનો અધિકાર છે; (3) શ્રમનું જીવન એટલે જમીન ખેડનાર ખેડૂત કે શિલ્પકારનું જીવન. તે જીવવાયોગ્ય જીવન છે. તેમની ‘કાયક’ ધારણા ગાંધીજીની ‘સર્વોદય’ યોજનાનો સારભાગ છે. તે પારંપરિક વર્ણ કે જાતિના ધર્મતંત્રની જડને કાપે છે, અને પોતાનામાં સમસ્ત મનુષ્યોની સમાનતા અને તેની ગરિમા અને તેના શ્રમનો મહિમા મૂર્ત કરે છે. તે પ્રજાતંત્રના સિદ્ધાંતોને અનુરૂપ છે. તેનું લક્ષ્ય કાર્ય અને સંપત્તિનું સમ્યક્ વિતરણ છે. તેમના દ્વારા પરિકલ્પિત સમાજમાં ભિક્ષાવૃત્તિ અને નિષ્ક્રિયતા માટે કોઈ સ્થાન નહોતું. તેને સમાજની કાયક પ્રણાલી કહેવાય છે, જ્યાં પ્રત્યેક વ્યક્તિ પોતાના શરીર, મન અને હૃદયની આવશ્યકતાઓ પરિપૂર્ણ કરવા કાર્ય કરતી હોય છે, એટલે કે અશોષિત સમાજ અને મનુષ્યની આંતરિક ક્ષમતાઓનો સર્વાંગી વિકાસ.
રાજા બિજ્જલના સૈન્યના અત્યાચારથી કંટાળીને તેઓ કૂડલસંગમ ગયા અને ત્યાં સમાધિ લીધી. બસવેશ્વર જયંતીના દિવસે લોકો આજે પણ બાગેવાડી અથવા કૂડલસંગમ, બસવકલ્યાણ ઉળવી (જિ. કારવાર) વગેરે ઠેકાણે યાત્રાએ જાય છે.
બળદેવભાઈ કનીજિયા