બસવરાજદેવરા રગાલે

January, 2000

બસવરાજદેવરા રગાલે : મધ્યકાલીન કન્નડ કૃતિ. મધ્યકાલીન કન્નડ સંત કવિ બસવેશ્વરનું કવિ હરિહરને પદ્યમાં લખેલું જીવનચરિત્ર. હરિહરનના સમય વિશે ક્ન્નડ સાહિત્યના ઇતિહાસલેખકોમાં મતભેદ છે; આમ છતાં એટલું નિશ્ચિત છે કે મધ્યકાળમાં બસવેશ્વર વિશે લખનાર હરિહરન પ્રથમ કવિ છે. હરિહરન બસવેશ્વરના સંપર્કમાં આવ્યા નહોતા અને તેથી એમણે બસવેશ્વર વિશેની કિંવદન્તીઓ અને લોકપ્રચલિત ઘટનાઓ પર આધાર રાખ્યો છે.

આ પુસ્તકનો પૂર્વાર્ધ જ ઉપલબ્ધ છે, તેમ છતાં એમાં ઘટનાઓ અને નિરૂપણવિષયક કેટલીક વિશેષતાઓ છે. તેના લીધે એ કૃતિએ કન્નડ સાહિત્યમાં ઉચ્ચસ્થાન પ્રાપ્ત કરેલું છે. બસવેશ્વર વિશે બીજા ચરિત્રકારો એમ કહે છે કે એમને યજ્ઞોપવીત સંસ્કાર અર્થહીન લાગવાથી તેઓ ઘેરથી ભાગી ગયા હતા, ત્યારે હરિહરન એમ કહે છે કે એમનાં માતાપિતાનું નાનપણમાં જ મૃત્યુ થવાથી તેઓ એમનાં દાદા-દાદી પાસે ઊછર્યા હતા. બસવેશ્વરને બિજ્જલ રાજાનો સંપર્ક શી રીતે થયો અને એ બિજ્જલના મંત્રી તેઓ શી રીતે બન્યા તે વિશે પણ હરિહરન બીજા ચરિત્રકારોથી જુદા પડે છે. આથી એમ માનવામાં આવે છે કે એમની કૃતિનો ઉત્તરાર્ધ કાં તો દબાવી દેવાયો હશે અથવા એનો નાશ કરવામાં આવ્યો હશે. હરિહરનના કાવ્યની બીજી એક વિશેષતા તે તેનો ચોપાઈ(ચતુષ્પદી)નો રચનાબંધ છે. એમાં વચ્ચે વચ્ચે ગદ્યાંશ પણ આવે છે.

ચન્દ્રકાન્ત મહેતા