બસવપુરાણ : તેલુગુ કૃતિ. સમય તેરમી-ચૌદમી સદી. પાલ્કુરિકી સોમનાથડુએ રચેલા આ કાવ્યને વીરશૈવ સંપ્રદાયનો વેદ મનાય છે. વીરશૈવ સંપ્રદાયના પ્રવર્તક બસવેશ્વેરના પૂર્વજન્મના સંસ્કારોને કારણે એ બાલ્યવયમાં જ ભક્તિ તરફ વળ્યા. યજ્ઞોપવીત વગેરે વૈદિક કર્મકાંડ તથા વર્ણવ્યવસ્થાનો પરિત્યાગ, એકમાત્ર ભક્તિપ્રધાન, વર્ણવ્યવસ્થાહીન તથા સર્વજનસુલભ વીરશૈવ સંપ્રદાયની સ્થાપના, તપશ્ચર્યા, શિવનો સાક્ષાત્કાર, એમનો સંદેશ ઇત્યાદિનું વિસ્તૃત નિરૂપણ એ ગ્રંથમાં કરવામાં આવ્યું છે.

બસવેશ્વેરે લોકભાષામાં ઘણાં ગીતો રચ્યાં છે. તેના દ્વારા એમણે એમના સિદ્ધાંતો સરળતાથી આમજનતા સુધી પહોંચાડ્યા છે. આ ગ્રંથમાં બસવેશ્વેરના જીવનચરિત્રની સાથે-સાથે એમના મુખ્ય શિષ્યોનાં જીવનચરિત્રો પણ ગૂંથ્યાં છે. વેદ, સ્મૃતિ, આગમ વગેરે અનેક આર્ષ ગ્રંથોને આધારે એમણે શિવનું માહાત્મ્ય પણ દર્શાવ્યું છે. તેલુગુના વીરશૈવ વાઙ્મયમાં એ અત્યંત મહત્વની પ્રમાણભૂત રચના છે.

કવિની ભક્તિનો આવેગ કાવ્યમાં સર્વત્ર વ્યાપેલો છે. સંસ્કૃત છંદો તથા દીર્ઘસમાસોવાળી રચના જનતા સુધી પહોંચી શકતી નથી. તેથી એમણે તેલુગુના દ્વિપદી છંદમાં સરળ, સ્વાભાવિક તેલુગુમાં આ કાવ્ય રચ્યું છે. એમાં લોકોક્તિઓ તથા આમજનતામાં પ્રચલિત રૂઢિપ્રયોગોનો છૂટથી પ્રયોગ કર્યો છે. આ કાવ્યનું પંદરમી શતાબ્દીમાં પાળકુરિકે સોમનાથે કન્નડમાં ભાષાંતર કરેલું.

ચન્દ્રકાન્ત મહેતા