બસરા : ‘અલ બસરા’ નામથી ઓળખાતું ઇરાકનું બીજા ક્રમે આવતું મોટામાં મોટું શહેર તેમજ મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : 30° 25´ ઉ. અ. અને 47° 35´ પૂ. રે. તે ઈરાની અખાતના કિનારેથી આશરે 130 કિમી.ને અંતરે વહેતી શત-અલ-અરબ નદીને પશ્ચિમ કિનારે નજીકમાં વસેલું છે. શત-અલ-અરબ નદી ટાઇગ્રિસ અને યુફ્રેટીસ નદીઓ ભેગી થઈને બને છે. અહીં આબોહવાની પ્રતિકૂળતા તથા પાણીની તંગી રહેતી હોવા છતાં આરબોએ 636ની સાલમાં અલ બસરા નામના સ્થળને લશ્કરી મથક તરીકે વસાવીને વેપાર-વણજનું કેન્દ્ર બનાવેલું.
પ્રાચીન કાળથી બસરા સાહિત્ય, વિજ્ઞાન, વાણિજ્ય અને નાણાંની આપલે માટેનું મુખ્ય મથક ગણાતું હતું. 665માં અહીં સ્થાપત્યના ભવ્ય નમૂનારૂપ પ્રથમ મસ્જિદ બાંધવામાં આવેલી. આજુબાજુના પ્રદેશોમાંથી ઘણી વણજારો અહીંથી પસાર થતી વખતે રોકાતી. ‘અરેબિયન નાઇટ્સ’માં વર્ણવેલી ખલાસી સિંદબાદની પરાક્રમ-કથાઓ બસરાને તથા તેના માર્ગોને ઉદ્દેશીને લખાયેલી છે.
1534થી 1918 દરમિયાનના ઑટોમન સામ્રાજ્યના શાસન હેઠળ આ શહેરે તેનું ઐતિહાસિક મહત્વ ગુમાવેલું. પ્રથમ વિશ્વેયુદ્ધ દરમિયાન ગ્રેટ બ્રિટને ઇરાકને જીતી લીધેલું અને અલ અશર ખાતે બંદર બાંધેલું. 1991ના ઈરાની અખાતી યુદ્ધ વખતે અલ બસરા પર ભારે બૉમ્બમારો થયેલો. ઘણા નિવાસીઓએ આ શહેર છોડી દીધેલું અને તેઓ ઇરાકમાં અન્યત્ર વસેલા.
ગિરીશભાઈ પંડ્યા