બસ : વાહનવ્યવહાર-મુસાફરી માટે વપરાતું એન્જિનથી ચાલતું ચતુષ્ચક્રીય (four-wheel) વાહન. માર્ગ-પ્રવાસ માટે વપરાતાં વાહનોમાં બસ અગ્રેસર છે. હકીકતમાં બસ એ મોટરકારનું મોટું સ્વરૂપ છે. બસમાં પણ મોટરકાર (autocar) જેવા જ મહત્વના ભાગો આવેલા છે; જેમ કે ચાર કે છ સિલિન્ડરવાળું પેટ્રોલ કે ડીઝલથી ચાલતું એન્જિન, ક્લચ, ગિયરબૉક્સ, ગિયર બૉક્સથી પૈડાં સુધીની શક્તિસંચારણ-વ્યવસ્થા (power transmission system), ચૅસીઝ, ચૅસીઝ પર મુકાતું માળખું (body), જેમાં તળિયું, બાજુઓ, બારણાં અને ઉપરની છત એ મુખ્ય ભાગો આવેલા હોય છે. તળિયા પર ડ્રાઇવર-કંડક્ટર તથા મુસાફરોને બેસવા માટેની ખુરશીઓ કે પાટલીઓ જડેલી હોય છે.

છેલ્લાં પચાસ વર્ષમાં રેલગાડીના વિકલ્પે બસનો ઉપયોગ સતત વધતો રહ્યો છે. ખાસ કરીને ટૂંકા અને મધ્યમ અંતર(5 કિમી.થી 300 કિમી.)ની મુસાફરી માટે રેલગાડીનો ઉપયોગ કરવો હોય તો પ્રાથમિક શરૂઆતનું મૂડીરોકાણ (capital expenditure) ખૂબ વધારે જોઈએ; વળી જંગલોના ડુંગરાળ અને વિષમ પ્રદેશોમાં રેલવેલાઇન નાખવી બહુ મોંઘી પડે. જ્યાં સારા પ્રમાણમાં માણસો કે વસ્તુઓની હેરફેરની બારે માસ પૂરી શક્યતા હોય ત્યાં જ રેલવેલાઇન નાખવી આર્થિક રીતે પોસાય. આ પરિસ્થિતિમાં બસ જ વધુ અનુકૂળ અને કરકસરભર્યું વાહન જણાય છે.

ભારતમાં, સ્વતંત્રતા મળ્યા બાદ, દરેક રાજ્યમાં મુસાફરી માટે બસવ્યવહાર ખૂબ વધ્યો છે. દરેક રાજ્યમાં રાજ્ય-સંચાલિત રાજ્ય-માર્ગ-વાહનવ્યવહાર નિગમો (State Road Transport Corporations) રચાયાં છે. આ નિગમો જે તે રાજ્યમાં સામાન્ય માણસોને મુસાફરી માટે બસની સુવિધા પૂરી પાડે છે. દેશમાં મોટાભાગનાં ગામડાંઓ સુધી રાજ્ય-સંચાલિત બસની સેવા પહોંચી છે.

મોટાં શહેરોમાં આંતરિક મુસાફરી માટે પણ બસવ્યવહાર એ ખૂબ મહત્ત્વની જોગવાઈ છે. મુંબઈ, કલકત્તા, ચેન્નાઈ, દિલ્હી જેવાં મહાનગરોમાં આંતરિક મુસાફરી માટે રેલવે ઉપરાંત બસ એ મહત્ત્વનું વાહન છે, કારણ કે રેલવે માટે પાટા વગેરેની વ્યવસ્થા મહાનગરોમાં કરવાનું કામ ઘણું ખર્ચાળ અને કપરું હોય છે. રેલવેના મુકાબલે બસવ્યવહાર વધુ સગવડભર્યો ને સહેલો પડે છે.

પ્રવાસી બસ

આજકાલ હરવા-ફરવા માટે, જોવાલાયક ધાર્મિક આદિ સ્થળોએ જવા માટે બસનો ઉપયોગ વધતો જાય છે. આ માટે રાજ્યનિગમની બસો ઉપરાંત ખાનગી ટ્રાવેલિંગ એજન્સીઓની બસો પણ બહોળા પ્રમાણમાં વપરાતી થઈ છે.

બસમાં કેટલા માણસો બેસી શકે છે, તેમાં બેઠકાદિની વ્યવસ્થા કેટલી આરામદાયક છે, તેનો દેખાવ કેવો છે, તે લાંબા અંતરની છે કે ટૂંકા અંતરની, તેનાં થોભવાનાં સ્થાનો કયાં ને કેટલાં છે – આવી આવી અનેક બાબતોને આધારે બસના વિવિધ પ્રકારો પડતા હોય છે.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ