બશોલી ચિત્રશૈલી

April, 2024

બશોલી ચિત્રશૈલી : જમ્મુ(કાશ્મીર)ની પૂર્વમાં આવેલા બશોલી નામના રાજ્યમાં પાંગરેલી પહાડી ચિત્રશૈલીની અનોખી છટા. 17મી સદીના ઉત્તરાર્ધમાં એના શ્રીગણેશ મંડાયા. અહીંના મહારાજા સંગ્રામપાલે મુઘલ દરબારમાંથી રુખસદ પામેલા ચિત્રકારોને આશ્રય આપ્યો. 18મી સદીમાં મહારાણા કિરપાલસિંગે પણ ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું. આથી મુઘલ શૈલી અને સ્થાનિક લોકશૈલીના સંયોગથી અહીં ‘બશોલી શૈલી’નો ઉદભવ થયો. આમાં સ્ત્રીઓની પારદર્શક વેશભૂષા અને પુરુષોનો પહેરવેશ મુઘલ પ્રકારનાં છે, જ્યારે મુખાકૃતિમાં લોકશૈલી નજરે પડે છે. આ વિસ્તારમાં વૈષ્ણવ ધર્મનો વ્યાપક પ્રસાર થયેલો હોવાથી શ્રીકૃષ્ણનું જીવન અને એમની લીલાઓ, વ્રજભૂમિ, વિષ્ણુના અવતારો, રામાયણ અને ભાગવતના કથા-પ્રસંગોનું વિશદ આલેખન થયું છે. તે ઉપરાંત ભાનુદત્તનો નાયક અને નાયિકા – ભેદને લગતો ગ્રંથ ‘રસમંજરી’, ‘ગીતગોવિંદ’, બારમાસા, રાગમાલા, રાજાઓ, દરબારીઓ, વિદ્વાનો, સંગીતકારો, સંતો વગેરેનાં ચિત્રો પણ બન્યાં છે. આ બધાં ચિત્રોમાં રાધા અને કૃષ્ણના પ્રેમમાં માનવહૃદયના કોમળ ભાવોને માર્મિક અને અનોખી રીતે અભિવ્યક્ત કરવામાં આવ્યા છે. જેવી રીતે કૃષ્ણના વિરહમાં ગોપીઓ વ્યાકુળ છે, તેવી રીતે મનુષ્યનો આત્મા પરમાત્માના સંયોગ માટે વ્યાકુળ છે એવો સંકેત કરતાં આ ચિત્રોમાં રહસ્યવાદિતાનો પણ અપૂર્વ સંયોગ થયેલો છે. આંખો અને મુદ્રાઓ એ આ શૈલીની વિશેષતા છે. સુંદર પાર્શ્વગત ચહેરામાં સામું જોતી એક આંખ, આકર્ષક લાગે છે. મદ ઝરતી અને અમૃત નીતરતી આંખો કમળના આકારની અને કર્ણસ્પર્શી કરેલી છે. હાથની મુદ્રાઓમાં અજંટામાં જોવા મળતું કૌશલ વરતાઈ આવે છે. લલાટ, કાન, નાક, મોં, કપોલ, વસ્ત્રસજાવટ, અંગસૌષ્ઠવ અને રંગ-આયોજન મનોહર છે આથી પાત્રાલેખન આવેગમય અને સજીવ લાગે છે. પાત્રોનાં અવતરણ તરીકે કુદરતી દૃશ્યો અને ક્ષિતિજનો ઉપયોગ થયો છે. આભૂષણો દર્શાવવા માટે સફેદ રંગના ઘન ટપકાંનો પ્રયોગ થાય છે. બશોલીના ચિત્રકારોએ રંગોનો પ્રયોગ પ્રતીકાત્મક રીતે કરેલો છે. દા. ત., પીળો રંગ વસંત અને સૂર્યના પ્રકાશનો પ્રતીક છે. તો સાથોસાથ પીળા રંગનો તાપ પ્રેમીઓના પ્રેમજ્વરનું પણ પ્રતીક છે. લાલ રંગ પ્રેમદેવતાનો પ્રતીક છે અને શૃંગાર દૃશ્યોમાં કરેલા તેના પ્રયોગમાં ચિત્રકારોને અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ભૂમિકામાં ઘેરો પીળો, આછો લીલો, લાલ અને ચૉકલેટ જેવા રંગોનો પ્રયોગ ચિત્તાકર્ષક છે. આ બધી વિશેષતાઓને લઈને બશોલી શૈલીનાં ચિત્રો ખૂબ લોકપ્રિય થયાં છે.

પ્રવીણચંદ્ર પરીખ