બલ્લાલસેન (અગિયારમી સદીનો ઉત્તરાર્ધ) : મહાન ભારતીય જ્યોતિર્વિદ્. બંગાળના રાજા વિજયસેનના પુત્ર. રાજ્યારોહણ 1158માં. તેમના ગુરુનું નામ અનિરુદ્ધ ભટ્ટ હતું.

રાજવી તરીકે ફરજ બજાવતાં બજાવતાં એમણે ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં માત્ર લેખક જ નહિ, પણ સંશોધક તરીકે પણ ખ્યાતિ પ્રાપ્ત કરી. તેમના સમકાલીન પંડિતોની હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું. ભારતીય વૈદિક જ્યોતિષથી માંડીને છેક અગિયારમી સદી સુધીના જ્યોતિષાચાર્યોમાં આ ઘટના વિરલ છે.

તેમણે પાંચ ગ્રંથો ‘દાનસાગર’, ‘પ્રતિષ્ઠાસાગર’, ‘આચારસાગર’, ‘વ્રતસાગર’ અને ‘અદભુતસાગર’ની રચના કરી. તેમાં પ્રથમ ચાર ગ્રંથો ધર્મશાસ્ત્રના છે અને અંતિમ ‘અદભુતસાગર’ નામ પ્રમાણે સૂર્યજ્યોતિષસિદ્ધાંતનો અદભુત-પ્રમાણભૂત ગ્રંથ છે. ગ્રંથરચના સાલ 1180ની પ્રાપ્ત થાય છે. સમગ્ર ભારત જ્યારે ભાગવતના ભક્તિરસથી પરિપ્લાવિત થતું હતું ત્યારે આકાશી ગ્રહો અને ખાસ કરીને સૂર્યનું અને તેમાં જોવા મળતા ડાઘ(spot)નું તેમણે પ્રત્યક્ષ પ્રયોગો દ્વારા સંશોધન કર્યું અને તારણો ઉપર આવીને સૌપ્રથમ વાર તેમણે એ સિદ્ધ કર્યું કે ‘बुधभार्गवाच्छादन’ સિવાય સૂર્ય ઉપર છિદ્ર દેખાય તો તે પરચક્રમાં આવે છે. આથી બુધ-શુક્ર દ્વારા થતા સૂર્યબિંબનો ભેદ એમની જાણમાં હતો. આ સિવાય સૂર્યછિદ્ર એટલે સૂર્યડાઘ. સૂર્યનાં બંને અયનોનો વિચાર કરી, અયનાંશ પ્રત્યક્ષ નિરીક્ષણ-પરીક્ષણ દ્વારા નિશ્ચિત કરી, સૂર્યગ્રહણ અંગેના સ્વતંત્ર સિદ્ધાંત તેમણે સ્થાપ્યા છે. આથી જ તેમને સુધાકર દીક્ષિતે સ્વતંત્ર સંશોધક તરીકે, પ્રતિભાશાળી જ્યોતિર્વિદ્ તરીકે ઓળખાવેલ છે.

આ ‘રાજા પંડિતે’ સૂર્યોપાસના(સંશોધન)માં પોતાનું સમગ્ર ચિત્ત જોડ્યું. જ્યોતિષશાસ્ત્રના સૂર્યસિદ્ધાંતક્ષેત્રે તેમનું નામ આજે પણ અદ્વિતીય છે. તેમણે આ ગ્રંથરચનામાં પરંપરાગત ‘અધ્યાય’ ખંડોને તિલાંજલિ આપી, સમગ્ર ગ્રંથને ‘અધ્યાય’ને બદલે ‘આવર્ત’માં સંકલિત કર્યો છે. એમાં વસ્તુની સળંગસૂત્રતા જળવાય તે રીતે વિષયનું સૂત્રાત્મક સંકલન કર્યું છે. બાહ્ય સ્થૂલખંડોને બદલે આ ‘આવર્ત’ શબ્દ દ્વારા ગ્રંથને એકસૂત્રતાથી બાંધવાનો તેમનો અભિગમ સ્પષ્ટ છે.

બલ્લાલસેન વહારમિહિર પછી લગભગ 500 વર્ષે થયા. અગિયારમી સદીમાં ભક્તિ સંપ્રદાયનાં મોજાં વચ્ચે એમણે જ્યોતિષની સાધના કરી. વસંતરાજ પ્રભાકર વગેરે પૂર્વાચાર્યોની એમના ગ્રંથ ઉપર પ્રબળ અસર જરૂર જોવા મળે છે, તેમ છતાં તે મૌલિક ગ્રંથકર્તા તરીકે પોતાની આગવી પ્રતિભા સ્થાપિત કરવામાં સફળ થયા છે. તેમના આ ગ્રંથમાં ‘ભાગવત’ના ઉલ્લેખો વારંવાર આવે છે.

તત્કાલીન પ્રચલિત ગ્રંથો ‘વિષ્ણુધર્મોત્તર’, ‘શ્રીમદભાગવત’ અને ‘વટકણિકા’ વગેરેનો પ્રભાવ ‘અદભુતસાગર’ ઉપર વિશેષ જોવા મળે છે. વળી વહારમિહિરના ‘પંચસિદ્ધાંતિકાની’ અસર પણ ઘણી છે. એમના ગ્રંથમાં વહારમિહિર પ્રત્યેનો તેમનો આદર સ્પષ્ટ રીતે જોવા મળે છે. આ રાજાની સ્મૃતિમાં એના નામ પરથી બલ્લાલ નામે સંવત સ્થપાયો હતો.

બટુક દલીચા