બલ્ગેરિયા

અગ્નિ યુરોપના બાલ્કન દ્વીપકલ્પ પર આવેલો, બાલ્કન દેશો પૈકીનો એક દેશ. આ દેશ આશરે 41° 15´થી 44° 10´ ઉ. અ. અને 22° 20´થી 28° 25´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેનો કુલ વિસ્તાર 1,10,912 ચોકિમી. જેટલો છે. તેનું પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર 492 કિમી. અને ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 274 કિમી. જેટલું છે. તેના દરિયાકિનારાની કુલ લંબાઈ 282 કિમી. જેટલી છે. આખો દેશ 28 જેટલા પ્રાંતોમાં વહેંચાયેલો છે. તે ઉત્તરમાં રુમાનિયાથી, પૂર્વમાં કાળા સમુદ્રથી, અગ્નિકોણમાં તુર્કીથી, દક્ષિણમાં ગ્રીસથી અને પશ્ચિમમાં યુગોસ્લાવિયાથી ઘેરાયેલો છે. દેશનો ઘણોખરો વિસ્તાર પર્વતો, મેદાનો તથા ફળદ્રૂપ ખીણપ્રદેશોથી આવરી લેવાયેલો છે.

પ્રાકૃતિક રચના–જળપરિવાહ : પ્રાકૃતિક રચના મુજબ દેશને ચાર પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાય : (1) ડૅન્યૂબનો ઉચ્ચપ્રદેશ : બલ્ગેરિયાને રુમાનિયાથી અલગ પાડતી ઉત્તર સરહદ પર ડૅન્યૂબ નદી વહે છે. ડૅન્યૂબ નદીથી દક્ષિણ તરફનો બાલ્કન પર્વતો સુધીનો ઉત્તર વિભાગ ઉચ્ચપ્રદેશથી બનેલો છે. તે વેલેશિયાનાં મેદાનોના ભાગરૂપ છે. તેની સરેરાશ ઊંચાઈ 178 મીટર જેટલી છે. આ પ્રદેશ મુખ્યત્વે ચૉકના ખડકોથી બનેલો છે અને તેની સપાટી પર લોએસના થરો પથરાયેલા છે. અહીંની જમીનો છિદ્રાળુ છે અને ભૂપૃષ્ઠ એકંદરે શુષ્ક રહે છે. આ વિભાગ દેશનો ખૂબ જ ફળદ્રૂપ પ્રદેશ ગણાય છે.

(2) બાલ્કન પર્વતો : ડૅન્યૂબના ઉચ્ચપ્રદેશથી દક્ષિણે દેશના મધ્યભાગમાં ચૂનાખડકો અને રેતીખડકોથી બનેલા ગેડવાળા પર્વતો આવેલા છે, તે પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલા છે. તેમનાં ગોળ શિરોભાગવાળાં શિખરોની સરેરાશ ઊંચાઈ 722 મીટરની છે. માઉંટ બોટેવ 2,376 મીટર ઊંચાઈ ધરાવતું આ વિભાગનું સર્વોચ્ચ શિખર છે. આ પર્વતોની દક્ષિણમાં તેને સમાંતર સ્ટારા પ્લેનિના(stara planina)ની પર્વતશ્રેણી આવેલી છે, તેનું ભૂસ્તરીય લક્ષણ ખંડ સ્તરભંગ(block faulting)ની રચનાવાળું છે. ત્યાં સ્રેડના ગોરા (Sredna Gora), વિતોશા, લિસા વગેરે પર્વતો તેમજ સંખ્યાબંધ થાળાં આવેલાં છે. (3) મૅરિત્સા નદીનો

બલ્ગેરિયા (રાજકીય)

ખીણપ્રદેશ : બાલ્કન પર્વતોની દક્ષિણ તરફ અને રહોડોપ પર્વતોની ઉત્તરે મૅરિત્સા નદીનો ફળદ્રૂપ જમીનોવાળો ખીણપ્રદેશ આવેલો છે. તે પૂર્વમાં કાળા સમુદ્ર તથા દક્ષિણ અને પશ્ચિમમાં આવેલા રહોડોપ પર્વતોની વચ્ચેના પ્રદેશને આવરી લે છે. આ નદી પ્લોવદીવ થાળામાં થઈને દક્ષિણ તરફ વહીને એજિયન સમુદ્રને મળે છે. અહીં ખેડૂતો મૅરિત્સા અને તુંડ્ઝા નદીખીણોના વિસ્તારમાં ફળો તથા શાકભાજીનું વાવેતર કરે છે. (4) રહોડોપ પર્વતો : આ પર્વતો દેશના છેક દક્ષિણ ભાગમાં આવેલા છે. તેમનું ભૂપૃષ્ઠ ઊંચું અને અસમતળ છે. રહોડોપ પર્વતોનું ગોલિયામ પેરેલિક શિખર 2,191 મીટર ઊંચું છે, જ્યારે 2,925 મીટરની ઊંચાઈ ધરાવતું દેશનું સર્વોચ્ચ શિખર મુસાલા રિલા પર્વતમાં આવેલું છે. અહીંના શિખરજૂથના દક્ષિણ ભાગો ધોવાણની અસરથી નીચા બની ગયા છે. અહીંની સ્ટ્રુમા અને મેસ્તા નદીઓએ રચેલી ઊંડી અને ઊભા ઢોળાવવાળી ખીણો નોંધપાત્ર છે.

ડૅન્યૂબને બાદ કરતાં અહીંની બધી નદીઓ ટૂંકી છે. મૅરિત્સા, ઈસ્કુર, સ્ટ્રુમા, આર્દા, તુંડ્ઝા, યંત્રા વગેરે અન્ય અગત્યની નદીઓ છે. અહીં આવેલાં ઘણાં સરોવરો પૈકી બે વિશાળ સરોવરો કાળા સમુદ્રકાંઠા નજીકના વિસ્તારમાં જોવા મળે છે. આ ઉપરાંત દક્ષિણના ઊંચા પર્વતોમાં હિમનદીજન્ય તથા ચૂનાખડકોના પ્રદેશમાં રચનાત્મક (structural) સરોવરો આવેલાં છે. અહીં લગભગ 500 જેટલા ખનિજીય ઝરા પણ છે, તે પૈકીના અર્ધા ગરમ પાણીના છે. સેપારેવા બૅન્યા (Sapareva Banya) ખાતેના એક ઝરાનું પાણી 103° સે. જેટલું તાપમાન ધરાવે છે.

આબોહવા : બલ્ગેરિયાના ઘણાખરા ભાગોમાં સમશીતોષ્ણ કટિબંધની ખંડીય આબોહવા પ્રવર્તે છે. દેશના પ્રાકૃતિક વિભાગોની વિવિધતાને કારણે સ્થાનભેદે જુદી જુદી આબોહવા જોવા મળે છે. રશિયા તરફથી વાતા ઈશાની પવનો ગરમી, ઠંડી તથા વરસાદ પર નિયંત્રણ ધરાવે છે. ઉનાળા ગરમ અને શિયાળા અતિ ઠંડા હોય છે. દેશની પશ્ચિમે આવેલા સોફિયાનું જાન્યુઆરીનું લઘુતમ અને ગુરુતમ તાપમાન અનુક્રમે –4° સે. અને 2° સે. રહે છે. દેશનું જુલાઈનું સરેરાશ તાપમાન 24° સે. જેટલું ગણાય છે, જ્યારે સોફિયા માટે લઘુતમ અને ગુરુતમ તાપમાન અનુક્રમે 16° સે. અને 23° સે. જેટલું રહે છે. આમ છતાં દેશમાં વધુમાં વધુ અને ઓછામાં ઓછું તાપમાન અનુક્રમે 45° સે. અને  –38° સે. સુધી જઈ શકે છે.

દેશમાં પર્વતો સિવાય અન્યત્ર હિમવર્ષાનું પ્રમાણ લગભગ નજીવું રહે છે. મધ્ય ઑક્ટોબરથી મધ્ય મે સુધી મેદાનોમાં હિમવર્ષા થાય છે. વર્ષમાં સરેરાશ 25–30 દિવસો સુધી ભૂમિ હિમાચ્છાદિત રહે છે. મે અને ઑગસ્ટ દરમિયાન અહીં કરાનાં તોફાનો પણ થાય છે. સોફિયામાં મેથી ઑગસ્ટના ચાર માસ વધુ વરસાદવાળા રહે છે. સોફિયાનો સરેરાશ વાર્ષિક વરસાદ 661 મિમી. જેટલો રહે છે. જોકે પહાડી પ્રદેશમાં વાર્ષિક વરસાદ 1,000 મિમી. જેટલો પડે છે. દેશની દક્ષિણ સીમા તરફ ભૂમધ્ય પ્રકારની આબોહવા પ્રવર્તે છે, જ્યાં ઉનાળા સૂકા અને શિયાળા ભેજવાળા રહે છે, દેશના મધ્યભાગની આબોહવા સંક્રાન્ત સ્વરૂપની હોય છે. કાળા સમુદ્રનો કિનારાનો પ્રદેશ શિયાળામાં નરમ રહે છે.

જંગલો : દેશના આશરે 13 ભાગમાં, મુખ્યત્વે પહાડી ક્ષેત્રોમાં જંગલો આવેલાં છે. મેદાનો તથા નીચા ઢોળાવો પર પાનખર-વૃક્ષો, થ્રેસિયનનાં મેદાનોમાં ચેસ્ટનટ તથા વૉલનટનાં વૃક્ષો, બાલ્કન પર્વતો પર ઓક અને બીચનાં વૃક્ષો તથા રહોડોપ હારમાળાના ઊંચા ઢોળાવો પર શંકુદ્રુમ જંગલોનું પ્રમાણ વિશેષ છે. આ બધાં જંગલો વિવિધ પ્રકારની પ્રાણીસૃષ્ટિ ધરાવે છે. જંગલોમાંથી જંગલપેદાશો પણ મેળવવામાં આવે છે.

સુગંધી તેલો અને અત્તરોના ઉત્કૃષ્ટ ઉત્પાદન માટે બલ્ગેરિયા વિશ્વેપ્રસિદ્ધ છે અને તેની મોટા પાયે નિકાસ થાય  છે. પુષ્પોના બગીચામાં કાર્યરત બલ્ગેરિયન શ્રમિકોનું એક ર્દશ્ય

જમીનો : દેશના ઉત્તર ભાગમાં ચેર્નોઝેમ નામથી ઓળખાતી કાળી તથા ભૂખરી જમીનો આવેલી છે. દક્ષિણમાં મુખ્યત્વે ઘેરા રંગની વિભાગીય જમીનો છે. તે ઊંડી, દળદાર અને સેન્દ્રિય દ્રવ્યોવાળી છે.

અર્થતંત્ર : દુનિયામાં બલ્ગેરિયાની ગણના વિકાસશીલ દેશોમાં થાય છે. દેશના અર્થતંત્રનો મુખ્ય આધાર સરકારી માલિકી ધરાવતાં કારખાનાં, ખાણો, ખેતરો તથા અન્ય ઉત્પાદકીય ક્ષેત્રો પર રહેલો છે. બધી જ પ્રવૃત્તિઓ સરકાર-હસ્તક છે, પરંતુ વહીવટી કુશળતાનો અભાવ, કુશળ કારીગરોની અછત અને ઇંધનની તંગી જેવાં કારણોથી દેશમાં અર્થતંત્રનો વિકાસ મંદ પડેલો છે. 1989થી સરકારે અર્થતંત્રને પગભર કરવા માટે ધંધા, ખાનગી માલિકીનાં સાહસો તથા એકમોને વિસ્તારવાની યોજનાઓ મૂકેલી છે. 1997થી તેમાં વધુ સુધારા અમલમાં આવ્યા છે.

ઉત્પાદનક્ષેત્ર : ખાણ-ઉત્પાદન તથા ઊર્જા-ઉત્પાદનનાં ક્ષેત્રો દેશના 50 % ઉત્પાદનને તથા 33 % કારીગરોને આવરી લે છે. રસાયણો, પ્રક્રમિત ખાદ્યસામગ્રી, ધાત્વિક ચીજવસ્તુઓ, યંત્રસામગ્રી અને કાપડના મહત્વના ઉદ્યોગો દેશમાં આવેલા છે. ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતાં રહેલાં તકનીકી સાધનો આજે તો કાલગ્રસ્ત થઈ ગયાં હોવાથી અહીંની ઘણીખરી પેદાશો દુનિયાના બજારમાં ટકી શકતી નથી. વળી સરકારી નાણાકીય સહાય વિના મોટાભાગના ઉદ્યોગો કાર્યરત રહી શકતા નથી. દેશના મોટા ભાગના ઉદ્યોગો સોફિયા, દિમિત્રોવગ્રૅડ, રુઝે (Ruse), પ્લોવદિવ અને વર્નામાં કેન્દ્રિત થયેલા છે.

ખાણો-ઊર્જા : દેશમાં નાના પાયા પર ઘણા ખનિજ-નિક્ષેપો મળે છે. કથ્થાઈ કોલસો, લિગ્નાઇટ, તાંબું, સીસું, જસત, મૅંગેનીઝ, લોખંડ, ગંધક, પાયરાઇટ, મીઠું અને કેઓલિનનું ખનનકાર્ય ચાલે છે. થોડાક પ્રમાણમાં ખનિજતેલ અને કુદરતી વાયુ પણ મળી આવે છે, તેથી બાકીની જરૂરિયાત મુજબ તેની આયાત કરવામાં આવે છે. ઉદ્યોગો તથા તાપવિદ્યુતમથકો માટે બહારથી કોલસો મંગાવવો પડે છે. મૅરિત્સા-ઇઝટોક, દિમિત્રોવોગ્રૅડ, પેર્નિક, સોફિયા, પ્લોવદિવ અને રુઝે ખાતે તાપવિદ્યુતમથકો સ્થાપવામાં આવ્યાં છે. વળી સોવિયેત સંઘની મદદથી કોઝલોડુય ખાતે એક અણુવિદ્યુતમથક બાંધવામાં આવ્યું છે, જે દેશની 25% વીજળીની જરૂરિયાત પૂરી પાડે છે.

સેવા-ઉદ્યોગો : બલ્ગેરિયાના ચોખ્ખા ઉત્પાદન-મૂલ્યનો 20 % હિસ્સો સેવા-ઉદ્યોગોને ફાળે જાય છે, આ ઉદ્યોગોમાં શિક્ષણ, સ્વાસ્થ્યસંભાળ જેવી સમાજોપયોગી પ્રવૃત્તિઓ તથા દુકાનો, હોટેલો, રેસ્ટોરાં, પરિવહન અને સંદેશાવ્યવહારનો સમાવેશ થાય છે. દેશના આશરે 33 % લોકો તેમાં રોકાયેલા છે.

આ  ઉપરાંત, દેશમાં અનેક પ્રકારના અન્ય ઉદ્યોગો છે. વિશ્વેયુદ્ધો પૂર્વે વર્ના ખાતે જહાજ-બાંધકામનો ઉદ્યોગ તથા પેર્નિક, સોફિયા, પ્લોવદિવ અને રુઝે ખાતે લોખંડ-પોલાદનાં કારખાનાં વિકસેલાં હતાં. તે ઉપરાંત આજે ક્રેમિકોવત્સી ખાતે પોલાદનું એક મોટું કારખાનું સ્થાપવામાં આવ્યું છે. એવી જ રીતે કુર્ડઝાલીમાં સીસા-જસતનાં; પિર્ડોપમાં તાંબાની ધાતુનાં તથા ગંધકના તેજાબનાં તેમજ દિમિત્રોવગ્રૅડ, સ્ટારાઝાગોરા, વ્રત્સા, ડેવન્યા તથા વિદિન ખાતે રસાયણોને લગતાં કારખાનાં છે. બર્ગાસ ખાતે રિફાઇનરી તથા પેટ્રો-રસાયણ ઉદ્યોગો સ્થપાયા છે. આ સિવાય યંત્ર-સામગ્રી (ઇજનેરી), ધાતુ-પ્રક્રમણ, રબર, સિગારેટ, ચામડાં, કાગળ, સિમેન્ટ, રાચરચીલું, ખાદ્ય ચીજોનું (પીણાં, ખાંડ, માંસ, મરઘાંનું માંસ, ખાદ્ય તેલો, લોટ, ફળપૅકિંગ, મત્સ્ય વગેરેનું) પ્રક્રમણ, સુતરાઉ-ગરમ-રેશમી કાપડ વગેરેને લગતા ઉદ્યોગો પણ આગળ પડતા છે. આ ઉપરાંત કાળા સમુદ્રને કાંઠે પ્રવાસન-ઉદ્યોગ વિકસ્યો છે, તે દેશના અન્ય આધુનિક વિહારધામો સુધી વિસ્તરેલો છે.

ખેતી : દેશનો આશરે અર્ધો ભૂમિ-વિસ્તાર (આશરે 60 લાખ હેક્ટર જમીન) ખેતી હેઠળ છે. દેશના 20%–25% લોકો ખેતીપ્રવૃત્તિમાં રોકાયેલા છે અને ચોખ્ખા ઉત્પાદન-મૂલ્યનો બીજો 20 % હિસ્સો ખેતીને ફાળે જાય છે. ડૅન્યૂબનો ઉચ્ચપ્રદેશ સોફિયા થાળું, થ્રેસિયન મેદાનો, નદીખીણ વગેરે જેવા પ્રદેશો દેશના મુખ્ય ખેતપેદાશોના ઉત્પાદક વિસ્તારો છે. અહીં ઘઉં, મકાઈ, જવ, ઓટ, ડાંગર, રાય, સફરજન, દ્રાક્ષ, જામફળ, તડબૂચ, બટાટા, ટમેટાં, શુગરબીટ, તમાકુ અને ગુલાબનાં ફૂલોની ખેતી થાય છે. કઝાનલુક નજીક ગુલાબના વિશાળ બગીચા આવેલા છે. બલ્ગેરિયા  તેના ગુલાબના અત્તર તથા સુગંધીદાર પદાર્થોના ઉત્પાદનમાં દુનિયાભરમાં વિખ્યાત છે.

આ દેશમાં 1970–71થી સહકારી ધોરણે ખેતી કરતાં રાજ્યમાલિકીનાં વિશાળ જૂથોમાં ‘ખેત ઉદ્યોગ-સંકુલો’ પ્રસ્થાપિત કરવામાં આવ્યાં છે. અહીં સ્વયંસંચાલનીકરણ (automation) પુરવઠો તથા બજારમાંગની સગવડ ઉપલબ્ધ થાય છે. આ દેશમાં દુધાળાં ઢોર, માંસ માટેનાં ઢોર, ડુક્કર, ઘેટાંબકરાં, મરઘાં વગેરેનું પાલન કરવામાં આવે છે. તેમાંથી માંસ, ઊન, ડેરીપેદાશો વગેરે મળી રહે છે. આ સિવાય અહીં કાળા સમુદ્રમાં મત્સ્યપ્રવૃત્તિ પણ થાય છે. કેટલાંક મત્સ્યજહાજો તો દૂર દૂર ભૂમધ્ય સમુદ્ર સુધી પણ જાય છે.

વિદેશ-વ્યાપાર : આ દેશ યંત્રસામગ્રી, યાંત્રિક સાધનો, અનાજ, ઉપભોક્તા-માલસામાન (તાજાં અને પૅક કરેલાં ફળો, દારૂ, મધ, સિગારેટ, માંસ, ગુલાબ અને ગુલાબનું અત્તર), ઢોર વગેરેની નિકાસ કરે છે; જ્યારે ઇંધન માટેનું ખનિજતેલ, પરિવહનનાં સાધનો, રસાયણો તથા ઉપભોક્તા-ચીજવસ્તુઓની આયાત કરે છે. બલ્ગેરિયા પૂર્વ યુરોપીય દેશો તેમજ રશિયા સાથે વેપારથી જોડાયેલું છે. વળી તે ઑસ્ટ્રિયા, જર્મની, ગ્રેટબ્રિટન સાથે વેપાર કરે છે. વર્ષમાં બે વાર પ્લોવદિવ ખાતે વેપારમેળો ભરાય છે.

પરિવહન-સંદેશાવ્યવહાર : બલ્ગેરિયામાં આશરે 7,630 કિમી.ના રેલમાર્ગો તથા 36,470 કિમી.(25 % પાકા)ના સડકમાર્ગો આવેલા છે. દેશની પરિવહન વ્યવસ્થાનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે, તેથી રેલમાર્ગો-સડકમાર્ગોની જાળ સોફિયામાં કેન્દ્રિત થઈ છે. તે રેલમાર્ગે કાળા સમુદ્ર કિનારા સાથે સંકળાયેલું રહે છે. પ્લોવદિવ અને સ્ટારા ઝાગોરા અન્ય અગત્યનાં રેલમથકો છે. ‘યુરોપિયન આંતરરાષ્ટ્રીય ધોરી માર્ગ’ સોફિયાને ઇસ્તંબુલ સાથે સાંકળે છે. ડૅન્યૂબ નદી આંતરિક તથા આંતરરાષ્ટ્રીય જળપરિવહન સેવાઓ પૂરી પાડે છે. રુઝે, લોમ, વિદીન અને સ્વિસ્ટોવ નદીબંદરો છે. કાળા સમુદ્રને કાંઠે આવેલું બર્ગાસ અને વર્ના દેશનાં પ્રથમ અને બીજા ક્રમે આવતાં બંદર છે. ત્યાંથી નિયમિત આંતરરાષ્ટ્રીય જહાજસેવાઓ ચાલે છે. સોફિયા, વર્ના અને બર્ગાસ એ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો પણ છે.

બલ્ગેરિયન ટેલિગ્રાફ એજન્સી વિદેશી અને રાષ્ટ્રીય સમાચારો પૂરા પાડે છે. દેશમાં 24 જેટલાં રેડિયોમથકો અને ત્રણ ટેલિવિઝન-ચૅનલો છે. રોજનાં 14 જેટલાં દૈનિકપત્રો તથા 1,200 જેટલાં અન્ય સામયિકો બહાર પડે છે. લોકો હવે ટેલિવિઝન અને રેડિયો વસાવતા થયા છે.

વસ્તી-વસાહતો : 1991 મુજબ બલ્ગેરિયાની કુલ વસ્તી 90,15,000 જેટલી હતી. તે 1996માં 90,43,000 થવાની શક્યતા હતી. શહેરી વસ્તી 70 % અને ગ્રામીણ વસ્તી 30% છે. વસ્તી-ગીચતા દર ચોકિમી. મુજબ 81 વ્યક્તિની છે. દેશમાં 85 % બલ્ગેરિયન, 8.5 % તુર્કી, 2.6 % જિપ્સી, 2.5 % મેસેડોનિયન છે. આ ઉપરાંત આર્મેનિયન, ગ્રીક, રશિયન તથા અન્ય પણ છે. વસ્તીના 85 % બલ્ગેરિયન ઑર્થોડૉક્સ, 13 % મુસ્લિમ અને 2 % અન્ય છે. અહીં બલ્ગેરિયન તથા તુર્કી ભાષાઓ બોલાય છે. દેશમાં શિક્ષણનું પ્રમાણ 95 % જેટલું છે. દેશમાં વસ્તીનું કેન્દ્રીકરણ મેદાનો તથા નદીખીણોમાં થયેલું છે. દેશની બધી જ શાળાઓ સરકાર-હસ્તક છે, 7થી 15 વર્ષની વયનાં બાળકો માટે શાળામાં જવાનું ફરજિયાત છે. પ્રાથમિક, માધ્યમિક શાળાઓ ઉપરાંત અહીં 25 જેટલી ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ છે.

સોફિયા : વસ્તી 11,89,000 (1996). રહોડોપ પર્વતોની તળેટીમાં ઇસ્કુર નદીકાંઠે વસેલું દેશનું મુખ્ય શહેર અને પાટનગર છે. વળી તે દેશનું સાંસ્કૃતિક, વ્યાપારિક અને ઔદ્યોગિક મથક પણ છે. આ ઉપરાંત બર્ગાસ, વર્ના, રુઝે, પ્લોવદિવ વગેરે અન્ય અગત્યની શહેરી વસાહતો છે. 1946માં સામ્યવાદીઓ અહીં સત્તા પર આવ્યા ત્યારે લોકોનું જીવનધોરણ નીચું હતું, જે હવે થોડા પ્રમાણમાં સુધર્યું છે. દેશમાં બેકારીનું પ્રમાણ ઊંચું છે. રોજીના દર નીચા છે. ઘણા ઓછા લોકો વાહનો રાખી શકે છે કે ઘરમાં સગવડો ધરાવી શકે છે. તેમની રોજિંદી ખોરાકી વાનગીઓમાં ગોમાંસ કે ડુક્કરનું-ઘેટાંનું માંસ તથા સાદાં રસાદાર શાકભાજી હોય છે. દહીં તેમની મનપસંદ વાનગી અને બ્રાન્ડી તેમનું માનીતું પીણું છે.

મનોરંજન-કલા : દેશના જુદા જુદા ભાગોમાં લોકો મિત્રો અને સ્નેહીસંબંધીઓના મેળાવડા યોજે છે. અહીંના લોકો જુદાં જુદાં સ્થળો પર ફરવા જવાના ખૂબ શોખીન છે, મોટાભાગના લોકો શારીરિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે રોજ ચાલવા જાય છે. ફિલ્મો, સંગીત, નૃત્ય અને પુસ્તકવાચન યુવાવર્ગનાં શોખનાં સાધનો ગણાય છે. તેઓ સૉકર જેવી રમતોની સ્પર્ધા યોજે છે. રજાઓ દરમિયાન લોકો કાળા સમુદ્રના તટે રહેવા જાય છે.

નવમી અને દસમી સદીનો ગાળો બલ્ગેરિયા માટે સુવર્ણયુગ ગણાય છે. એ અરસામાં થઈ ગયેલા કલાકારો અને હુન્નરવિદોએે બાયઝૅન્ટીન દેવળો, ધાર્મિક સ્થળો તથા ચિત્રોની રચનાઓ કરેલી. અગિયારમી સદી દરમિયાન સાહિત્ય પણ સમૃદ્ધિ પામેલું. ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં ઑટોમાન તુર્કોએ બલ્ગેરિયા જીતી લીધેલું; ત્યારપછી કલામાં ઓટ આવેલી, પરંતુ ઓગણીસમી સદીમાં તુર્કોની સત્તા નબળી પડતાં ફરીને દેશની સંસ્કૃતિમાં સુધારો થયો. ઓગણીસમી સદીમાં અહીં કવિ ખ્રિસ્તો બોટેવ અને નવલકથાકાર ઇવાન વાઝોવ નામના બે મહાનુભાવો થઈ ગયા. ત્યારપછી સામ્યવાદી સરકાર સત્તા પર આવતાં ધર્મ તથા કલાક્ષેત્ર પર મર્યાદાઓ આવેલી, પરંતુ તે પછીની સુધારાવાદી સરકારે નિયંત્રણો હઠાવી દીધાં. બૉરિસ ક્રિસ્તૉફ અને નિકોલાઈ ઘિયોરોવ જેવા પ્રસિદ્ધ ઑપેરા-ગાયકોએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી દેશનું નામ સંગીતક્ષેત્રે રોશન કર્યું છે.

વહીવટ : પ્રમુખ દેશના વડા ગણાય છે, જેમની ચૂંટણી કરવાનો અધિકાર નૅશનલ ઍસેમ્બ્લીને હોય છે. જે રાજકીય પક્ષ બહુમતીથી જીતે, તેને પોતાનો વડો પ્રધાન ચૂંટવાનો હક પ્રાપ્ત થાય છે. વડાપ્રધાન પોતાના પ્રધાનમંડળની વરણી કરે છે, જે ‘કાઉન્સિલ ઑવ્ મિનિસ્ટર્સ’ કહેવાય છે. દેશના 18 વર્ષના કે તેથી વધુ વયના તમામ નાગરિકોને મતાધિકાર હોય છે.

પાટનગર સોફિયા ખાતેનું બલ્ગેરિયાના સ્વાતંત્ર્યનું સ્મારક

સ્થાનિક સરકાર : દેશને શહેરી વિસ્તાર સોફિયાના અલગ એકમ ઉપરાંત અન્ય આઠ વિભાગોમાં વિભાજિત કરેલો છે. આ આઠ વિભાગોને નાના-મોટા 1,100 શહેરી તથા ગ્રામીણ સ્થાનિક વહીવટી એકમોમાં વહેંચેલા છે. પ્રત્યેક માટે એક અધિકારી નિમાય છે.

અદાલતો : દેશમાં સર્વોચ્ચ અદાલતની તથા વહીવટી વિભાગો માટે નીચલી અદાલતોની વ્યવસ્થા છે. નૅશનલ ઍસેમ્બ્લી સર્વોચ્ચ ન્યાયાધીશની ચૂંટણી કરે છે. જ્યારે નીચલી અદાલતોના ન્યાયાધીશો સામાન્ય ચૂંટણી દરમિયાન પસંદગી પામે છે. લશ્કરને તેમની પોતાની આગવી અદાલતો છે.

લશ્કરી દળો : દેશના સંરક્ષણ અર્થે ભૂમિદળ, નૌકાદળ, અને હવાઈ દળની વ્યવસ્થા છે. તેમાં 1,48,000 જેટલા જવાનો સેવા આપે છે. 19 વર્ષ કે તેથી વધુ વયના પુરુષોની જરૂરિયાત મુજબ બે કે ત્રણ વર્ષ માટે સંરક્ષણ-સેવામાં ભરતી કરી શકાય છે.

ઇતિહાસ : આજથી આશરે 3,000 વર્ષ અગાઉ આજે જ્યાં બલ્ગેરિયા છે ત્યાં થ્રેસિયન નામથી ઓળખાતા લોકોએ સર્વપ્રથમ સંસ્કૃતિ સ્થાપેલી. ઈ. સ. 40ના દસકા દરમિયાન બલ્ગેરિયા રોમન સામ્રાજ્યનો એક ભાગ રહેલું. દક્ષિણ પોલૅન્ડ અને સોવિયેત સંઘના સ્લાવ લોકો છઠ્ઠી સદી દરમિયાન અહીં આવીને વસેલા. સાતમી સદીમાં મધ્ય એશિયામાંથી વિચરતી બલ્ગર જાતિઓ સ્થળાંતર કરીને અહીં આવેલી. આ ગાળા દરમ્યાન બલ્ગર લોકો સ્લાવિક લોકો સાથે ભળ્યા અને મિશ્ર પ્રજા ઉદભવતી ગઈ.

પ્રથમ બલ્ગેરિયન સામ્રાજ્ય : 681માં બાલ્કન વિસ્તારમાં સ્થપાયેલું બલ્ગેરિયન સામ્રાજ્ય ક્રમે ક્રમે ખૂબ જ શક્તિશાળી બનેલું. 893માં ગાદીએ આવેલા સિમિયન પહેલાના શાસનકાળ દરમિયાન બલ્ગેરિયા વેપાર, સાહિત્ય અને કલાક્ષેત્રે સમૃદ્ધિ પામેલું તથા આલ્બેનિયા, મૅસિડોનિયા, સર્બિયા અને બાઇઝેન્ટાઇન સામ્રાજ્યના કેટલાક વિસ્તારોને તેણે બલ્ગેરિયાના વર્ચસ્ હેઠળ લાવી મૂકેલા. 927માં તેના મૃત્યુબાદ બલ્ગેરિયાનું રાજકીય મહત્ત્વ ઘટતું ગયું. 1018માં, બાયઝેન્ટાઇન શહેનશાહ બેસિલ બીજાએ બલ્ગેરિયાને જીતી લઈ પોતાના સામ્રાજ્ય હેઠળ લાવી મૂક્યું.

દ્વિતીય બલ્ગેરિયન સામ્રાજ્ય : 1186માં બલ્ગેરિયા બાયઝેન્ટાઇન શાસનમાંથી મુક્ત થયું અને ફરીને સ્વતંત્ર સામ્રાજ્ય તરીકે બહાર આવ્યું. તેરમી સદી દરમિયાન બલ્ગેરિયાએ તેનાં અર્થતંત્ર અને સંસ્કૃતિને વિકસાવ્યાં તથા આ વિસ્તારની મુખ્ય સત્તા તરીકે તે ઊપસી આવ્યું. પરંતુ ચૌદમી સદીની શરૂઆતમાં ઑટોમન તુર્કોએ બલ્ગેરિયા પર હુમલા શરૂ કર્યા અને બલ્ગેરિયા જીતી લીધું.

તુર્કી શાસન : અહીં તુર્કી શાસન 500 વર્ષથી વધુ સમય ચાલ્યું. ઑટોમન તુર્કોએ પોતાની સંસ્કૃતિને બલ્ગેરિયા પર ઠોકી બેસાડી, જમીનો અને મિલકતો ઝૂંટવી લીધી તેમજ લોકો પર ભારે કરવેરા ઝીંકી દીધા. લોકોએ ત્રસ્ત થઈને 1590, 1680 અને 1730ના દસકાઓ દરમિયાન બળવા કર્યા. છેવટે અઢારમી સદીના અંતિમ ચરણથી માંડીને ઓગણીસમી સદીના મધ્યકાળ સુધી લોકોમાં દેશભક્તિનો જુવાળ ઊભો થયો. આ જુસ્સો શમાવી દેવા તુર્કોએ કેટલાક સામાજિક સુધારા કર્યા, પણ લોકોને હવે સ્વતંત્રતા જ ખપતી હતી. 1876માં ક્રાંતિકારી બળવો થયો, દેશભક્તોની કરપીણ હત્યા કરીને બળવો દાબી દેવાયો. 1878માં રશિયા અને ઑટોમન તુર્કો વચ્ચે યુદ્ધ થયું, રશિયન દળોએ બલ્ગેરિયા પર આક્રમણ કરી તુર્કોને હરાવ્યા. 1878ના માર્ચમાં સાન સ્ટૅફેનોની સંધિ પર તુર્કોને હસ્તાક્ષર કરવાની ફરજ પાડી, જેમાં થ્રેસ અને મૅસિડોનિયા છોડી દેવાં પડ્યાં; પરંતુ જુલાઈમાં યુરોપિયન અગ્રેસરોની સમિતિએ બર્લિનની કૉંગ્રેસ બોલાવી અને સ્ટૅફેનોની સંધિને બદલે બર્લિનની સંધિ માન્ય કરાવી, જેમાં ઑટોમન સામ્રાજ્યને તેનો પ્રદેશ પાછો સોંપવાની અને બલ્ગેરિયાને મર્યાદિત સ્વશાસનની મંજૂરીની વ્યવસ્થા  હતી.

પ્રાકૃતિક રીતે વિલક્ષણ આકાર પામેલા રેતી-ચૂનાના ખડકો  –
બલ્ગેરિયાના મુલાકાતીઓ –પ્રવાસીઓનું એક પ્રમુખ આકર્ષણ

1879માં બલ્ગેરિયાએ પોતાનું બંધારણ અપનાવ્યું. જર્મનીના રાજકુંવર ઍલેક્ઝાન્ડર ઑવ્ બૅટનબર્ગને શાસક તરીકે મૂકવામાં આવ્યા. તે પછીના સત્તાધીશ રાજવી ફર્ડિનાન્ડે 1908માં બલ્ગેરિયાને સ્વતંત્ર જાહેર કરી દીધું. 1912માં તુર્કોને યુરોપમાંથી હાંકી કાઢવા ગ્રીસ, સર્બિયા અને મોંટેનેગ્રો સાથે બલ્ગેરિયા પણ યુદ્ધમાં જોડાયું. આ યુદ્ધ ‘પ્રથમ બાલ્કન યુદ્ધ’ને નામે ઓળખાયું; બલ્ગેરિયાને આશા હતી કે બર્લિન સંધિ હેઠળ ગુમાવેલા પ્રદેશો તેને કદાચ પાછા મળશે. આ યુદ્ધમાં ઑટોમન તુર્કો હાર્યા. જીતેલા દેશોએ જીતમાં મેળવેલા પ્રદેશોની વહેંચણીની માંગણી મૂકી. 1913માં બલ્ગેરિયાએ ગ્રીસ અને સર્બિયા પર હુમલો કરીને ‘બીજું બાલ્કન યુદ્ધ’ જાહેર કર્યું, પરંતુ બલ્ગેરિયા હાર્યું, પ્રથમ યુદ્ધમાં મળેલા પ્રદેશો પણ ગુમાવવા પડ્યા.

વિશ્વેયુદ્ધો : 1914–18ના પ્રથમ વિશ્વેયુદ્ધમાં પોતે ગુમાવેલા પ્રદેશો પાછા મેળવવાની આશાથી બલ્ગેરિયા મધ્ય યુરોપના દેશો સાથે જોડાયું. મધ્ય યુરોપીય દેશોની હાર થઈ, જેમાં થયેલા શાંતિકરારોમાં બલ્ગેરિયાને વધુ પ્રદેશ ગુમાવવા પડ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ બલ્ગેરિયા બહારી સંઘર્ષો અને આતંક પ્રવૃત્તિઓને કારણે રાજકીય અસ્થિરતા ઊભી થતાં તૂટતું ગયું. ગુમાવેલા પ્રદેશો હજી પણ પાછા મળી શકશે એવી આશાએ બલ્ગેરિયા બીજા વિશ્વયુદ્ધમાં પણ જોડાયું. યુદ્ધ દરમિયાન અહીં ભયંકર બૉંબમારો થયો. 1944ના સપ્ટેમ્બરની આઠમી તારીખે સોવિયેત સંઘે બલ્ગેરિયા પર આક્રમણ કર્યું. બીજે જ દિવસે સામ્યવાદી પક્ષ હેઠળનાં બલ્ગેરિયન રાજકીય બળોએ તત્કાલીન બલ્ગેરિયન સરકારને ઉથલાવી દીધી.

સામ્યવાદી શાસન : સામ્યવાદીઓએ સરકારનો સંપૂર્ણ કબજો તો લીધો નહિ; પરંતુ પોતાની સત્તા મજબૂત કરવાનાં પગલાં લીધાં. બિનસામ્યવાદીઓને સરકારી સત્તા પરથી હાંકી કાઢ્યા, દુશ્મનો જણાયા તેમની હત્યા કરી અથવા કેદ કર્યા. ખાનગી મિલકતો કબજે કરી અને લોકોની સ્વતંત્રતા પર કાપ મૂકી દીધો. 1946માં અહીંની રાજાશાહીને રદબાતલ કરી. મુખ્ય સામ્યવાદી નેતા જ્યૉર્જી દિમિત્રોવને સરકારના વડા બનાવ્યા. બલ્ગેરિયાએ સોવિયેટ સંઘ સમકક્ષ બંધારણ અપનાવ્યું અને 1948માં સુધીમાં તો તેમણે આ દેશ પર પૂરેપૂરો કબજો જમાવી દીધો. 1949માં દિમિત્રોવ મૃત્યુ પામ્યા. 1950માં વલ્કો ચેર્વેનકોવ સત્તા પર આવ્યા. તેમના શાસનમાં ઉદ્યોગીકરણનો વિકાસ થયો, પરંતુ લોકોનું જીવનધોરણ કથળ્યું.

1954માં તોદોર ઝિવકોવ પક્ષપ્રમુખ બન્યા. 1962માં તેઓ રાજ્યના પણ વડા બન્યા. તેમણે રાષ્ટ્ર અને સ્થાનિક સરકારી અધિકારીઓ વચ્ચે સત્તા વહેંચીને શાસન શરૂ કર્યું, લોકોનું જીવનધોરણ સુધારવા પ્રયાસો કર્યા અને સોવિયેટ સંઘ સાથે સુમેળભર્યા સંબંધો પણ જાળવ્યા. 1960–70ના ગાળા દરમિયાન પણ લોકોની સ્વતંત્રતા પર નિયંત્રણો તો હતાં, રોજિંદા જીવનની પાયાની જરૂરિયાતોની તંગી રહેતી હતી. આ પરિસ્થિતિ હેઠળ પ્રજાને સોવિયેટ સંઘની અસર હેઠળ રહેવાનું ઉચિત લાગતું ન હતું.

વર્તમાન વિકાસ : 1980–90ના ગાળા દરમિયાન દેશમાં સુધારાવાદી વલણો અપનાવાયાં, પૂર્વ યુરોપના બધા જ સામ્યવાદી દેશોના લોકોને વધુ સ્વતંત્રતા મળી. બલ્ગેરિયાની પ્રજાએ ઝિવકોવ સરકાર સામે વધુ સ્વતંત્રતા તથા લોકશાહી શાસન માટે દેખાવો યોજ્યા. સામ્યવાદી પક્ષમાં જ બળવો થયો. 1989ના નવેમ્બરમાં ઝિવકોવને રાજીનામું આપવું પડ્યું, શાસન દરમિયાન કરેલા સત્તાના, સરકારી નાણાંના અને મિલકતોના દુરુપયોગ માટે તેમને પકડવામાં આવ્યા. મ્લેડેનોવ પક્ષપ્રમુખ તથા સરકારના વડા બન્યા. નવી સરકારે પ્રજાને વધુ સ્વતંત્રતા આપી.

1990ના જાન્યુઆરીમાં, સામ્યવાદી પક્ષે કાયદો પસાર કરીને એકહથ્થુ સત્તાની ઇજારશાહી છોડી દીધી, બહુપક્ષીય શાસનપ્રણાલી અમલમાં આણી. તે જ વર્ષના એપ્રિલમાં, સામ્યવાદી પક્ષે નામ બદલીને ‘બલ્ગેરિયન સમાજવાદી પક્ષ’ રાખ્યું. નૅશનલ ઍસેમ્બ્લીએ મ્બેડેનોવને પ્રમુખ બનાવ્યા અને દેશના વડા તરીકે સર્વોચ્ચ સ્થાન આપ્યું.

1990ના જૂનમાં બલ્ગેરિયામાં 1946 પછી 44 વર્ષ બાદ પ્રથમ વાર મુક્ત રીતે બહુપક્ષીય ચૂંટણી યોજાઈ; તેમાં બલ્ગેરિયન સમાજવાદી પક્ષ વધુ બેઠકો મેળવી પ્રથમ આવ્યો. જ્યારે લોકશાહી દળના સંઘની બીજા ક્રમે જીત થઈ. જુલાઈમાં કેટલાક વિરોધીઓએ દેખાવો કર્યા. 1990ના જુલાઈમાં મ્લેડેનોવે રાજીનામું આપ્યું. ઑગસ્ટમાં નૅશનલ ઍસેમ્બ્લીએ યુનિયન ઑવ્ ડેમોક્રેટિક ફૉર્સના ઝેલ્યુઝેલેવને પ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા. 1991માં વધુ મુક્ત લોકશાહી ઢબનું બંધારણ અમલી બનાવાયું. ત્યારપછી ઔદ્યોગિક અસ્થિરતા આવી. પ્રમુખ ઝેલેવને સત્તા દરમિયાન લાંચ-રુશવત લીધી હોવાના આરોપસર સાત વર્ષની કેદ થઈ. લ્યુબેન બેરોવ સત્તા પર આવ્યા. 1994માં બેરોવે રાજીનામું આપ્યું. ચૂંટણીઓ થઈ. બલ્ગેરિયન સમાજવાદી પક્ષની જીત થઈ. પીટર સ્ટોયનોવ પ્રમુખ તરીકે ચૂંટાયા. 1996માં ફુગાવો ખૂબ પ્રમાણમાં વધ્યો. આર્થિક-ઔદ્યોગિક સુધારાઓ અમલમાં મૂકવા પડ્યા. 1997માં ફરીને ચૂંટણીઓ કરવી પડી, તેમાં યુનિયન ઑવ્ ડેમોક્રેટિક ફૉર્સની જીત થતાં ઇવાન કોસ્તોવ વડાપ્રધાન બન્યા.

બીજલ પરમાર