બલ્ગેરિયન ભાષા અને સાહિત્ય

January, 2000

બલ્ગેરિયન ભાષા અને સાહિત્ય : બલ્ગેરિયન ભાષા : ઇન્ડો-યુરોપિયન કુળની, સ્લાવિક જૂથની દક્ષિણ શાખાની બલ્ગેરિયાની રાષ્ટ્રભાષા. સ્લાવિક અથવા સ્લાવૉનિક ઇન્ડો-યુરોપિયન ભાષાકુળમાં અલાયદું જૂથ છે. આ ભાષાઓનું મૂળ ઑડર અને ડેપર નદીઓની વચ્ચેના પ્રદેશમાં છે. ત્યાંથી તે બાલ્કન પ્રદેશોમાં ફેલાઈ; દા.ત., દક્ષિણ યુરોપમાં બલ્ગેરિયન અને સર્બો-ક્રૉશિયન, મધ્યપૂર્વમાં ચેક અને સ્લૉવૅક, પૂર્વ-યુરોપમાં પૉલિશ, યુક્રેનિયન, રશિયન અને એશિયાના ઉત્તર ભાગમાં  રશિયન. લગભગ 27 કરોડ લોકોની એ ભાષાઓ છે. કેટલીક સ્લાવિક ભાષાઓમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર રશિયન, પૉલિશ અને ચેકસ્લૉવૅક લેખકોએ લખ્યું છે. ‘ઈસ્ટર્ન ઑર્થોડૉક્સ ચર્ચ’માં સ્લાવૉનિક ભાષાનો ઉપયોગ થયો છે. સ્લાવિક ભાષાઓમાં બલ્ગેરિયન અને મૅસિડોનિયન ભાષાઓ વિશિષ્ટ છે. તેમાં લગભગ તમામ નામ(nouns)માં વિભક્તિ – પ્રત્યયોનો લોપ થયો છે અને તેમને બદલે નામયોગી અવ્યયો કે નાના શબ્દસમૂહવાળાં વાક્યો(clauses)નો ઉપયોગ થાય છે તેમાં કેટલાંક પ્રાદેશિક નૉન-સ્લાવિક વલણો સ્પષ્ટ જણાય છે; દા.ત., ડેફિનિટ આર્ટિકલ(definite article)ને નામ પછી મૂકવામાં આવે છે. જૂની બલ્ગેરિયન ભાષા (દસમી-અગિયારમી સદી) જૂની ચર્ચ સ્લાવૉનિક ભાષા જેવી છે. મધ્યકાલીન મૅસિડોનિયાની બોલી ઈસ્ટ ઑર્થોડૉક્સ ચર્ચની ધર્મભાષા હતી અને તેના માટે સાયરિલિક વર્ણમાલા વપરાતી હતી. મધ્યકાલીન બલ્ગેરિયન બારમી સદીથી શરૂ થાય છે, જ્યારે આધુનિક બલ્ગેરિયન પંદરમી સદી પછી શરૂ થયેલી ગણાય છે. ચર્ચ સ્લાવૉનિકનું સ્થાનિક સ્વરૂપ થતાં બલ્ગેરિયન ‘સાહિત્યની ભાષા’ બને છે. જોકે હકીકતમાં છેક ઓગણીસમી સદીમાં ખરેખર આધુનિક કહી શકાય તેવી બલ્ગેરિયન ભાષામાં સાહિત્ય રચાવા લાગ્યું. બલ્ગેરિયન ભાષાએ રશિયન, ચર્ચ સ્લાવૉનિક, ગ્રીક અને તુર્કી ભાષાના શબ્દોને સ્વીકાર્યા છે. બે જૂથની બોલીઓમાં પૂર્વ ભાગની બોલીમાં બલ્ગેરિયન સાહિત્ય સરજાતું રહે છે.

સાહિત્ય : બલ્ગેરિયા પ્રજાસત્તાકના રહેવાસીઓ દ્વારા રચાતું સાહિત્ય. નવમી સદીના ઉત્તરાર્ધમાં સેંટ સાઇરિલ અને સેંટ મેથોડિયસ  દ્વારા મૂળ ગ્રીક ભાષામાં રચાયેલા ધર્મગ્રંથોના બલ્ગેરિયન ભાષામાં અનુવાદો થયા છે. હવે તે લખાણોને ઓલ્ડ ચર્ચ સ્લાવૉનિક ભાષા કહે છે. અહીંથી શરૂ કરીને તુર્કસ્તાને બલ્ગેરિયા પર આક્રમણ (1396) કર્યું ત્યાં સુધી બલ્ગેરિયન સાહિત્યમાં મુખ્યત્વે આ પ્રકારના અનુવાદો, બાઇબલના નવા કરારમાં આવતાં ઈશુ ખ્રિસ્તનાં જીવનવૃત્તાન્ત અને ઉપદેશ, સંતોનાં જીવનચરિત્રો, ધર્મગુરુઓ દ્વારા અપાતાં ધાર્મિક કે નૈતિક પ્રવચનો અને આ પ્રકારનાં અન્ય ધાર્મિક લખાણો હતાં. ઇતિહાસગ્રંથો પણ રચાતા હતા. તુર્કી અને ગ્રીસનું ધાર્મિક આધિપત્ય (1396–1878) રહ્યું ત્યાં સુધી જાણે કે સર્જનાત્મક બલ્ગેરિયન સાહિત્યનું અસ્તિત્વ નહિવત્ હતું.

ઓગણીસમી સદીમાં બલ્ગેરિયામાં સાહિત્યના પુનર્જીવનનો યુગ શરૂ થયો. આના મૂળમાં ઐતિહાસિક ગ્રંથો છે. ધર્મગુરુ પૈસિજે ‘ઇસ્ટૉરિયા સ્લાવેનો બૉલ્ગાર્વસ્કી’ (સ્લાવિક બલ્ગેરિયન ઇતિહાસ) લખ્યો. 1830 પછી તુર્ક સામ્રાજ્યની ગુલામીમાંથી આઝાદ થવા માટે બલ્ગેરિયામાં સંઘર્ષ શરૂ થયો. આમાં ગ્રીક ચર્ચની નાગચૂડમાંથી પણ મુક્તિ મેળવવાની હતી. હવે બલ્ગેરિયામાં શાળાઓ શરૂ કરવામાં આવી. છાપકામનાં યંત્રો ગોઠવાયાં. બલ્ગેરિયન ભાષાના વ્યાકરણગ્રંથો સાથે શિક્ષણગ્રંથો પણ પ્રસિદ્ધ થયા. પરિણામે નવું બલ્ગેરિયન સાહિત્ય રચાયું. 1878 પહેલાં લેખકોનું સમગ્ર ધ્યાન સામાજિક અને રાજકીય પ્રશ્નો પરત્વે વિશેષ રહ્યું. તેમનો મુખ્ય પ્રશ્ન રાષ્ટ્રીય સ્વાતંત્ર્યનો હતો. એમાં સાહિત્યિક શૈલીની વાત ન હતી; વ્યક્તિના પોતાના જીવનના આંતરિક પ્રશ્નોની પણ વાત ન હતી. સ્વાતંત્ર્ય પહેલાંનો સૌથી વધુ અગત્યનો અને સમર્થ ક્રાન્તિકારી કવિ ક્રિસ્ટો બૉતેવ છે. પછીના સમયમાં આઇવેન વાઝો અનેકવિધ વિષયો પર લખે છે. તેનાં પુસ્તકોના અંગ્રેજી ભાષામાં અનુવાદ થયા છે. આ સમયના અન્ય લેખકોમાં સ્તૉયાન મિખ્યાલૉવ્સ્કી અને ઍલેકો કૉન્સ્તાતિનોવ છે. સ્તૉયાન નિરાશાવાદી દર્શનશાસ્ત્રી છે. ઍલેકો કટાક્ષલેખક છે. તેમની ‘બાઇ ગાન્યુ’(અન્કલ જૉન, 1895)માં ખેડૂતજીવનનું નિરૂપણ છે.

સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીના સમયમાં બલ્ગેરિયન સર્જકોનું ધ્યાન શૈલી અને સ્વરૂપ પર કેન્દ્રિત થાય છે. હવે તેઓ ભાષાનાં ઋત અને લયબદ્ધતા પરત્વે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સમયના નોંધપાત્ર લેખકોમાં ટૂંકી વાર્તાના સર્જક ડિમિટર આઇવેનૉવ (જેમનું તખલ્લુસ ઍલિન-પૅલિન છે) અને યૉવ કૉવ છે. ઉભયને કૃષિસંસ્કૃતિમાં વિશેષ રસ છે.

1944 પછીનું બલ્ગેરિયન સાહિત્ય સોવિયેત સોશિયાલિસ્ટ વાસ્તવવાદની જરૂરિયાતોને પોષે છે. કેટલાક સાંપ્રત લેખકોમાં કવિ બ્લાગા દિમિત્રોવા, લુબૉમિર લેવરહેવ અને પાવેલ માતેવનાં નામનો ઉલ્લેખ કરવો ઘટે છે. તેમનાં લખાણોમાં નવું ર્દષ્ટિબિંદુ છે અને વધારે સમૃદ્ધ સર્જનાત્મક સાહિત્ય સર્જવા તરફ તેમનું વલણ છે. જૉર્ડન રેડિચકોવનું ગદ્ય રસપ્રદ છે. તેમનું લખાણ ઐતિહાસિક વસ્તુઓ પર કેન્દ્રિત થયું છે. બલ્ગેરિયન પ્રજાને આમેય ઐતિહાસિક બાબતો વિશેષ ગમે છે. જૉર્ડનને આ પ્રકારની ફાવટ છે. તેમની ટૂંકી નવલકથા ‘ખ્રાદ્રિયાત્યત ચૉવૅક’ (અ બ્રેવમૅન, અનુ. 1957) સુપ્રસિદ્ધ છે.

બલ્ગેરિયન લેખક ઇલિયાસ કૅનેટ્ટીને તેમની નવલકથા ‘ડાય બ્લૅડુંગ’ (‘ધ ટાવર ઑવ્ બેબેલ’) માટે 1981ના નોબેલ પારિતોષિકથી નવાજવામાં આવ્યા છે. એમનો મુખ્ય વિષય સમાજ સાથે સંઘર્ષ ખેડતી વ્યક્તિઓ છે. તેમની અન્ય કૃતિ ‘માસ અન્ડમેચ્ટ’ (‘ક્રાઉડ્ઝ ઍન્ડ પાવર’ – 1969) માનવટોળાશાહીની ગેરવર્તણૂકનો ચિતાર છે. પોતે શાંતિવાદી અને નાઝીવિરોધી છે. તમામ યુદ્ધો અને એકહથ્થુ સત્તાતંત્રો પ્રત્યે તેમના મનમાં ભારે આક્રોશ છે.

વીસમી સદીની શરૂઆતમાં સાંસ્કૃતિક આંતરરાષ્ટ્રીયવાદનો ઉદય થયો. આ સમયનો સમર્થ વિવેચક ડૉ. ક્રૂસ્ત્યુ ક્રૂસ્તેવ (1866–1919) છે. ‘થૉટ’ તેમના વિચારોને અભિવ્યક્ત કરતું સામયિક છે. કવિ પૅન્ચો સ્લાવેયકૉવ(1866–1912)નાં કાવ્યો તેમાં પ્રસિદ્ધ થયેલાં. તેમનું મહાકાવ્ય ‘સૉંગ ઑવ્ બ્લડ’ છે. તેનો વિષય એપ્રિલનો બળવો છે. પૅટકો તૉદોરૉવે (1879–1916) ગમગીન શબ્દચિત્રો આલેખતું ગદ્ય લખ્યું. યાવૉરોવ (1878–1914) કવિ અને નાટ્યકાર છે. 36મા વર્ષે તેમણે આપઘાત કરેલો. નિકૉલે લિલીવ અને તિયૉદૉર(1882–1945)નાં લખાણોમાં પ્રતીકવાદી રચનાઓ છે. પ્રથમ વિશ્વેયુદ્ધની ત્રસ્ત પ્રજાની વેદનાને ઊર્મિકવિ દિમચૉ દૅબલિયાનોવે (1887–1916) અભિવ્યક્ત કરી છે. યુદ્ધમેદાનમાં 29 વર્ષની યુવાન વયે તેમણે સૈનિક તરીકે શહાદત વહોરી.

બે વિશ્વેયુદ્ધોની વચ્ચેના સમયમાં ‘ગોલ્ડન હૉર્ન’ સામયિકની બોલબાલા હતી. ઍલિસાવેટા બ્રેગિયાનાએ સ્ત્રીઓ અને આધુનિકતા વિશે રચનાઓ આપી. વીસમી સદીનો શ્રેષ્ઠ ગદ્યલેખક યૉદૉન યૉવકોવ (1880–1937) છે. ગ્રામજીવનની નજાકતભરી જિંદગીનાં લખાણો તેમણે આપ્યાં છે. ‘બાલ્કન લેજન્ડ્ઝ’ અને ‘ઇવનિંગ્ઝ ઍટ ધી ઍન્તિમૉવૉ ઇન’ તેમની નોંધપાત્ર ગદ્યકૃતિઓ છે. સ્વાતંત્ર્યોત્તર કાળમાં ઇવાન વાઝૉવ (1850–1921), ઝબારી સ્ટૉયાનૉવ (1851–1889), પૅચો સ્લાવિકૉવ (1866–1912), પેટકો ટૉડોરોવ (1879–1916), અંતોન સ્ટ્રાશિમિરૉવ (1872–1937), ઍલિન-પૅલિન (1877–1949) તથા ડિમિટર ડિમૉવ, એમિલ્યન સ્ટાનૅવ, ડિમિટર ટાલેવ, ઑર્લિન વાસ્સિલૅવ નોંધપાત્ર સાહિત્યકારો છે.

સ્લાવિક ભાષાસમૂહ

1944માં સામ્યવાદી સરકાર સત્તા પર આવી. વૅઝૉવ જેવા લેખકોને તિરસ્કૃત વ્યક્તિઓ તરીકે જાહેર કરાયા. સામ્યવાદી વલણ ધરાવતા ખ્રિસ્તો સ્મિરનૅન્સ્કી (1848–1923) અને નિકૉલા વાપ્તસારોવ (1909–1942) નોંધપાત્ર કવિઓ છે.

1956 પછી રાજકીય સ્વાતંત્ર્ય પુન: સજીવન થયું. લેખકો ભૂતકાળ તરફ ર્દષ્ટિ કરવા લાગ્યા. ઍમિલિયન સ્ટાનેવે (1907–1979) મધ્યકાલીન બલ્ગેરિયા વિશે લખવા માંડ્યું. આન્તૉન ડૉન્ચેવ (જ. 1930) સત્તરમી સદીમાં જોરજુલમથી કરાવવામાં આવતા ઇસ્લામીકરણનું ચિત્ર તેમની નવલકથા ‘ટાઇમ ઑવ્ પાર્ટિગ’(1964)માં આપે છે. દિમિતર તાલેવ (1898–1965) બલ્ગેરિયન જીવનને આવરી લેતી નવલકથાત્રયીનું સર્જન કરે છે. આ સમયમાં ઊર્મિગીતો રચાય છે. ઍતનાસ દાલ્ચેવ (1904–1978) અને તેમના પ્રશંસકો સ્ટાલિનનાં રાજકીય દબાણોને કદી તાબે થતા નથી. આ કવિઓમાં બ્લૅગા દિમિત્રોવા (જ. 1922) અને સ્તાર્નિશેવ (જ. 1933) ખૂબ જ નીડર છે. નિકૉલ ખેપ્તોવે (જ. 1919) તેના પ્રખ્યાત નાટક ‘પાથ્સ’માં બુદ્ધિહીન નોકરશાહી અને તેનાં કઠોર વલણોનો ખૂબ ઉપહાસ કર્યો છે. પાવૅલ વેઝિનૉવ (1914–1984) પ્રખર વાર્તાકાર છે. રૅડૉય રાલિન(જ. 1923)ની કવિતામાં વેધક કટાક્ષ છે. યૉર્દાન રેડિચકૉવ (જ. 1929)નું ગદ્ય કટાક્ષમય છે. કેટલાક સાહિત્યકારો પ્રસ્થાપિત સરકાર સામે મતભેદ ધરાવે છે. તેમનાં લખાણોમાં સરકારવિરોધી વલણ જોવા મળે છે. કૉન્સ્તાતિન પાવલૉવ(જ. 1933)નું સાહિત્ય કદાચ આ કારણે અપ્રગટ રહ્યું છે. અન્ય દેશોમાંથી બલ્ગેરિયામાં આવીને વસેલા અન્યભાષી લેખકોએ બલ્ગેરિયન ભાષામાં સાહિત્ય રચ્યું છે. કેટલાક લેખકો જેવા કે ક્રિસ્ટો સૉનિયાનૉફ અને ઝવેતાન ટૉડૉરૉવ્ અને જુલિયા ક્રિસ્ટિવા જર્મની, ફ્રાન્સ જેવા દેશોમાં રહીને બલ્ગેરિયન સાહિત્ય રચે છે. જ્યૉર્જી માકૉવ ‘ધ ટ્રૂથ ધૅટ કિલ્ડ’(1983)માં બ્લગેરિયાના તેમના બૌદ્ધિક જીવનનાં સ્મરણોને વાગોળે છે.

બલ્ગેરિયન પ્રજાસત્તાકે ત્યાંની દસ ટકા લઘુમતી મુસ્લિમ-તુર્ક વસ્તી પર 1985 પછી સરકારી ધારાધોરણ મુજબ બલ્ગેરિયામાં જન્મ લેનાર બાળક્ધો સ્લાવિક નામ આપવાનું ફરજિયાત કર્યું છે. જો એમ ન કરવું હોય તો બલ્ગેરિયાની સરહદોની બહાર જતા રહેવાનું તેમને ફરમાન કરવામાં આવે છે. 1989માં ‘બલ્ગેરિયનાઇઝેશન’નો મુખ્ય ઉદ્દેશ ત્યાંના લઘુમતી તુર્કોને હાંકી કાઢવાનો છે. જોકે એક સમયની મધ્ય એશિયાનાં ઘાસનાં બીડોમાં (સ્ટેપીઝ) વિચરતી આ જાતિએ બલ્ગેરિયામાં ઠરીઠામ થયા પછી અને તે પછી પણ ફિલિપ બીજા અને ઍલેક્ઝાન્ડર ધ ગ્રેટના તથા ગૉથ, હૂણ અને ઍવાર્સના હુમલાઓ વચ્ચે તુર્કો સામ્રાજ્યની ગુલામીમાંથી મુક્ત થયા બાદ પોતાનું આગવું બલ્ગેરિયન સાહિત્ય સર્જ્યું છે એ નોંધપાત્ર બિના છે.

વિ. પ્ર. ત્રિવેદી