બલ્ખી, શમ્સુદ્દીન મોહંમદ

January, 2000

બલ્ખી, શમ્સુદ્દીન મોહંમદ (ઈ. સ.નો તેરમો સૈકો) : હિન્દુસ્તાનના ફારસી કવિ. દિલ્હીના ગુલામવંશના સુલતાન શમ્સુદ્દીન ઇલતૂતમિશ(1210–1236)ના જમાઈ. મુલ્તાનના ગવર્નર તથા પાછળથી સ્વતંત્ર શાસક બનેલા નાસિરુદ્દીન કુબાચા(1206–1228)ના દરબારમાં કવિઓ, વિદ્વાનો તથા સૂફી સંતોને ઘણું માનભર્યું સ્થાન હતું. તેઓમાંના એક તે શમ્સુદ્દીન મોહંમદ. તેમણે ફારસી ભાષામાં સુલતાન નાસિરુદ્દીન કુબાચા અને તેના વજીર અયનુલ મુલ્કની પ્રશંસામાં કસીદા-કાવ્યો લખ્યાં હતાં. તેમના સમકાલીન દરબારી લેખક મોહંમદ અવફીએ તેમની પ્રખ્યાત કૃતિ લુબાબ-અલ-અલબાબમાં બલ્ખી શમ્સુદ્દીન મોહંમદની કવિ તથા નેકદિલ ઇન્સાન તરીકે ઘણી તારીફ કરી છે અને તેમને ‘સય્યદુન નુદમા’ (સુલતાનના અંગત મિત્રોમાં અગ્ર સ્થાન ધરાવનાર); ‘તાજુલ ફુઝલા’ (વિદ્વાનોના મુગટ સમાન) અને ‘મુફખ્ખિરૂલ ખુદમા’ (જૂની પેઢીના ગૌરવવંતું સ્થાન ધરાવનાર) જેવાં બિરુદોથી નવાજ્યા છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી