બલિ : ભારતીય પૌરાણિક પરંપરાનો પ્રસિદ્ધ દૈત્યરાજ. તે પ્રહલાદનો પૌત્ર અને વિરોચનનો પુત્ર હતો. તેની પત્નીનું નામ વિન્ધ્યાવલી હતું. ઉગ્ર તપસ્યા કરીને પ્રાપ્ત કરેલી શક્તિ વડે તેણે ઇંદ્રને પરાજિત કરી ત્રિલોક પર પ્રભુત્વ સ્થાપ્યું હતું અને એના ઉપલક્ષ્યમાં નર્મદાકાંઠે ભૃગુક્ષેત્રમાં અશ્વેમેધ યજ્ઞનું આયોજન કરી તે નિમિત્તે દાન દેવાનું શરૂ કર્યું. ઇંદ્રને આથી પોતાનું પદ ગુમાવવાનો ભય લાગતાં તેણે વિષ્ણુને સહાય માટે પ્રાર્થના કરી. તેનો સ્વીકાર કરીને વિષ્ણુભગવાન બ્રાહ્મણ બટુક વામનજીનું રૂપ ધારણ કરી બલિ સમક્ષ ઉપસ્થિત થયા. તેમણે દૈત્યરાજની પ્રશંસા કરી અને ત્રણ પગલાં ભૂમિની યાચના કરી. આવી માગણીથી આશ્ચર્ય પામેલા બલિને તેના ગુરુ શુક્રાચાર્યે ચેતવ્યો અને વામનની માંગણીનો અસ્વીકાર કરવા સમજાવ્યો, પરંતુ બલિ કોઈ પણ ભોગે પોતાના આતિથ્યધર્મની રક્ષા કરવા માગતો હતો. તેણે દાનનો સંકલ્પ કરવા જળપાત્ર હાથમાં લીધું ત્યારે તેને તેમ કરતો રોકવા તેના નાળચામાં શુક્રાચાર્ય સૂક્ષ્મદેહે પ્રવેશ્યા. જળમાર્ગમાં થયેલા આ અવરોધને દૂર કરવા દૈત્યરાજે તેમાં સળી પરોવતાં શુક્રાચાર્યની આંખ ફૂટી ગઈ. જ્યારે દાન લેવાનો સમય આવ્યો ત્યારે વામનરૂપધારી વિષ્ણુએ પોતાનું વિરાટ રૂપ પ્રગટ કર્યું અને એક પગલાંથી સમગ્ર ભૂમંડળને અને બીજા પગલાથી સ્વર્ગલોકને માપી લીધાં. ત્રીજો પગ મૂકવાની જગ્યા ન રહી ત્યારે બલિએ પોતાનું મસ્તક ધરતાં વિષ્ણુએ પોતાનો પગ એના મસ્તક પર મૂક્યો. બલિની આવી દયનીય સ્થિતિ જોઈ તેની રક્ષા કરવાના હેતુથી સ્વયં પ્રહલાદજી ત્યાં ઉપસ્થિત થયા. તેમની પ્રાર્થના અને સ્તુતિથી તેમજ બલિરાજાનાં પુણ્યકાર્યોથી પ્રસન્ન થયેલા વિષ્ણુએ બલિને વિશ્વેકર્માએ રચેલા; રોગ, જરા અને મરણ રહિતના સુતલ નામના અધોલોકમાં સ્થાપી દીધો. વિષ્ણુની કૃપાથી તે ત્યાં લાંબો સમય શાસન કર્યા પછી સાવર્ણમન્વંતરમાં ઇંદ્રપદને પામ્યો.

અશના, વિંધ્યાવલી અને સુદેષ્ણા તેની પત્નીઓ હતી. અશનાથી ઉત્પન્ન તેનો પુત્ર બાણ ઘણો પ્રતાપી રાજા થયો. બલિના અન્ય પુત્રોમાં કુંભનાભ, ગર્દભાક્ષ અને કુશિ પણ પ્રસિદ્ધ હતા. બલિને શકુનિ અને પૂતના નામે બે પુત્રીઓ પણ હતી.

પ્રવીણચંદ્ર પરીખ