બલિયા : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા પર બિહારની સરહદ નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 33´થી 26° 11´ ઉ. અ. અને 83° 38´થી 84° 39´ પૂ. રે. વચ્ચેનો 2,988 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે દેવરિયા જિલ્લો, ઈશાન, પૂર્વ અને અગ્નિ તરફ બિહાર; દક્ષિણ અને નૈર્ઋત્ય તરફ ગાઝીપુર જિલ્લો તથા પશ્ચિમે મઉ જિલ્લો આવેલા છે. અનિયમિત આકાર ધરાવતો આ જિલ્લો ગંગા સાથે થતા ઘાગ્રાના સંગમથી પશ્ચિમ તરફ વિસ્તરેલો છે. ગંગા નદી દ્વારા તે દક્ષિણ બિહારથી અલગ પડે છે, જ્યારે ઘાગ્રા નદી દ્વારા ઉત્તર તરફ દેવરિયાથી અને પૂર્વ તરફ બિહારથી અલગ પડે છે.

ભૂપૃષ્ઠ : આ જિલ્લો અસંખ્ય નદી-નાળાંથી છેદાયેલો સમતળ મેદાની પ્રદેશ છે. અહીં ટેકરીઓ જેવાં ઊંચું ભૂપૃષ્ઠ ધરાવતાં ભૂમિસ્વરૂપો તો નથી, પરંતુ નદીકાંઠા ઊંચાઈ પર આવેલા છે. નદીઓના પટ આજુબાજુની ભૂમિથી ઊંડા છે. જિલ્લાનો ઢોળાવ ગંગા, ઘાગ્રા અને સરજુ નદીઓ તરફનો છે. ગંગા-ઘાગ્રા વચ્ચેના જિહવાકાર પટને દોઆબ કહે છે. આ જિલ્લાને ઊંચાણવાળી અને નીચાણવાળી ભૂમિ જેવા બે કુદરતી પ્રદેશોમાં વહેંચેલો છે. બલિયા અને બાંસદીહ તાલુકાઓમાં પૂર્વ તરફ વિસ્તરતો નાનો ભૂમિભાગ ઊંચાણવાળો છે. તે નૈર્ઋત્ય તરફ સરજુ નદી સુધી વિસ્તરેલો છે. જિલ્લાનો અંદર તરફનો સમતળ ભૂમિભાગ છૂટાંછવાયાં ગર્તથી ખંડિત છે. આ સિવાયનો બાકીનો ભાગ નીચાણવાળી ભૂમિ રચે છે, પરંતુ તેમાં ઘણાં ગર્ત આવેલાં છે.

ભૂસ્તરશાસ્ત્રના સંદર્ભમાં જોતાં, જિલ્લાનું ભૂપૃષ્ઠ ગંગાના કાંપથી બનેલું છે. અહીંના પશ્ચિમી ભાગોમાં કંકર અને રેહ (જમીનમાંથી ખેંચાઈ આવતી ક્ષારીય પોપડી) જેવાં ખનિજદ્રવ્યો મળે છે. જિલ્લામાં ત્રણ પ્રકારની જમીનો જોવા મળે છે : ભૂર (રેતીવાળી જમીન), દોમટ (ગોરાડુ જમીન) અને માટિયાર (માટીવાળી જમીન). નદીઓના ઊંચા કાંઠાઓ પર ભૂર, ગર્ત-વિભાગમાં માટિયાર તથા બાકીના પ્રદેશોમાં દોમટ પ્રકારની જમીનો આવેલી છે.

બલિયા જિલ્લો (ઉત્તર પ્રદેશ)

જળપરિવાહ : ગંગા, ઘાગ્રા અને સરજુ અહીંની મુખ્ય નદીઓ છે. ગંગા અને ઘાગ્રામાં પૂર આવે છે ત્યારે જાન-માલ-પાકની હાનિ થાય છે. સરજુ એ ગંગાની મુખ્ય શાખાનદી છે, તે ઘણા લાંબા અંતર સુધી બલિયા જિલ્લાને ગાઝીપુર જિલ્લાથી અલગ પાડે છે. ઘાગ્રાની ઉપનદીઓ નાની છે. જિલ્લામાં જળાશયો (ઝીલ) અને તળાવો ઘણાં છે. તે પૈકીનું સુરહા તાલ 8,500 એકરનો વિસ્તાર આવરી લેતું હોવાથી મહત્વનું ગણાય છે.

વનસ્પતિ : અહીં જંગલો નથી, પરંતુ નદીઓને કિનારે કિનારે જાઉ કે તમારીસ્ક નામની વનસ્પતિ થાય છે. જિલ્લાના અંદરના ભાગોમાં ધાકનાં જંગલોનો થોડોક ભાગ આવેલો છે. બરગડ, કથલ, મહુડો, લીમડો, સીસમ જેવાં વૃક્ષો અહીં જોવા મળે છે.

ખેતી-પશુપાલન : આ જિલ્લામાં રવી અને ખરીફ પાકો લેવાય છે. સમગ્ર જિલ્લાના સંદર્ભમાં જોતાં જવ અને ચણા જેવા રવી પાક વધુ મહત્ત્વના છે. ખરીફ પાકમાં ડાંગર મુખ્ય છે. શેરડી અહીંનો રોકડિયો પાક હોવા છતાં તેનું વધુ વાવેતર થતું નથી. ખેતી ઉપરાંત ખેડૂતો પશુપાલનની પ્રવૃત્તિ પણ કરે છે. ભેંસો, ગાયો, બળદ, ઘેટાં, બકરાં અહીંનાં મુખ્ય પ્રાણીઓ છે. શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ગાયો-ભેંસો માટે પશુદવાખાનાં તથા કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો આવેલાં છે.

ઉદ્યોગો-વેપાર : જિલ્લામાં જેમની નોંધણી થઈ હોય તેવાં માત્ર 2 નાના પાયા પરનાં કારખાનાં છે. તે પૈકીનું એક બલિયા ખાતે મોટરગાડીઓના સમારકામનું, તો બીજું ફેફના ખાતે ખાંડનું છે. જિલ્લાભરમાં સૂચીકૃત, બિનસૂચીકૃત બધાં મળીને 2,219 (2,130 ગ્રામ-વિસ્તારોમાં, 89 શહેરોમાં) નાનાંમોટાં કારખાનાં તથા એકમો આવેલાં છે. જિલ્લો કુટિર-ઉદ્યોગો અને હસ્તકારીગરીની ચીજવસ્તુઓની બાબતમાં હજી પછાત છે. 521 જેટલાં કારખાનાં મીઠાઈ, મસાલા, ચરબી અને તેલ વગેરે જેવી વિવિધ ખાદ્યસામગ્રી બનાવે છે. પિત્તળ અને મિશ્રધાતુની વસ્તુઓ પણ બને છે. આ ઉપરાંત ખાંડસરી તેમજ માટલાં બનાવવાનું કામ પણ થાય છે.

પરિવહન-પ્રવાસન : આ જિલ્લો ઈશાન રેલવિભાગમાં આવેલો છે. અહીંથી છાપરા–વારાણસી રેલમાર્ગ પસાર થાય છે. બલિયા, ફેફના, ગાઝીપુર અને ઔનરીહાર અન્યોન્ય જોડાયેલાં છે. એ જ રીતે અહીંથી ભાટની–ઔનરીહાર–અલાહાબાદ રેલમાર્ગ પણ પસાર થાય છે. બલિયા, ગાઝીપુર, ઘોસી અને મઉ પાકા રસ્તાથી જોડાયેલાં છે. જિલ્લામાં પ્રવાસ-યોગ્ય મહત્વનાં કોઈ સ્થળો નથી, પરંતુ વારતહેવારે વિવિધ સ્થળોએ મેળાઓ ભરાય છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 22,62,273 જેટલી છે; તે પૈકી 11,62,307 પુરુષો અને 10,99,966 સ્ત્રીઓ છે; ગ્રામીણ અને શહેરી વસ્તીપ્રમાણ અનુક્રમે 20,38,186 અને 2,24,087 જેટલું છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુઓ : 21,22,163; મુસ્લિમ : 1,36,524; ખ્રિસ્તી : 2,129; શીખ : 661; બૌદ્ધ : 30; જૈન : 3, અન્યધર્મી 301 તથા ઇતર 462 જેટલા છે. અહીંની મુખ્ય ભાષાઓ હિન્દી અને  ઉર્દૂ છે. શિક્ષિતોનું કુલ પ્રમાણ 7,91,785  જેટલું છે; તે પૈકી 5,62,141 પુરુષો અને 2,29,644 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે  6,81,490  અને 1,10,295 જેટલું છે. જિલ્લાનાં બધાં જ નગરોમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વ્યવસ્થા છે. બલિયા ખાતે સ્નાતક-કક્ષાની એક કૉલેજ અને પોલિટૅકનિક છે. બધાં જ નગરોમાં તબીબી સેવાની સગવડ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 4 તાલુકાઓ તથા 17 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે.

ઇતિહાસ : આ જિલ્લો મૂળ ગાઝીપુર અને આઝમગઢ જિલ્લાઓમાંથી 1,879ના નવેમ્બરની પહેલી તારીખે અલગ પાડીને રચવામાં આવેલો છે, તેથી તેનો ઇતિહાસ એ 2 જિલ્લાઓ સાથે સંકળાયેલો છે.

નગર : ભૌગોલિક સ્થાન : 25° 48´ ઉ. અ. અને 84° 10´ પૂ. રે. પર તે વારાણસીથી ઈશાનમાં 140 કિમી.ને અંતરે ગંગા નદીને ડાબે કાંઠે વસેલું છે. નદીના પ્રવાહના સ્થળાંતરને કારણે બલિયાનું વસાહતી સ્થળ વારંવાર ઉત્તર તરફ ખસતું ગયેલું છે. ઓગણીસમી સદીના અંતિમ ચરણમાં નદીપ્રવાહ બદલાતાં આ નગરને નુકસાન પહોંચેલું. તેથી 1900ના અરસામાં નવું શહેર જૂના નગરથી 1.6 કિમી.ના અંતરે વસ્યું છે. આજે તે જિલ્લા વહીવટી મથક તથા વેપાર-ધંધા-ઉદ્યોગનું કેન્દ્ર બની રહેલું છે. અહીં અનાજ, કઠોળ, ઘી, મીઠું, માંસ વગેરેનો વેપાર ચાલે છે. બલિયા વારાણસી સાથે તથા ઉત્તર ભારતનાં શહેરો સાથે રેલમાર્ગથી જોડાયેલું છે. અહીં પ્રાથમિક-માધ્યમિક શાળાઓ, પુસ્તકાલય તથા 2 કૉલેજો આવેલી છે. બલિયા ખાતે દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાએ પશુમેળો ભરાય છે અને મોટા પાયા પર પશુઓનું વેચાણ થાય છે.

શિવપ્રસાદ રાજગોર

ગિરીશભાઈ પંડ્યા