બર્સેરેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા જિરાનિયેલ્સ ગોત્રનું એક કુળ. આ કુળમાં 20 પ્રજાતિ અને 500થી 600 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉષ્ણકટિબંધીય અમેરિકા અને ઉત્તર-પૂર્વ આફ્રિકામાં તેનો સૌથી વધારે ફેલાવો થયો છે. સૌથી મોટી પ્રજાતિઓમાં Bursera (60 જાતિઓ, ઉષ્ણકટિબંધીય અમેરિકા), Commiphora (90 જાતિઓ, ઉત્તર આફ્રિકા), Canarium (90 જાતિઓ, ઉષ્ણકટિબંધીય એશિયા અને આફ્રિકા) અને Protium (60 જાતિઓ, ઉષ્ણકટિબંધીય અમેરિકા)નો સમાવેશ થાય છે. ગુજરાતમાં આ કુળની Boswellia serrata Roxb. ex Colebr. (ગૂગળ, ધૂપેલિયો), Commifera wightii (Arn.) Bhandari. (મીઠો ગૂગળ) અને Garuga pinnata Roxb. Hort. Beng. (કાકડ, કાકડિયો) નામની જાતિઓ થાય છે.

આ કુળની વનસ્પતિઓ પર્ણપાતી ક્ષુપ કે વૃક્ષ સ્વરૂપની હોય છે. તેના પ્રકાંડની છાલમાં સુરભિત (aromatic) તૈલી ગ્રંથિઓ કે રાળવાહિનીઓ આવેલી હોય છે. પર્ણો પક્ષવત્ (pinnately) સંયુક્ત અથવા પુનર્વિભાજિત (decompound) કે ભાગ્યે જ એક પર્ણિકામય અને અનુપપર્ણીય (estipulate) હોય છે. પત્રાક્ષ કેટલીક વાર સપક્ષ (winged) હોય છે. પુષ્પવિન્યાસ એકાકી અથવા લઘુપુષ્પગુચ્છી (panicle) પ્રકારનો જોવા મળે છે. પુષ્પો નિયમિત (actinomorphic), નાનાં, દ્વિલિંગી કે એકલિંગી [એકલિંગી હોય તો બહુસંગમક-દ્વિગૃહી (polygamodioecious) અને અધોજાયી (hypogynous)] હોય છે. વજ્રપત્રો, 3થી 5; તલસ્થ ભાગેથી વધતેઓછે અંશે જોડાયેલાં અને કોરછાદી (imbricate) કે ધારાસ્પર્શી (valvate) હોય છે. દલપત્રો 3થી 5 (ભાગ્યે જ ગેરહાજર); વજ્રપત્રો સાથે એકાંતરે ગોઠવાયેલાં; અને સામાન્યત: મુક્ત અને કોરછાદી કે ધારાસ્પર્શી હોય છે. બિંબ (disc) વલયાકાર (annular)થી માંડી પ્યાલાકાર હોય છે. તેનો ભાગ્યે જ અભાવ હોય છે. પુંકેસરો દલપત્રોથી એક કે બેગણા, અધોજાયી, મુક્ત, કેટલીક વાર અસમાન અને બહારનું ચક્ર દલપત્રાભિમુખ [આ સ્થિતિને પ્રતિદ્વિચક્ર પુંકેસરી (obdiplostemonous) કહે છે] હોય છે. પરાગાશયો દ્વિખંડી હોય છે અને તેમનું સ્ફોટન લંબવર્તી રીતે થાય છે. સ્ત્રીકેસરચક્ર 2થી 5 યુક્ત સ્ત્રીકેસરી ઊર્ધ્વસ્થ બીજાશય ધરાવે છે; જેમાં 2થી 5 કોટરિયા અક્ષવર્તી (axile) જરાયુવિન્યાસ (placentation) જોવા મળે છે. પ્રત્યેક કોટરમાં અંડકો બે અથવા ભાગ્યે જ એક હોય છે અને તે જરાયુ પર સહસ્થ (colateral) ગોઠવાયેલાં હોય છે. પરાગવાહિની ટૂંકી, એક અથવા ગેરહાજર હોય છે. પરાગાસનો સ્ત્રીકેસરની સંખ્યા જેટલાં હોય છે. માદા પુષ્પ જો હોય તો તે વંધ્ય પુંકેસરો ધરાવે છે. ફળ 1થી 5 બીજ ધરાવતું અનષ્ઠિલ કે સ્ફોટનશીલ પ્રાવર (capsule) પ્રકારનું જોવા મળે છે. બીજ સીધો કે વક્ર ભ્રૂણ ધરાવે છે અને અભ્રૂણપોષી હોય છે.

બર્સેરેસી (Bursera Simaruba) : (અ) પુષ્પીય શાખા; (આ) નર પુષ્પ; (ઇ) માદા પુષ્પ; (ઈ) માદા પુષ્પનો ઊભો છેદ; (ઉ) બીજાશયનો આડો છેદ; (ઊ) ફળ

આ કુળ, છાલમાં રાળવાહિનીઓ કે કોટરોની હાજરી, મુક્ત પુંકેસરો, એક ટૂંકી પરાગવાહિની અને બિંદુરૂપ (punctate) પારદર્શી (pellucid) ગ્રંથિઓના અભાવ દ્વારા રુટેસી અને સીમારાઉબેસીથી ઓળખી શકાય છે.

આ કુળની આર્થિક અગત્ય ઘણી ઓછી છે, છતાં તેની કેટલીક જાતિઓ દ્વારા પ્રાપ્ત થતાં ગુંદર અને રાળ દુનિયાનાં બજારોમાં ઘણું મહત્વ ધરાવે છે. ગૂગળ (Boswellia અને Commifera) ઔષધીય વનસ્પતિ તરીકે જાણીતી છે. કાકડ(Garuge Pinnata)નાં પર્ણો પર ફ્રેક્રોપ્ટેરોન નામના કીટકો ગાંઠો (tubercle) બનાવે છે. તેનું અષ્ઠિલ ફળ ખાદ્ય હોય છે. આ જાતિનો ઉપયોગ શોભાની વનસ્પતિ તરીકે પણ થાય છે.

યોગેશ ડબગર