બર્વે, સદાશિવ ગોવિંદ (જ. 27 એપ્રિલ 1914; અ. 1967) : ભારતના એક કુશળ અને કાર્યક્ષમ વહીવટકર્તા તથા રાજનીતિજ્ઞ. તેમણે પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. 1935માં તેઓ ભારતીય સિવિલ સર્વિસ(ICS)માં જોડાયા. આઝાદી પૂર્વે મુંબઈ પ્રાંતના કલેક્ટર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. 1946માં તેઓ અમદાવાદના કલેક્ટર બન્યા. 1947માં તેમની બદલી પુણે થઈ, 1949થી ’55 તેઓ પુણે નગરપાલિકાના મુખ્ય વહીવટદાર નિમાયા અને કાર્યક્ષમ વહીવટી નિર્ણયો દ્વારા તેમણે પુણે શહેરનાં રૂપ-રંગ બદલી નાખ્યાં. 1952થી ’55 તેમણે ભારત સરકારના નાણા-મંત્રાલયના સંયુક્ત સચિવ તરીકે કામગીરી કરી. 1955માં તેમને અધિકૃત ભાષા પંચના સચિવ તરીકે નીમવામાં આવ્યા. 1957થી 1961 તેઓ દ્વિભાષી મુંબઈ રાજ્યના મુંબઈ ખાતેના સચિવાલયમાં સચિવ રહ્યા અને સાથે સાથે જાહેર બાંધકામ વિભાગનો હવાલો પણ સંભાળ્યો. આ દરમિયાન મુંબઈ શહેરના અભ્યાસ જૂથના ચેરમૅન તરીકે તેમણે સેવાઓ આપી અને નગરના શૈક્ષણિક ક્ષેત્રમાં યત્કિંચિત્ પ્રદાન કર્યું. 1959માં મહારાષ્ટ્રના કોયના પ્રકલ્પ માટે લોન મેળવવા ભારત સરકારે વિશ્વબૅંક સાથે વાટાઘાટો કરવા સારુ એક પ્રતિનિધિમંડળ અમેરિકા મોકલ્યું હતું. તેનું નેતૃત્વ તેમણે કર્યું હતું. 1962–63માં તેઓ મહારાષ્ટ્ર સરકારના નાણાસચિવ બન્યા અને ત્યારબાદ તેના સિંચાઈ પંચ, ઔદ્યોગિક વિકાસ-નિગમ, વહીવટી પુનર્રચના સમિતિ, ઉદ્યોગો અને વીજળી ખાતું – એમ વિવિધ વિભાગોમાં સચિવ તરીકે સેવાઓ આપી. તેમના પરિશ્રમી, કર્તૃત્વશીલ અને બુદ્ધિમાન વ્યક્તિત્વની છાપ તે વખતના ભારતના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી પર પડી, જેને લીધે 1965માં તેમને ભારતના આયોજન પંચના સભ્ય બનાવવામાં આવ્યા. ભારતની ચોથી પંચવર્ષીય યોજનાના ઘડતરમાં તેમણે ઊંડો રસ લીધો અને તેના ઔદ્યોગિક કાર્યક્રમમાં નોંધપાત્ર પ્રદાન કર્યું, જે ‘બર્વે ટચ’ તરીકે જાણીતું બન્યું હતું.
1967માં ઈશાન મુંબઈની સંસદીય ચૂંટણીમાં તેમણે કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ભાગ લીધો હતો અને કૃષ્ણમેનન જેવા પ્રતિસ્પર્ધીને પરાજય આપ્યો હતો; પરંતુ લોકસભાના સભ્ય તરીકેની શપથવિધિના આગળના દિવસે જ તેમનું અવસાન થયેલું.
રક્ષા મ. વ્યાસ