બર્મિંગહામ (યુ.એસ.) (2) : યુ.એસ.ના અલાબામા રાજ્યનું મોટામાં મોટું શહેર તથા શૈક્ષણિક, ઔષધીય માલસામાન અને પોલાદ બનાવવાનું મહત્વનું મથક. ભૌગોલિક સ્થાન : 33° 31´ ઉ. અ. અને 86° 48´ પ.રે. આ શહેર 256 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ શહેરની વસ્તી 2,65,968 અને મહાનગરની વસ્તી 9,07,810 છે. શહેરમાં આશરે 56 % જેટલા અશ્વેતો છે. બર્મિંગહામનું મોટાભાગનું અર્થતંત્ર પોલાદ-ઉદ્યોગ પર નિર્ભર છે. 1945 પછીથી ઔષધ તેમજ સ્વાસ્થ્યક્ષેત્રે બેકારીનું પ્રમાણ ઘણું વધી ગયું છે. આ નગરની સ્થાપના 1871માં થયેલી. તેનું નામ ઇંગ્લૅન્ડના પોલાદ-ઉત્પાદન કરનારા શહેર ‘બર્મિંગહામ’ના નામ ઉપરથી જ રાખવામાં આવેલું છે.
ગિરીશભાઈ પંડ્યા