બર્મિંગહામ (ઇંગ્લૅન્ડ)

January, 2000

બર્મિંગહામ (ઇંગ્લૅન્ડ) (1) : ઇંગ્લૅન્ડનું લંડન પછીના બીજા ક્રમે આવતું શહેર. ભૌગોલિક સ્થાન : 52° 30´ ઉ. અ. અને 1° 50´ પૂ. રે. ભૌગોલિક ર્દષ્ટિએ તે દેશના મધ્યભાગમાં હોવાથી તેને ‘હાર્ટ ઑવ્ ઇંગ્લૅન્ડ’ તરીકે નવાજવામાં આવે છે. પશ્ચિમ મિડલૅન્ડ્ઝ નામક સ્થાનિક પ્રશાસન જિલ્લામાં તે આવેલું છે. દેશના આ પ્રકારના જિલ્લાઓમાં આ જિલ્લો સૌથી મોટો છે. આસપાસનો વિસ્તાર આવરી લેતું તેમજ વૈવિધ્યપૂર્ણ ઉદ્યોગો ધરાવતું બર્મિંગહામ એ દેશનો મોટામાં મોટો ઔદ્યોગિક વિસ્તાર ગણાય છે. ધર્મની ર્દષ્ટિએ આ શહેરની વસ્તીની વહેંચણી કરતાં તેમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે, કારણ કે રોમન કૅથલિક, પ્રૉટેસ્ટન્ટ તથા ફ્રી ચર્ચ જેવા ધાર્મિક પંથોમાં શ્રદ્ધા ધરાવનાર લોકો ઉપરાંત તેમાં અન્ય ધર્મોના લોકો પણ ઠીક ઠીક પ્રમાણમાં વસે છે. મહાનગર સહિત તેનો વિસ્તાર 26,430 હેક્ટર જેટલો છે. નગર અને મહાનગરની વસ્તી અનુક્રમે 10,07,500 અને 26,41,800 (1990) જેટલી છે. પ્રાંતીય નગરોમાં તે સૌથી વધારે સમૃદ્ધ છે. તે લંડનથી 174 કિમી., મૅન્ચેસ્ટરથી 139 કિમી. અને બ્રિસ્ટલથી 145 કિમી.ના અંતરે આવેલ છે. અન્ય ઘણાં ઔદ્યોગિક નગરોથી આ શહેર ઘેરાયેલું છે.

બર્મિંગહામ સમુદ્ર-સપાટીથી 130 મીટરની ઊંચાઈ ધરાવતા સપાટ પ્રદેશ પર વસેલું છે. તેની આજુબાજુનો નીચલો વિસ્તાર ટ્રેન્ટ, સેવર્ન અને એવન નામની ત્રણ મોટી નદીઓથી ઘેરાયેલો છે. જોકે આ શહેરમાંથી એક પણ નદી વહેતી નથી.

વાણિજ્યિક પ્રવૃત્તિથી ધમધમતો બર્મિગહામ શહેરનો હાર્દભાગ

શહેરની મુખ્ય ઔદ્યોગિક પેદાશોમાં સ્વયંચાલિત વાહનો અને તેમના છૂટા ભાગો, યંત્રો અને ઓજારો, લોહતત્વ ધરાવતી ધાતુની તથા લોહતત્ત્વરહિત ધાતુની પેદાશો, પ્લાસ્ટિક તથા રબરની બનાવટો, વીજળીનાં ઉપકરણો, સોના-ચાંદીની ચીજવસ્તુઓ તથા ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે. શહેરના ઝડપી ઔદ્યોગિક વિકાસમાં રેલમાર્ગો તથા નહેરોના વિકાસે નોંધપાત્ર ભાગ ભજવ્યો છે, જેને લીધે કોલસા જેવા ઔદ્યોગિક ઊર્જાસાધનની ઉપલબ્ધિ શહેર માટે સુગમ બની છે. આ શહેરનું અર્થતંત્ર ઇજનેરી તથા ધાતુ-આધારિત ઉદ્યોગો પર નભે છે.

શહેરમાં ઓગણીસમી અને વીસમી સદીમાં બાંધવામાં આવેલી જૂની તથા નાની આકર્ષક ઇમારતો, ઉદ્યાનો, 1715માં બાંધવામાં આવેલું સેન્ટ ફિલિપ્સ કથીડ્રલ, કલા-સંગ્રહાલય, 1880માં સ્થપાયેલ યુનિવર્સિટી, 1900માં સ્થપાયેલ બર્મિંગહામ યુનિવર્સિટી અને 1966માં સ્થપાયેલ ઍસ્ટન યુનિવર્સિટી આવેલાં છે. ઈસાઈ સમુદાયનાં ગિરજાઘરો, હિંદુ મંદિરો તથા યહૂદીઓનાં ધાર્મિક સ્થાનો પણ આવેલાં છે. અહીંના આવાસો માટેની કુલ ઇમારતોમાંથી 33% ઇમારતો નગર નિગમની માલિકીની છે. મુખ્ય નગર અને તેનાં ઉપનગરોને જોડતા વિવિધ માર્ગોની બંને બાજુએ સુંદર ઘટાદાર વૃક્ષો ઉછેરવામાં આવ્યાં છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગોથી આ નગર દેશનાં અન્ય નગરો સાથે જોડાયેલું હોવા ઉપરાંત નગરના અંદરના ભાગમાં પણ વર્તુળાકાર રસ્તાઓ (ring roads) તથા પરસ્પર એકબીજાને સાંકળી લેતા રસ્તાઓની જાળ વિકસાવવામાં આવી છે. ફૂટબૉલ અને ક્રિકેટ બર્મિંગહામના લોકોની પ્રિય રમતો છે. વૉરવિક્શાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબનું મુખ્ય મથક આ નગરમાં આવેલું છે.

જૂના સમયમાં આ નગરનો વિસ્તાર ગીચ જંગલોથી ઘેરાયેલો હતો. આ નગરની સ્થાપના ઍંગ્લિયન વસાહતીઓએ સાતમી સદીમાં કરી હતી. 1086માં એક નાના ગામડા તરીકે તે અસ્તિત્વમાં આવ્યું હતું, 1166માં રાજ્ય તરફથી બજાર તરીકે તેને માન્યતા મળી હતી. 1500 સુધી જંગલો તથા ખેતરો દ્વારા ઘેરાયેલા ખરીદ-વેચાણ કેન્દ્ર તરીકે તેનો વિકાસ થયો હતો. 1838માં ત્યાં નગરપાલિકા સ્થપાયેલી. 1889માં તેને શહેરી વિસ્તાર તરીકે માન્યતા મળી હતી. 1931માં આ શહેરની સરહદો પહોળી કરવામાં આવી અને આસપાસના વિસ્તારો મહાનગરના ભાગ તરીકે વિકસાવવામાં આવ્યા. 1974 પહેલાં શહેર વૉરવિક્શાયર પરગણામાં ગણાતું હતું, પરંતુ 1974થી તેને વેસ્ટ મેરિલૅન્ડ્ઝ પરગણામાં ભેળવી દેવામાં આવ્યું. બીજા મહાયુદ્ધ (1939–1945) દરમિયાન જર્મનીના હવાઈ હુમલાઓથી આ શહેરને ઘણું નુકસાન થયું હતું. ઇંગ્લૅન્ડમાં સંસદીય લોકશાહીના વિકાસમાં આ શહેરનો મહત્વનો ફાળો રહ્યો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે