બર્ન : સ્વિટ્ઝર્લૅન્ડ તથા તેના સ્વિસ કૅન્ટૉન(રાજ્ય)નું પાટનગર. ભૌગોલિક સ્થાન : 46° 57´ ઉ. અ. અને 7° 26´ પૂ. રે. મધ્ય પશ્ચિમ સ્વિટ્ઝર્લૅન્ડમાં તે આરે નદી પર વસેલું છે તથા યુરોપનાં રમણીય ગણાતાં શહેરો પૈકીનું એક ગણાય છે. શહેરનો મધ્ય ભાગ સેંકડો વર્ષોથી જળવાતી આવેલી ઇમારતોથી બનેલો છે, તે પૈકીની કેટલીક તો સોળમી સદીની પણ છે. મોટાભાગની ઇમારતો મધ્ય બર્નના ચૉકમાં આવેલી છે. બર્નના એ ચૉક અને ગલીઓમાં પંદરમી સદીના સ્મારકરૂપ અનેક ફુવારા જોવા મળે છે. અહીંનું 1530માં બંધાયેલું ઝિટગ્લોકેનટર્મ નામથી ઓળખાતું વિશિષ્ટ પ્રકારની મનોરંજક યાંત્રિક કરામતો ધરાવતા ઘડિયાળવાળું ટાવર જાણીતું છે.

બર્ન

મધ્ય બર્નમાં જોવા મળતાં ઐતિહાસિક સ્થાપત્યોમાં 1421માં નિર્માણ પામેલું ગૉથિક શૈલીનું કથીડ્રલ તથા પંદરમી સદીનું નગરગૃહ વિશેષ ઉલ્લેખનીય છે. પશ્ચિમ ભાગમાં સ્વિસ સંસદભવનની ઇમારતો છે તો પૂર્વ ભાગમાં રીંછોને રાખવાનું સ્થાન (pit) આવેલું છે. રીંછ આ શહેરનું પરિચયાત્મક પ્રતીક છે. રીંછ માટે અહીં વપરાતા ‘Bä ren’ શબ્દ પરથી આ શહેરનું નામ ‘બર્ન’ પડેલું છે.

બર્નનો મધ્ય ભાગ વટાવ્યા પછી અદ્યતન ગણાતો વિસ્તાર આવે છે. તેમાં 1834માં સ્થપાયેલ યુનિવર્સિટી, રહેણાકવાળાં પરાં તથા સંગ્રહાલયો આવેલાં છે. બર્ન (કૅન્ટૉન) સ્વિટ્ઝર્લૅન્ડનું બીજા નંબરનું મોટું (6,049 ચોકિમી.) રાજ્ય છે. તેનો લગભગ 250 ચોકિમી. જેટલો વિસ્તાર હિમનદીઓથી છવાયેલો છે. શહેરની દક્ષિણે ‘બર્નિઝ ઓબરલૅન્ડ’ તરીકે ઓળખાતો બર્ન રાજ્યનો એક વિભાગ આવેલો છે. આ વિભાગ તેનાં મનોહારી ર્દશ્યો માટે દુનિયાભરમાં મશહૂર છે. વળી અહીં આલ્પ્સ પર્વતમાળાનાં ઉન્નત શિખરો, ઊંડી ખીણો તથા સરોવરોનું સુંદર અને ભવ્ય પ્રાકૃતિક દર્શન માણી શકાય છે.

અર્થતંત્ર : અહીં રોજગારીમાં સરકારી નોકરીના સ્રોતનું ઘણું મહત્વ છે. તદ્દન નાનાં નાનાં ઓજારો કે પુરજાઓ બનાવતા નાના પાયા પરના ઔદ્યોગિક એકમો અહીં મોટા પાયા પર કામ કરે છે. દુનિયાભરમાં નામાંકિત બનેલી સ્વિસ ઘડિયાળો બર્ન રાજ્યનાં ગામડાંઓમાં બને છે. આ ઉપરાંત આ રાજ્ય ચીઝ સહિતની ડેરીની પેદાશો તેમજ ચૉકલેટો બનાવવા માટેનું મુખ્ય મથક છે. મકાઈ, બટાટા અને શુગર-બીટ અહીંના મુખ્ય કૃષિપાકો છે. પ્રવાસન પણ આ શહેરનો તથા રાજ્યનો મહત્વનો ઉદ્યોગ ગણાય છે.

બર્ન શહેરના હાર્દભાગનું એક ર્દશ્ય

ઇતિહાસ : ઝહરીનગેનના ડ્યૂક બર્થહોલ્ડ પાંચમા દ્વારા 1191માં જર્મનભાષી અલામાનિયનો તથા ફ્રેન્ચભાષી બર્ગન્ડીઓ વચ્ચે અથડામણ અટકાવવા માટે લશ્કરી થાણા તરીકે બર્નની સ્થાપના કરવામાં આવેલી. તે પછી આ સ્થળ ઝડપથી વિકસ્યું અને સમૃદ્ધ થયું. આજુબાજુના પ્રદેશ પર પણ તેનું વર્ચસ્ જામ્યું. 1353માં સ્વિસ સમવાયતંત્ર તરીકે ઓળખાતા રાજકીય એકમમાં અન્ય સ્વિસ પ્રદેશો સહિત બર્ન પણ જોડાઈ ગયું. ત્યારપછી તો આ શહેરનો વિસ્તાર વધ્યો અને સોળમી સદીના અંત સુધીમાં તો તેણે આજના સ્વિટ્ઝર્લૅન્ડના 33 % ભાગ પર કાબૂ જમાવી દીધો. 1798માં ફ્રેન્ચ દળોએ સ્વિટ્ઝર્લૅન્ડ ઉપર ચડાઈ કરેલી. તે પછીનાં 16 વર્ષ સુધી આ પ્રદેશ પર કબજો પણ જમાવી રાખેલો. જોકે એ ગાળા દરમિયાન બર્નના કાબૂ હેઠળના કેટલાક વિભાગોને મુક્ત કરવામાં આવેલા. તે બધા પર સ્વિસ સમવાયતંત્રમાં અલગ અલગ રાજ્ય તરીકે બર્નનું પ્રભુત્વ હતું. 1848માં બર્ન સ્વિટ્ઝર્લૅન્ડનું પાટનગર બન્યું. 1994 મુજબ બર્નની વસ્તી આશરે 1,34,100 જેટલી અને કૅન્ટૉન(રાજ્ય)ની આશરે 9,26,000 જેટલી છે.

નિયતિ મિસ્ત્રી

ગિરીશભાઈ પંડ્યા