બર્ધન, અર્ધેન્દુ ભૂષણ

January, 2000

બર્ધન, અર્ધેન્દુ ભૂષણ (જ. 25 સપ્ટેમ્બર 1925, સિલ્હટ, બાંગ્લાદેશ; અ. 2 જાન્યુઆરી 2016, નવી દિલ્હી) : દેશના અગ્રણી સામ્યવાદી નેતા અને ભારતીય સામ્યવાદી પક્ષ(CPI)ના મહામંત્રી. પૂરું નામ અર્ધેન્દુભૂષણ બર્ધન. અભ્યાસાર્થે તેઓ નાગપુર યુનિવર્સિટીમાં જોડાયા (1940). તેની સાથોસાથ તેઓ સામ્યવાદી પક્ષની વિદ્યાર્થી પાંખ ગણાતા ઑલ ઇન્ડિયા સ્ટૂડન્ટ ફેડરેશનમાં જોડાયા. આ જ વર્ષે તેઓ તે સમયે ગેરકાયદેસર ગણાતા સામ્યવાદી પક્ષમાં જોડાયા હતા. ત્યારબાદ તેમણે પૂરા સમયના વિદ્યાર્થી કાર્યકર તરીકે પક્ષમાં કામ કર્યું અને તે દરમિયાન ધરપકડો પણ વહોરી. આમ છતાં તેમણે અર્થશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક અભ્યાસક્રમ પૂરો કરવા ઉપરાંત એલએલ.બી.ની પદવી પણ પ્રાપ્ત કરી.

અર્ધેન્દુ ભૂષણ બર્ધન

1941માં તેમણે ગૃહત્યાગ કરી પક્ષના પૂરા સમયના કાર્યકર બનવાનો નિર્ણય લીધો. 1942માં ‘ભારત છોડો’ આંદોલનમાં જોડાયા અને ધરપકડ વહોરી લીધી. આ અરસામાં પક્ષની કામગીરી સાથે અભ્યાસ-કારર્કિદી ચાલુ રહી હોવાથી નાગપુર યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ ચૂંટાયા. અભ્યાસ બાદ તેમણે વિવિધ કામદાર સંઘોમાં જોડાવાનું પસંદ કર્યું અને વીજળી, રેલવે, કાપડ ઉત્પાદન, સંરક્ષણ, પ્રેસ અને ઇજનેરી જેવા વિવિધ કામદારસંઘોમાં સઘન કામગીરી કરી. આ નિમિત્તે અવારનવાર ધરપકડો પણ વહોરી અને જુદે જુદે સમયે લગભગ સાડા ચાર વર્ષ જેટલો સમય જેલમાં પસાર કર્યો. એવી જ રીતે કલકત્તાના કામદાર સંઘોની કામગીરી અર્થે તેમણે બે વર્ષ ભૂગર્ભવાસ સેવ્યો.

તેમની આ કામગીરીનો વ્યાપક સ્વીકાર થતાં તે વખતનાં મધ્યપ્રાન્ત અને વરાડ (C. P. & Berar) તરીકે ઓળખાતા પ્રદેશના સામ્યવાદી પક્ષની કારોબારીમાં તેમને સભ્ય ચૂંટવામાં આવ્યા. ત્યારપછી તેઓ પક્ષના મહારાષ્ટ્ર એકમના સચિવાલય(secretariat)ના સભ્ય ચૂંટાયા. 1957માં તેઓ નાગપુર શહેર મતદાર વિભાગમાંથી મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય ચૂંટાયા. 1968માં પક્ષની આઠમી કૉંગ્રેસે તેમને પક્ષની રાષ્ટ્રીય સમિતિના સભ્ય તરીકે ચૂંટ્યા પછી તેઓ 1978માં પક્ષની કેંદ્રીય કારોબારીમાં અને 1982માં પક્ષના કેંદ્રીય સચિવાલયમાં કામગીરી અર્થે ચૂંટાયા. આમ તેમની સંનિષ્ઠ કામગીરી બદલ પક્ષ તેમને ઉત્તરોત્તર વધુ ને વધુ જવાબદારીભરી કામગીરી સોંપતો રહ્યો. દા.ત., 1995માં ‘આઇટુક’ના મહામંત્રી, સામ્યવાદી પક્ષના નાયબ સામાન્ય મંત્રી. 1996માં પક્ષના મહામંત્રીના હોદ્દા પર તેમની વરણી કરવામાં આવી છે.

રક્ષા મ. વ્યાસ