બર્નેઝ, એડવર્ડ (જ. 1891, વિયેના; અ. 1995) : જાહેર સંપર્કની પ્રવૃત્તિના આદ્ય પ્રણેતા. તેઓ સિગ્મંડ ફ્રૉઇડના ભત્રીજા થતા હતા. 1892માં બાળક તરીકે તેમને અમેરિકા લાવવામાં આવ્યા હતા.

અમેરિકામાં પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેમણે જોરદાર પ્રચારકાર્ય કર્યું. 1919માં તેમણે અમેરિકાની જાહેર સંપર્કની સર્વપ્રથમ કંપની શરૂ કરી. તેમણે અને તેમનાં ભાવિ પત્નીએ ભેગાં થઈને, ‘જાહેર સંપર્ક અંગેના સલાહકાર’ એવું નામ સૌપ્રથમ પ્રયોજ્યું. 100 વર્ષ પૂરાં થયા પછી પણ તેઓ ઔદ્યોગિક તેમજ સરકારી ક્ષેત્રના અસીલોને સલાહસેવા આપતા રહ્યા હતા.

જાહેર સંપર્ક પ્રવૃત્તિના તેઓ પિતામહ અને મહારથી લેખાય છે. તેમણે સમાજવિજ્ઞાન તેમજ માર્કેટ રિસર્ચ પર આધારિત જાહેર સંપર્ક પ્રવૃત્તિની પહેલ કરી. આ વિષય અંગે તેમણે થોકબંધ રસપ્રદ લેખો અને પુસ્તકો લખ્યાં. ‘ક્રિસ્ટલાઇઝિંગ પબ્લિક ઓપિનિયન’ નામનું તેમનું પુસ્તક સૌપ્રથમ 1923માં પ્રગટ થયેલું.

મહેશ ચોકસી