બર્નાર્ડ, ક્લૉડ [જ. 12 જુલાઈ 1813, સેન્ટ જિલિયન, વિલે ફ્રાન્કે (ર્હોન); અ. 10 ફેબ્રુઆરી 1878, પૅરિસ, ફ્રાન્સ] : ફ્રેન્ચ દેહધર્મશાસ્ત્રવિદ્ (physiologist). તેમને આધુનિક પ્રયોગલક્ષી તબીબી વિદ્યા(experimental medicine)ના સ્થાપકો પૈકીના એક વિજ્ઞાની તરીકે યાદ કરવામાં આવે છે.
શરૂઆતનું શાળાશિક્ષણ મેળવીને તેઓ 18મા વર્ષે એક ફાર્માસિસ્ટને ત્યાં અનુભવ મેળવવા જોડાયા. તેમણે ‘આર્થર ડી બ્રેટાગ્ને’ નામનું 5 અંકોનું એક નાટક લખ્યું, જે તે સમયે સ્વીકૃતિ પામ્યું; પરંતુ તેમના મૃત્યુ પછી 1887માં પ્રકાશિત થયું અને 1935માં રેડિયો પૅરિસ પરથી પ્રસારિત પણ થયું. તેઓ 1834માં મેડિકલ સ્કૂલમાં ભણવા માટે જોડાયા અને આજીવિકા માટે કન્યાશાળામાં વિજ્ઞાનનો વિષય શીખવવા માંડ્યા. કૉલજ ઑવ્ ફ્રાન્સમાં તેમણે ફ્રૅન્કૉઈ મેજેન્ડી પાસે દેહધર્મવિદ્યાનાં વ્યાખ્યાનો સાંભળ્યાં.
1834માં તેઓ પૅરિસ હૉસ્પિટલ્સમાં ઇન્ટર્નશિપ કરવા જોડાયા. 1841માં મેજેન્ડીએ તેમને કૉલેજ ઑવ્ ફ્રાન્સની પ્રયોગશાળામાં પોતાના સહાયક તરીકે લીધા. 1843માં તેમણે તેમનો પહેલો કર્ણપટલીય ચેતારજ્જુ (chorda tympany) પરનો શોધપત્ર પ્રકાશિત કર્યો અને તે જ વર્ષે ‘જઠરરસ અને તેનું પોષણના કાર્યમાં મહત્વ’ પરનો શોધનિબંધ લખ્યો. 1846માં તેમણે આકસ્મિક રીતે શોધી કાઢ્યું કે સ્વાદુપિંડમાંથી કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનને પચવતા ઉત્સેચકો (enzymes) ઉપરાંત ચરબી(મેદ)નું વિઘટન (પાચન) કરતો ઉત્સેચક પણ નીકળે છે. 1856માં તેમણે ‘મેમ્વર ઑન ધ પૅનક્રિયાસ’ પ્રસિદ્ધ કર્યું. તેમાં તેમણે પોતાનાં અવલોકનો લખ્યાં, જેને કારણે તેના પ્રકાશનનાં 72 વર્ષ પછી ઇન્સ્યુલિનની શોધ થઈ શકી. 1848માં કરેલાં સંશોધનોને 1850માં પ્રકાશિત કરીને તેમણે જણાવ્યું કે યકૃત (liver) ગ્લાયકોજન નામનો કાર્બોદિત પદાર્થ બનાવે છે. તેમાંથી જરૂર પડ્યે ગ્લુકોઝ બનાવાય છે જે તેને લોહીમાં સીધે સીધો પ્રવેશે છે. તેમણે નલિકારહિત સ્રાવ(ductless secretion)ની સંકલ્પના વિકસાવી. તેમણે આવા સ્રાવ માટે ‘અંતર્ગત સ્રાવ’ (internal secretion) એવો શબ્દ સૌપ્રથમ વાપર્યો હતો. 1857માં તેમણે યકૃતમાંથી ગ્લાયકોજનને અલગ પાડી બતાવ્યો. 1852માં તેમણે તેમની ત્રીજી મહત્વની શોધ કરીને જણાવ્યું કે નસોના પોલાણનો વ્યાસ વાહિનીપ્રેરક ચેતાઓ (vasomotor nerves) દ્વારા નિયંત્રિત છે. તેમણે આંતરિક વાતાવરણના સંતુલનનો ખૂબ જાણીતો સિદ્ધાંત પણ પ્રતિપાદિત કર્યો હતો. તેમનાં સંશોધનોને કારણે તેમને પ્રયોગાત્મક દેહધર્મવિદ્યાનાં અનેક પારિતોષિકો પ્રાપ્ત થયેલાં હતાં. 1855થી તેઓ પ્રયોગલક્ષી તબીબી વિદ્યાની સ્વાધ્યાયપીઠ(chair)ના અધિકારી બન્યા. તેઓ 1854થી 1868 સુધી સર્વસામાન્ય દેહધર્મવિદ્યા(general physiology)ની સ્વાધ્યાયપીઠના હોદ્દા પર રહ્યા હતા.
શિલીન નં. શુક્લ