બર્નાર્ડનો તારો

January, 2000

બર્નાર્ડનો તારો : સર્પધર (Ophiucus) નામે ઓળખાતા તારકમંડળમાં આવેલો નવમી શ્રેણીનો એક ઝાંખો તારો. તેની શોધ બર્નાર્ડ નામના ખગોળવેત્તાએ 1916માં કરી હતી. ‘આલ્ફા સેન્ટોરી’ નામે ઓળખાતું 3 તારાનું જોડકું આપણાથી 4.3 પ્રકાશવર્ષ દૂર આવેલું છે જે પૃથ્વીની સૌથી નજીકનો તારો છે. ત્યારબાદ બર્નાર્ડનો તારો 6 પ્રકાશવર્ષ દૂર આવેલો અને પૃથ્વીની નજીકમાં આવેલો બીજો તારો છે. [1 પ્રકાશવર્ષ = પ્રકાશના દર સેકન્ડે 3 લાખ કિમી. જેટલા વેગની ઝડપથી 1 વર્ષમાં કાપેલું અંતર = 3 × 105 × 3,600 × 24 × 365 = 9.46 × 1012 કિમી.]. બર્નાર્ડના તારાની વિશિષ્ટતા એ છે કે તેના સ્થાનમાં 10.5 આર્ક-સેકન્ડ/વર્ષ જેટલો ઝડપી ફેરફાર જોવા મળે છે.

પીટર-વાન-દ-કાં નામના ખગોળવિજ્ઞાનીએ આ તારાના સ્થાનમાં પ્રતિવર્ષ થતા ફેરફાર અંગેની અત્યંત ચોકસાઈપૂર્વક નોંધ કરી અને તેણે તારવ્યું કે આ તારાના સ્થાનમાં સૂક્ષ્મ પ્રમાણમાં આવર્તકાલીન ફેરફાર (periodic change) થાય છે; જે આ તારાની ફરતે ગુરુના ગ્રહ જેવો કોઈ દળદાર ગ્રહ હોય તો તેના ગુરુત્વાકર્ર્ષી બળને કારણે જ સંભવી શકે. ઉપરાંત આ અવલોકનો ઉપરથી તેણે તારવ્યું કે બર્નાર્ડની ફરતે ગુરુ કરતાં આશરે ત્રણગણા વજનનો અને કક્ષાનો ભ્રમણકાળ 24 વર્ષ હોય તેવો કોઈ ગ્રહ ભ્રમણ કરતો હોવો જોઈએ. આ નિષ્કર્ષને કારણે બર્નાર્ડના તારાને ઐતિહાસિક અગત્ય મળી; કારણ કે જો આ સાચું હોય તો સૂર્ય સિવાય, અન્ય તારાની ફરતે પણ ગ્રહ હોવાની આ પ્રથમ શોધ હતી. પરંતુ ત્યારબાદ વધુ ચોકસાઈભર્યાં અવલોકનો ઉપરથી માલૂમ પડ્યું કે બર્નાર્ડના સ્થાનમાં થતો સૂક્ષ્મ આવર્તકાલીન તફાવત દૂરબીનની ક્ષતિને કારણે હતો અને તેની ફરતે કોઈ ગ્રહનું અસ્તિત્વ શંકાસ્પદ જણાયું.

સૂર્ય ઉપરાંત અન્ય તારાઓની ફરતે ગ્રહો આવેલા છે તેની જાણ ત્યારે જ થઈ જ્યારે ડૉપલર અસરને કારણે વર્ણપટની રેખામાં થતા આવર્તકાલીન સ્થાનાંતર(periodic displacement)નો ઝીણવટભર્યો અભ્યાસ શરૂ થયો. 1995માં ‘51 Pegasi’ નામના તારાને ફરતા ગ્રહનો ચોક્કસ પુરાવો મળ્યો. ત્યારબાદ 1998ના અંત સુધીમાં તો સૂર્ય સિવાય અન્ય 18 તારાઓ ને ફરતા ગ્રહની શોધ થઈ ચૂકી છે, અને જેમ જેમ વધુ ચોકસાઈપૂર્વકનાં અવલોકનો લેવાશે તેમ તેમ આ સંખ્યામાં વધારો થતો જશે. ‘પલ્સાર’ પ્રકારના ન્યૂટ્રૉન તારાની ફરતે ગ્રહના અસ્તિત્વની જાણ, 1995 પૂર્વે થોડાંક વર્ષોમાં થઈ હતી.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ