બર્નહામ, (લિન્ડન) ફૉર્બ્સ (સૅમ્પસન)

January, 2000

બર્નહામ, (લિન્ડન) ફૉર્બ્સ (સૅમ્પસન) (જ. 20 ફેબ્રુઆરી 1923, કિટ્ટી, બ્રિટિશ ગિયાના; અ. 6 ઑગસ્ટ 1985, જ્યૉર્જટાઉન) : બ્રિટિશ ગિયાનાના વડાપ્રધાન તથા સ્વતંત્ર ગિયાનાના રાષ્ટ્રપ્રમુખ (1964થી 1980).

એમના ઘડતરમાં કાયદાનું શિક્ષણ નોંધપાત્ર કહી શકાય. એમણે 1947ની સાલમાં લંડન યુનિવર્સિટીમાંથી કાયદાની પદવી મેળવી. 1949ની સાલમાં તેઓ સ્વદેશ પાછા ફર્યા. 1950માં તેમણે પીપલ્સ પ્રોગ્રેસિવ પાર્ટી નામનો રાજકીય પક્ષ સ્થાપ્યો, જેમાં એમને તે સમયના ડાબેરી મજૂર નેતા ચેડી જગનનો સક્રિય  ટેકો મળેલો. બંને નેતાઓએ ત્યારબાદ પાંચેક વર્ષ સાથે કામ કર્યું. 1955ની સાલમાં બર્નહામે ચેડી જગન સાથેનો છેડો ફાડ્યો અને વધુ મધ્યમમાર્ગી એવા પીપલ્સ નૅશનલ કૉંગ્રેસ નામના પક્ષની સ્થાપના કરી. જગનના નેતૃત્વવાળા પક્ષે 1957 અને 1961ની બે લાગલાગટ ચૂંટણીઓમાં બ્રિટિશ ગિયાનાના સંસ્થાનવાળી ધારાસભામાં પોતાનો પ્રભાવ અને અંકુશ સિદ્ધ કર્યા. બ્રિટિશ સરકારે તે વખતે ચેડી જગનના નેતૃત્વ હેઠળ ચાલતી સરકારના ડાબેરી ઝોકવાળા જોરને ખાળવા, 1964ની સાલમાં બંધારણમાં ફેરફાર કર્યો, જેથી કરીને બર્નહામ એક નાના જમણેરી રાજકીય પક્ષ સાથે મિશ્ર સરકાર રચી શકે.

મે 1966માં ગિયાના સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યું અને ત્યાંની સૌપ્રથમ સરકારના વડા તરીકે બર્નહામ સત્તા પર આવ્યા. 1970ની સાલ સુધી એમણે સરકારની નીતિઓમાં મધ્યમમાર્ગી રાહ લીધો. ખાસ કરીને વિદેશી મૂડીરોકાણ આકર્ષવામાં  એમને ઠીક-ઠીક સફળતા મળી. તે સાથે તેમણે ક્યૂબા અને અન્ય સમાજવાદી દેશો સાથેના સંબંધોમાં મહદંશે દૂર રહેવાનું પસંદ કર્યું.

1970ની સાલમાં બર્નહામે પોતાની નીતિમાં ધરમૂળ પરિવર્તન કરી, ડાબેરી ભૂમિકા તરફ દિશા બદલી. એ સમયે બર્નહામે ગિયાનાની ‘સહકારી ગણતંત્ર’ (Co-operative Republic) તરીકે ઘોષણા કરી. એમણે ક્યૂબા, સોવિયેટ યુનિયન અને અન્ય સમાજવાદી દેશો સાથે રાજનૈતિક સંબંધો બાંધ્યા. વળી તેમણે ‘ત્રીજા વિશ્વ’ના દેશોમાં પોતાના દેશ માટે ગૌરવપ્રદ કામ કર્યું અને તે દ્વારા પોતાનું રાજદ્વારી કૌવત દેખાડ્યું.

1971 અને 1976નાં વર્ષો દરમિયાન બર્નહામે કૅનેડિયન અને અમેરિકન માલિકીની ગિયાનામાં આવેલી બૉક્સાઇટ ખાણોનું રાષ્ટ્રીયકરણ કર્યું. તે સાથે બ્રિટિશ માલિકીનાં શેરડીનાં ખેતરોનું અને તેલ શુદ્ધીકરણ ઉદ્યોગો – એ બંનેનું રાષ્ટ્રીયકરણ કર્યું.

1979ની સાલ સુધીમાં બર્નહામની રાષ્ટ્રીયકરણની નીતિઓનાં પરિણામ જોવા મળ્યાં. ગિયાનાના અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્રનો ભાગ ઘટીને કુલ સંપત્તિના 10 % જેટલો થઈ ગયો હતો. એ પહેલાં જુલાઈ 1978માં લેવાયેલા લોકમત(referendum)નાં પરિણામો ભારે ગેરરીતિઓથી ખરડાયાં હતાં એવું ઘણા જાણકારોનું માનવું હતું. આમાં બર્નહામે પોતાના પક્ષ પરનો સંપૂર્ણ ગણાય તેવો કાબૂ સિદ્ધ કર્યો હતો.

1980ની સાલમાં, ગિયાનાના બંધારણમાં સુધારો પસાર કરવામાં આવ્યો, જેની રૂએ વડાપ્રધાનપદને સ્થાને વધુ શક્તિશાળી એવું પ્રમુખપદ અસ્તિત્વમાં આવ્યું. 1980માં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં બર્નહામને વિજેતા જાહેર કરવામાં આવ્યા. આ ચૂંટણી વિશ્વભરમાં ગેરરીતિઓ માટે વખોડાઈ હતી.

બર્નહામની અર્ધસમાજવાદી નીતિઓને પરિણામે 1980ના દાયકામાં ગિયાનામાં આર્થિક સ્થગિતતા આવી. ગિયાનાની સરકારને પોતાના દેશના અર્થતંત્રને જરૂરી એવી આયાત કરી શકાય એવી ચીજવસ્તુઓ ખરીદવા માટે વિદેશી હૂંડિયામણ કમાવું પડે એમ હતું; પણ ગિયાનાની સરકાર એ સમય દરમિયાન ખાંડ, બૉક્સાઇટ અને ચોખાની પૂરતા પ્રમાણમાં નિકાસ કરી શકી નહિ.

આનંદ પુ. માવળંકર