બર્થેલોટ, માર્સેલિન (જ. 27 ઑક્ટોબર 1827, પૅરિસ; અ. 18 માર્ચ 1907, પૅરિસ) : કાર્બનિક સંશ્લેષણ અને ઉષ્મારસાયણમાં મહત્વનો ફાળો આપનાર અગ્રણી ફ્રેન્ચ રસાયણવિદ્. એક ચિકિત્સકના પુત્ર. મૂળ વૈદકશાસ્ત્રના વિદ્યાર્થી હોવા છતાં શરૂઆતથી જ તેઓ રસાયણશાસ્ત્ર તરફ વળ્યા હતા. કૉલેજ દ ફ્રાન્સમાં એંતોંઈ જે રોમી બેલાર્ડના હાથ નીચે અભ્યાસ કર્યા પછી તેઓ બેલાર્ડના સહાયક બન્યા (1851). 1854માં કુદરતી ચરબીનું સંશ્લેષણ – એ વિષય ઉપર પીએચ.ડી. માટેનો મહાનિબંધ લખી તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી. આ સમય દરમિયાન તેમણે ફિલસૂફ અર્નેસ્ટ રેનાં સાથે જીવનભરની મિત્રતા કેળવી. 1859માં તેઓ ઈકોલે સુપીરિયર દ ફાર્મસીમાં રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા. જ્યારે 1865માં કૉલેજ દ ફ્રાન્સમાં નવી સ્થપાયેલ કાર્બનિક રસાયણશાસ્ત્ર શાખાની સ્વાધ્યાયપીઠ પર નિમાયા.
1854થી બર્થેલોટે સાંશ્લેષણિક પદ્ધતિઓનો ઉપયોગ કરી સાદાં સંયોજનોમાંથી મોટા અણુઓ બનાવવા માંડ્યા. આ રીતે તેમણે મિથેનમાંથી મિથેનોલ, કાર્બન મૉનૉક્સાઇડમાંથી મિથેનૉઇક (ફૉર્મિક) ઍસિડ, ઇથીન(ઇથીલિન)માંથી ઇથેનોલ તથા કાર્બનિક ઍસિડ અને પ્રોપેન 1, 2, 3-ટ્રાયોલમાંથી ચરબી (ગ્લિસરાઇડ) વગેરે બનાવ્યાં. તેમણે કાર્બન વિદ્યુતચાપમાં હાઇડ્રોજન પસાર કરી ઇથાઇન (એસિટિલીન) અને તેમાંથી બેન્ઝીન મેળવ્યું. આમ, કાર્બનિક રસાયણ એ કાર્બનનાં સંયોજનોનું રસાયણશાસ્ત્ર છે તેમ સ્વીકારાયું. આ અગાઉ એમ માનવામાં આવતું હતું કે કાર્બનિક રસાયણ એ સજીવોમાંથી મેળવવામાં આવતાં રસાયણોનું વિજ્ઞાન છે. સેન્દ્રિય સંયોજનોનું ઉત્પાદન જીવનાવશ્યક (vital) બળને આભારી છે તે સિદ્ધાંતને તેમણે તિલાંજલિ આપી. કુદરતમાં પ્રાપ્ય ન હોય તેવાં કાર્બનિક સંયોજનો પણ તેમણે બનાવ્યાં.
1860ના દાયકામાં તેમણે રાસાયણિક પ્રક્રિયાઓના વેગનો અને ત્યારબાદ પ્રક્રિયા દરમિયાન ઉદભવતી ઉષ્માનો (ઉષ્મારસાયણનો) અભ્યાસ કર્યો. તેમણે એમ પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કર્યો કે રાસાયણિક પ્રક્રિયા તેવી દિશામાં થાય છે કે જે દરમિયાન મહત્તમ ઉષ્મા ઉત્પન્ન થાય. (ગિબ્સના મુક્ત ઊર્જાના ખ્યાલ પછી આ બાબત ગૌણ બની.) પ્રવાહીઓના બાષ્પીભવનની ગુપ્ત ગરમી (latent heat of vaporization) માપવા માટે તેમના નામથી ઓળખાતા કૅલરીમિટરના તેઓ શોધક હતા. ઉષ્મારસાયણના સંશોધને તેમને વિસ્ફોટકોના ક્ષેત્રમાં કાર્ય કરવા પ્રેર્યા. પ્રશિયનોએ 1870–71માં પૅરિસને ઘેરો ઘાલ્યો ત્યારે તેઓ વૈજ્ઞાનિક સલાહકાર હતા અને દારૂગોળા અને તોપોના ઉત્પાદન ઉપર ધ્યાન રાખતા હતા. 1878માં વિસ્ફોટકો અંગેની સમિતિના પ્રમુખ તરીકે તેમણે ધૂમ્રવિહીન પાઉડરનો ઉપયોગ દાખલ કર્યો હતો. તેમણે શરીર-ક્રિયાત્મક રસાયણશાસ્ત્રમાં પણ સંશોધન કર્યું હતું.
1876માં તેઓ ઉચ્ચ શિક્ષણના ઇન્સ્પેક્ટર જનરલ બન્યા. તે પછી 1881માં સેનેટર, 1886–87માં જાહેર શિક્ષણખાતાના પ્રધાન અને 1895–1896માં વિદેશખાતાના પ્રધાન બન્યા. તેમના સંશોધનકાર્ય બદલ 1900માં તેમને ડેવી ચંદ્રક એનાયત થયેલો, જ્યારે તે પછીના વર્ષે પૅરિસમાં તેમની જયંતી ઊજવાઈ હતી. લૂઈ પાશ્ચર બાદ 1889માં તેઓ પૅરિસની એકૅડેમી દ સાયન્સિઝના મંત્રી બન્યા.
તેમનાં 1,600 જેટલાં લેખો અને પુસ્તકો પ્રકાશિત થયાં છે, જેમાં Chimie organique fondee sur la synthese (1860, સંશ્લેષણ ઉપર આધારિત કાર્બનિક રસાયણ), Mecanique chimique (1878, રાસાયણિક યાંત્રિકી), Thermochimie (1897, ઉષ્મારસાયણ) અને Les Carbures d’hydrogene (1901, હાઇડ્રોકાર્બનો)નો સમાવેશ થાય છે. તેમણે કીમિયાગરી અને રસાયણશાસ્ત્ર ઉપરના ગ્રીક અને અરબી નિરૂપણગ્રંથો(treatises)નો પણ અનુવાદ કરેલો. La grande Encyclopedieમાં પણ તેમણે અનેક લેખો લખેલા. વિજ્ઞાનના તેઓ ઇતિહાસકાર હતા.
તેમનાં પત્નીના અવસાનના થોડા કલાકો બાદ તેઓ પણ મૃત્યુ પામ્યા હતા અને બંનેને રાજકીય સન્માન સાથે પૅન્થિયોન ખાતે દફનાવવામાં આવેલા.
જ. દા. તલાટી