બર્થડે પાર્ટી (1957) : અંગ્રેજી નાટ્યકાર હૅરલ્ડ પિન્ટરનું નાટક. કાફકા, આયૉનેસ્કો અને બ્રેખ્તની અસર નીચે લખાયેલા આ નાટકમાં દરિયાકિનારા પરની પ્રવાસીઓની ધર્મશાળાનું ર્દશ્ય છે. એમાં બે રખેવાળો એક યુવાનને રહસ્યમય રીતે સતાવે છે. તેમાં પ્રત્યાયન અને સંવાદનો અભાવ તથા હિંસા અને શોષણની અનિવાર્યતા વ્યક્ત થઈ છે. યુરોપમાં ગયા છઠ્ઠા દાયકામાં પ્રચલિત બનેલા ‘ઉદભટ નાટ્ય’(theatre of absurd)ના પ્રવાહનું આ અગત્યનું નાટક છે. એનું માળખું અંગ્રેજી નાટ્યપ્રણાલીને અનુસરતું પિન્ટરે રાખ્યું છે. અષ્ટ અનિષ્ટનું નિરૂપણ કરવા જન્મદિનની ઉજવણી. ઢોલ, પ્રકાશનો બંધ-ઉઘાડ, આંધળા માણસની રમત, હિંસાનો છુટ્ટો દોર વગેરેથી વિશિષ્ટ પ્રકારની અંગ્રેજી નાટ્યસૃષ્ટિ ખડી થઈ છે; જેમાં મેલોડ્રામા અને ફારસનું મિશ્રણ છે. પેલું અષ્ટ અનિષ્ટ અનામી તો છે જ, પણ એની રજૂઆત અનેક અર્થો પ્રગટ કરે છે; જેમકે અપરાધ, રાજકારણ, ધર્મ, અધ્યાત્મ વગેરે. યુરોપના ઉદભટ નાટ્યની એ જ તો ત્રેવડ છે. રોજબરોજના સામાન્ય લોકોના સંવાદો અને અધૂરાં વાક્યોમાંથી પિન્ટરે અદભુત નાટ્યાત્મકતા સિદ્ધ કરી છે.

હસમુખ બારાડી